રશિયાની એક ચાલથી વિશ્વ યુદ્ધ થવાની ભીતિ અમેરિકા અને ફ્રાંસે કહ્યું હવે રશિયાની ખેર નથી

Updated: May 5th, 2024


Google NewsGoogle News
રશિયાની એક ચાલથી વિશ્વ યુદ્ધ થવાની ભીતિ અમેરિકા અને ફ્રાંસે કહ્યું હવે રશિયાની ખેર નથી 1 - image


- બે વર્ષથી ચાલતા યુક્રેન યુદ્ધે નવો જ વળાંક લીધો છે રશિયા ઉપર યુક્રેની સેનાએ આક્ષેપ કર્યો છે કે તે રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ કરે છે

નવી દિલ્હી : 'એવરીથીંગ ઈઝ ફેર ઈન લવ એન્ડ વોર' તે કહેવત ભલે હોય પરંતુ જે સર્વસામાન્યત: અનૈતિક છે, તેનો તો વિરોધ કરવો જ જોઈએ. બે વર્ષથી પણ વધુ સમયથી ચાલતાં રશિયા-યુક્રેન યુદ્ધે નવો જ વળાંક લીધો છે. યુક્રેનની સેનાએ રશિયા ઉપર રાસાયણિક શસ્ત્રો વાપરવાનો આક્ષેપ કર્યો છે. આથી અમેરિકા અને ફ્રાંસ ધૂંધવાયા છે. અમેરિકા તે માટે રશિયાને મંત્રણાના મેજ ઉપર લાવવા માગે છે. યુ.એસ. કહે છે કે, રશિયા યુદ્ધમાં કલોરોવિક્રીનનો અને નાઈટ્રોકલોરોફોર્મનો પણ ઉપયોગ કરે છે. આ બીજો ગેસ 'ટીયર ગેસ' પણ કહેવાય છે. નાઇટ્રોકલોરોફોર્મ (ટીયર-ગેસ) રમખાણકારોને તિત્તર-બિત્તર કરવા માટે પણ વપરાય છે તે સર્વવિદિત છે. તેથી આંખમાં આંસુ આવી જાય છે. વધુ પ્રમાણમાં શ્વાસમાં જાય તો ફેફસાને નુકસાન થાય છે, ચામડી ઉપર પણ ચાંઠા પડી જાય છે.

રશિયા ઉપર આક્ષેપ છે કે તે 'ટીયર-ગેસ' દ્વારા યુક્રેની સૈનિકોને તિત્તર-બિત્તર કરી રહ્યું છે. પરંતુ ટીયર ગેસ જો વધુ પ્રમાણમાં ફેફસામાં જાય તો શ્વસનતંત્રને એટલું બધું નુકશાન થાય છે કે તેથી મૃત્યુ પણ થાય છે.

આથી યુક્રેનનાં સંરક્ષણ મંત્રાલયે સૈનિકોને માસ્ક પહેરવા કહી દીધું છે.

રશિયાએ આ આક્ષેપો ફગાવી દીધા છે, તે કહે છે કે અમે તેવું કશું કરતા નથી. જોકે યુરોપીય દેશો અમેરિકાની ધમકીને હળવાશથી લેતા નથી. ફ્રાંસના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોએ કહી દીધું છે કે જો રશિયા વધુ પડતું આક્રમક બનશે અને જો યુક્રેન કહેશે તો ફ્રાંસ યુક્રેનમાં તેની સેના મોકલશે જ તેઓ કહે છે કે પ્રથમ યુદ્ધ પછી યુદ્ધમાં રાસાયણિક શસ્ત્રો નહીં વાપરવા માટે જીનીવામાં મળેલી કેમિકલ વોરફેર કોનકલેવ (સીડબલ્યુસી)માં જ નિર્ણય લેવાયો હતો કે યુદ્ધમાં રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ ન જ કરવો. તે કરારો ઉપર ૧૯૩ દેશોએ હસ્તાક્ષરો કર્યા હતા. હસ્તાક્ષર કરનાર દેશોમાં તે સમયનું અખંડ સોવિયેત સંઘ પણ હતું.

કલોરોવિક્રીનનો ઉપયોગ પ્રથમ વિશ્વયુદ્ધમાં થયો હતો. તે એક તૈલીય પદાર્થ છે. જો તે શરીરમાં પ્રવેશે તો ઉલ્ટીઓ થાય છે. ડાયેરિયા થઈ જાય છે, ચક્કર આવે છે.

આ પ્રકારના રસાયણો જીનીવા કન્વેન્સી પ્રમાણે જ પ્રતિબંધિત છે. રશિયા કહે છે, અમે તેના સિદ્ધાંતોને બરોબર અનુસરીયે છીએ. અમારી ઉપર ખોટા આક્ષેપો કરાઈ રહ્યાં છે.


Google NewsGoogle News