બાંગ્લાદેશમાં દુર્ગા પૂજામાં હિન્દુઓ પર હિંસાની આશંકા : યુનુસ સરકાર એલર્ટ

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
બાંગ્લાદેશમાં દુર્ગા પૂજામાં હિન્દુઓ પર હિંસાની આશંકા : યુનુસ સરકાર એલર્ટ 1 - image


વચગાળાની સરકારની કટ્ટરવાદી તત્વોને ચેતવણી

પૂર્વ પીએમ શેખ હસીનાને પાછાં મોકલવા ભારત પર વચગાળાની સરકારનું દબાણ વધ્યું, પ્રત્યાર્પણ માટે પગલાં લેવા તૈયારી કરી

ઢાકા: બાંગ્લાદેશમાં તત્કાલીન વડાંપ્રધાન શેખ હસીના વિરુદ્ધના આંદોલનમાં સેંકડો હિન્દુઓની હત્યા થયા પછી હવે ફરી એક વખત દેશમાં હિન્દુઓની કત્લેઆમની આશંકા સેવાઈ રહી છે. પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના ભારત ભાગી આવ્યા પછી બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓનું પ્રભુત્વ વધ્યું છે. આવા સમયે આગામી મહિને નવરાત્રીમાં દુર્ગા પૂજાનો ઉત્સવ આવી રહ્યો છે ત્યારે કટ્ટરવાદીઓ હિન્દુ તહેવારમાં પૂજાના સ્થળો અને હિન્દુઓને નિશાન બનાવે તેવો ડર છે. આથી વચગાળાની મોહમ્મદ યુનુસ સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. તેણે રવિવારે દેશમાં કોમી હિંસા રોકવા કડક હાથે કામ લેવા આદેશ આપ્યા છે.

સામૂહિક હત્યા-માનવતા વિરુદ્ધ ગુના બદલ દેશભરમાંથી માહિતી, દસ્તાવેજો, પુરાવા એકત્ર કરાઈ રહ્યા છે ઃ તાજુમ ઈસ્લામ

બાંગ્લાદેશની વચગાળાની સરકારે ૯થી ૧૩ ઑક્ટોબર વચ્ચે યોજાનારા દુર્ગા પૂજાના તહેવાર દરમિયાન કોમી હિંસાની આશંકાઓ વચ્ચે તોફાની તત્વોને ચેતવણી આપી છે. શેખ હસીનાની વિદાય બાદ બાંગ્લાદેશમાં હિન્દુઓ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે ત્યારે ધાર્મિક બાબતોના સલાહકાર ડૉ. એએફએમ ખાલિદ હુસૈને રાજશાહી જિલ્લામાં ગોદાગરીમાં પ્રેમતલિ ગૌરાંગ બારી કાલિમંદિરની મુલાકાત લીધી હતી.

તેમણે જણાવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ પૂજાના સ્થળોને નુકસાન પહોંચાડશે અથવા કોમી હિંસા ફેલાવવાનો પ્રયત્ન કરશે તો તેને છોડવામાં નહીં આવે. અમે કડક કાયદાથી આવા તત્વોને ડામી દઈશું.

ખાલિદ હુસૈને હિન્દુ સમાજના લોકોને પૂરા ઉત્સાહ અને ઉમંગથી તેમના તહેવારો ઊજવવા હાકલ કરી હતી અને ભારપૂર્વક કહ્યું હતું કે, હિન્દુ મંદિરોને નુકસાન થવા દેવામાં નહીં આવે. તમને મંદિરો પર હુમલાનો ભય હોય તો ખાતરી રાખો કોઈ ગૂનેગારોને છોડવામાં નહીં આવે. 

દરમિયાન વચગાળા સરકારે પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને પાછાં મોકલવા માટે ભારત પર દબાણ વધાર્યું છે. બાંગ્લાદેશના ઈન્ટરનેશનલ ક્રાઈમ ટ્રિબ્યુનલના વરિષ્ઠ વકીલ મોહમ્મદ તાજુમ ઈસ્લામે રવિવારે કહ્યું કે, પૂર્વ પીએમ શેખ હસીનાના ભારતમાંથી પ્રત્યાર્પણ માટે જરૃરી પગલાં લેવાઈ રહ્યા છે. શેખ હસીના સરકાર વિરુદ્ધ વિદ્યાર્થીઓના નેતૃત્વવાળા જન આંદોલન સમયે સામૂહિક હત્યાઓના આરોપના કેસ ચલાવાશે.

તેમણે ઉમેર્યું કે, શેખ હસીના વિરુદ્ધ સામૂહિક હત્યા અને માનવતા વિરુદ્ધના કેસો ચાલશે. ટ્રિબ્યુનલ તેનું કામ ફરી શરૃ કરશે ત્યારે સામૂહિક હત્યા અને માનવતા વિરુદ્ધ ગૂના માટે નોંધાયેલા કેસોના સંબંધમાં શેખ હસીના સહિત તમામ ભાગેડૂ ગૂનેગારો વિરુદ્ધ ધરપકડ વોરન્ટ જારી કરવામાં આવશે. 

તેમણે ઉમેર્યું કે, હાલ સમગ્ર દેશમાંથી માહિતી, દસ્તાવેજો અને આરોપીઓ વિરુદ્ધ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. ટ્રિબ્યુનલ આ પુરાવાઓ અને માહિતીઓની સમીક્ષા કરશે, જે ખૂબ જ પડકારજનક કામ છે. વચગાળાની સરકાર મુજબ શેખ હસીનાના નેતૃત્વની સરકાર વિરુદ્ધ દેખાવો દરમિયાન ૧,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા અને સેંકડો લોકોને ઈજા પહોંચી હતી.



Google NewsGoogle News