ઈઝરાયલ-હમાસ વચ્ચેના યુદ્ધને એક વર્ષ પૂરું, 42000ના મોત, લાખો બેઘર, ગાઝા ખંડેર થયું
Israel vs Hamas War Updates | ઈઝરાયેલની રાજધાની તેલ અવિવ સહિત દક્ષિણ ઈઝરાયેલમાં એક વર્ષ પહેલાં ૭ ઑક્ટોબરના રોજ યહુદીઓ તેમના સૌથી મોટા ધાર્મિક તહેવારની ઊજવણી કરી રહ્યા હતા અને અચાનક ગાઝામાંથી હમાસના આતંકીઓએ દક્ષિણ ઈઝરાયેલ પર હુમલો કરીને ૧૨૦૦થી વધુ યહુદીઓની હત્યા કરી હતી અને મહિલાઓ સહિત ૨૫૦થી વધુનું અપહરણ કર્યું હતું. આ ઘટનાને સોમવારે એક વર્ષ પૂરું થઈ રહ્યું છે. હવે ફરી એક વખત એક વર્ષ પછી હમાસ, હીઝબુલ્લાહ અને હુથી આતંકીઓ ઈઝરાયેલ પર મોટા હુમલાની તૈયારી કરી રહ્યા છે. ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતોલ્લાહ ખામૈનીએ શુક્રવારે પાંચ વર્ષ પછી પહેલી વખત જાહેરમાં ભાષણ કર્યું તે સાથે ઈરાનના પ્રોક્સી સંગઠનો ઈઝરાયેલ પર મોટા હુમલાની તૈયારી કરી રહ્યા છે.
ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા અયાતોલ્લાહ ખામૈનીએ શુક્રવારે જુમ્માની નમાઝ પછી લગભગ પાંચ વર્ષે પહેલી વખત જાહેરમાં આવીને ભાષણ કર્યું હતું અને ઈઝરાયેલ પર ઈરાને કરેલા હુમલા, એક વર્ષ પહેલાં હમાસના આતંકી હુમલાને યોગ્ય ઠેરવ્યા હતા અને ઈઝરાયેલ પર વધુ ભયાનક હુમલા કરવાની ધમકી આપી હતી.
હવે અમેરિકન ગુપ્તચર એજન્સી એફબીઆઈએ એલર્ટ જાહેર કરી છે કે ઈરાનના પ્રોક્સી સંગઠનો હમાસના હુમલાની પહેલી વરસીએ ઈઝરાયેલ પર કોઈ મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે. આ માટે યમન, સીરિયા અને ઈરાકમાંથી હજારો આતંકીઓ લેબનોન પહોંચી રહ્યા છે. ઈરાનના પ્રોક્સી સંગઠનોના હુમલાની બ્લુ પ્રિન્ટ ઈરાને તૈયાર કરી લીધી છે.
આ સંગઠનો માત્ર ઈઝરાયેલના શહેરો જ નહીં પરંતુ ગોલન હાઈટ્સ પર પણ હુમલા કરી શકે છે. આ હુમલાઓ માટે હવે ઈરાનના સુપ્રીમ લીડર ખામૈનીના આદેશની રાહ જોવાઈ રહી છે. ત્યાર પછી ઈરાની પ્રોક્સી સંગઠનો ગયા વર્ષે ૭ ઑક્ટોબર જેવો જ મોટો હુમલો કરે તેવી આશંકા સેવાઈ રહી છે. જોકે, ઈઝરાયેલની ત્રી-સ્તરીય સંરક્ષણ સિસ્ટમ સતત આ હુમલાઓને નિષ્ફળ બનાવી શકે છે જ્યારે સરહદ પર પણ સૈનિકોની તૈનાતી વધારી દેવાઈ છે.
ખામૈનીએ શુક્રવારે ભાષણ કર્યા પછી ઈરાનના પ્રોક્સી સંગઠનોના કમાન્ડકર સાથે બેઠક કરી હતી, જેમાં ઈઝરાયેલના વિનાશની બ્લુપ્રિન્ટ બનાવાઈ છે, જે મુજબ ઈઝરાયેલ પર સોમવારે કોઈ મોટો હુમલો થવાની આશંકા સેવાઈ રહી છે.
અમેરિકન જાસુસી સંસ્થા એફબીઆઈએ એલર્ટ જાહેર કરીને કહ્યું છે કે હમાસના હુમલાને એક વર્ષ પૂરું થતા ઈરાની પ્રોક્સી સંગઠનો ઈઝરાયેલ પર મોટા હુમલાની ફિરાકમાં છે. આ પ્રોક્સી સંગઠનોને રશિયા અને ઈરાક પાસેથી સતત હથિયારો મળી રહ્યા છે તેમજ અન્ય સંગઠનોને પણ સૈન્ય સહાય અપાઈ રહી છે. ઈઝરાયેલને સાત મોરચા પર ઘેરવામાં આવ્યું છે. ઈઝરાયેલ પર લેબનોનમાં હીઝબુલ્લાહ, વેસ્ટ બેન્ક અને ગાઝામાં હમાસ, યમનમાં હુથી આતંકીઓ, ઈરાન, ઈરાકમાંથી કતાઈબ હીઝબુલ્લાહ અને સીરિયામાં બદ્ર સંગઠન હુમલા કરી રહ્યા છે.
દરમિયાન ઈઝરાયેલ-ગાઝા યુદ્ધને એક વર્ષ પૂરું થયું છે ત્યારે એક વર્ષ પહેલાં હમાસે અચાનક હુમલો કરીને ૧૨૦૦ ઈઝરાયલીઓને મારી નાંખ્યા હતા અને ૨૫૦ને કેદી બનાવ્યા હતા. જોકે, ત્યાર પછી ઈઝરાયેલના હુમલામાં પેલેસ્ટાઈનમાં અત્યાર સુધીમાં હમાસના આતંકીઓની સાથે બાળકો અને મહિલાઓ સહિત ૪૨,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા છે. ઈઝરાયેલના હવાઈ હુમલામાં ગાઝા આખું ખંડેર બની ગયું છે અને લાખો લોકો બેઘર તેમજ શરણાર્થી બની ગયા છે. ઈઝરાયેલે ગાઝામાં સ્કૂલ હોય કે મસ્જિદ કે અન્ય કોઈ ઈમારત ક્યાંય પણ હુમલા કરવાનું બાકી રાખ્યું નથી. બીજીબાજુ ઈઝરાયેલમાં પણ અંદાજે ૬૦,૦૦૦થી વધુ લોકો પોતાના જ દેશમાં શરણાર્થી બનવા મજબૂર થયા છે.
વધુમાં ઈઝરાયેલે લેબનોન અને ઈરાન સામે પણ મોરચો માંડી દીધો છે. ઈઝરાયેલ છેલ્લા એક વર્ષથી બધી જ દિશાઓમાં લડી રહ્યું હોવા છતાં તેને કોઈ નિર્ણાયક વિજય નથી મળ્યો. ઉલટાનું યુદ્ધના વધુ મોરચા ખુલી ગયા છે. ઈઝરાયેલે રવિવારે પણ મધ્ય ડેર અલ-બલાહમાં હમાસ દ્વારા સંચાલિત એક મસ્જિદ પર હવાઈ હુમલો કર્યો હતો, જેમાં ૨૬ લોકો માર્યા ગયા અને ૧૦૦થી વધુ ઘાયલ થયા હતા. બીજીબાજુ ગાઝામાંથી પણ હમાસે ઈઝરાયેલ પર સેંકડો રોકેટ અને મિસાઈલ હુમલા કર્યા હતા. પરંતુ તેની સંરક્ષણ સિસ્ટમ આયરન ડોમે બધા રોકેટ-મિસાઈલ્સ તોડી પાડયા હતા.
આ હુમલા વચ્ચે ઈઝરાયેલમાં રવિવારે ફરી એક વખત આતંકી હુમલો થયો હતો.બેર્શેબા બસ સ્ટેશન પર અંધાધૂંધ ગોળીબાર કરાયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે ૧૧થી વધુ ઘાયલ થયા હતા. આ હુમલામાં આતંકી પણ માર્યો ગયો છે. ઈઝરાયેલમાં એક મહિનામાં આતંકી હુમલાની આ બીજી ઘટના છે.
- ઈરાનના ઓઈલ ભંડાર, મિસાઈલ એરબેઝ પર જવાબી હુમલા કરાશે
- ઈઝરાયેલ ફરી હુમલો કરશે તો એવો આકરો જવાબ અપાશે કે તેને પસ્તાવો થશે : ઈરાનના વિદેશ મંત્રી
- ગાઝા, લેબનોન પછી હવે ઈરાન નિશાના પર
તેલ અવિવ: મધ્ય-પૂર્વમાં અત્યંત તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ઈઝરાયેલ સાત મોરચે એકલા હાથે લડી રહ્યું છે. તહેરાનમાં હાનિયા, હીઝબુલ્લાહના વડા નસરલ્લાહની મોતનો બદલો લેવા ઈરાને બીજી ઑક્ટોબરે ઈઝરાયેલ પર મિસાઈલ હુમલો કરતાં ઈઝરાયેલે જવાબી કાર્યવાહીની ચેતવણી આપી હતી. ઈઝરાયેલ ઈરાનના ઓઈલ ભંડાર, મિસાઈલ સાઈલો, એરબેઝ પર જવાબી હુમલા કરશે તેવી અટકળો થઈ રહી છે. સામે ઈરાને પણ રવિવારે ઈઝરાયેલ પર વધુ મોટા આક્રમણની ચેતવણી આપી છે.
અમરિકાના પ્રમુખપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયેલને ઈરાનના પરમાણુ મથકો ઉડાવી દેવાની સલાહ આપી છે ત્યારે અમેરિકન સરકારે નેતન્યાહુને પરમાણુ સ્થળો પર હુમલો નહીં કરવા જણાવ્યું છે અને કહ્યું કે, ઈરાનના પરમાણુ મથકો પર હુમલાનું તે સમર્થન નહીં કરે. જોકે, ઈઝરાયેલ ઈરાનના ઓઈલ ભંડારો, એરબેઝ, બેલિસ્ટિક મિસાઈલ સાઈલોને નિશાન બનાવશે તે કહી શકાય નહીં.
અમેરિકન એજન્સીના રિપોર્ટ મુજબ ઈરાનમાં બે ડઝનથી વધુ સ્થળો છે જ્યાં મિસાઈલ સંગ્રહ અને લોન્ચિંગ સુવિધાઓ છે, જ્યાં ફતહ શોર્ટ રેન્જ અને કિયામ બેલિસ્ટિક મિસાઈલોનો સંગ્રહ કરાયો છે. ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના અંતરને જોતાં આઈડીએફ ઈરાનના આ સ્થળો પર મિસાઈલ અથવા એર સ્ટ્રાઈકનો વિકલ્પ અપનાવી શકે છે. આ સિવાય ઈરાનમાં ૧૭ એરબેઝ છે, જેમાંથી ૧૦ નાના ફાઈટર બેઝ છે. ઈઝરાયેલનું સૈન્યે આ એરબેઝને પર પણ હવાઈ હુમલા કરી શકે છે.
બીજીબાજુ ઈઝરાયેલનું સૈન્ય ઈરાન પર મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે ત્યારે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સીરિયાનો પ્રવાસમાં કહ્યું કે, ઈઝરાયેલ ફરીથી તેમના પર હુમલો કરશે તો તેનો આકરો જવાબ આપવામાં આવશે. આ વખતે એવો પલટવાર થશે કે ઈઝરાયેલને અત્યંત પસ્તાવો થશે. ભૂતકાળમાં પણ અમે આવું કરી ચૂક્યા છીએ એ વાત ઈઝરાયેલે ભૂલવી જોઈએ નહીં.
- ઈઝરાયેલનો લેબનોનના બૈરુતમાં ફ્રાન્સની કંપની પર બોમ્બમારો
- મૈક્રોંએ શસ્ત્રો પર પ્રતિબંધની વાત કરતાં નેતન્યાહુ ભડક્યા
- ઈઝરાયેલ દુનિયાની સભ્યતા બચાવવા એકલા હાથે સાત મોરચા પર લડી રહ્યું છે : નેતન્યાહુ
તેલ અવિવ: ઈઝરાયેલ-હમાસનું યુદ્ધ એક વર્ષે વધુ વિસ્તરીને હવે લેબનોન તરફ ફંટાયુ છે ત્યારે ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મૈક્રોંએ લેબનોને ગાઝા બનતું અટકાવવા માટે ઈઝરાયેલ પર ગાઝામાં વપરાતા શસ્ત્રો પર પ્રતિબંધ મૂકવાની વાત કરી હતી. આ નિવેદન પછી ઈઝરાયેલે ફ્રાન્સને મોટો ફટકો પહોંચાડતા લેબનોનના બૈરુતમાં ફ્રાન્સની બહુરાષ્ટ્રીય કંપની ટોટલ એનર્જી પર ભારે હવાઈ હુમલો કર્યો હતો.
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ દુનિયાના બધા જ સારા દેશોને ઈરાનની સામે તેમને સાથ આપવાની હાકલ કરી હતી. બીજીબાજુ ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મૈક્રોંએ ગાઝામાં ઈઝરાયેલ દ્વારા વપરાતા હથિયારો પર પ્રતિબંધની અપીલ કરી હતી. મૈક્રોએ કહ્યું કે, અમારી પ્રાથમિક્તા તણાવ વધતો રોકવાનો છે. આ યુદ્ધનું રાજકીય સમાધાન શોધવું જોઈએ અને ગાઝામાં લડવા માટે વપરાતા હથિયારો રોકી દેવા જોઈએ. લેબનોનને બીજું ગાઝા બનવા દઈ શકાય નહીં.
મૈક્રોના આ નિવેદન પછી ઈઝરાયેલના સૈન્યે લેબનોનમાં બૈરુતની દક્ષિણે ફ્રાન્સની બહુરાષ્ટ્રીય કંપની ટોટલ એનર્જી પર ભારે હવાઈ હુમલો કરતા તેના ઓઈલ ડેપોમાં ભયાનક આગ લાગી ગઈ હતી. જોકે, આ હુમલામાં કોઈ ઘાયલ થયું અથવા માર્યું ગયું નથી. વધુમાં મૈક્રોંના નિવેદનનો આકરો વિરોધ કરતાં નેતન્યાહુએ કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિમાં હથિયારો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવા માટે મૈક્રોંને પોતાના પર શરમ આવવી જોઈએ. ઈઝરાયેલ સભ્યતાના દુશ્મનો વિરુદ્ધ સાત મોરચા પર એકલું લડી રહ્યું છે અને પોતાનો બચાવ કરે છે. ઈઝરાયેલ પશ્ચિમી દેશોના સમર્થન સાથે અથવા વિના આ યુદ્ધ જીતશે. ઈઝરાયેલ આ લડાઈ જીતી ના લે ત્યાં સુધી રોકાશે નહીં.
નેતન્યાહુના આકરા વલણ પછી ફ્રાન્સ ઢીલું પડયું હતું અને તેના રાષ્ટ્રપતિ કાર્યાલયે જણાવ્યું હતું કે, તે ઈઝરાયેલની સાથે મજબૂતીથી ઊભું છે. ઈરાન ઈઝરાયેલ પર હુમલો કરશે તો ફ્રાન્સ ઈઝધરાયેલની સાથે જ હશે. જોકે, ફ્રાન્સના ખુલાસાની ઈઝરાયેલ પર કોઈ અસર થઈ નહોતી અને તેણે બૈરુતમાં ફ્રાન્સની કંપની પર હુમલો કરી દીધો હતો.