પીએમ મોદીએ ઊભો કરેલો ભય ભારતમાં ઈતિહાસ બની ગયો : રાહુલ
મોદી પ્રત્યે કોઈ નફરત નથી, ઉલટાનું સહાનુભૂતિ છે : કોંગ્રેસ નેતા
ભારતમાં શિખોને પાઘડી, કડું પહેરવાની કે ગુરુદ્વારામાં જવાની સ્વતંત્રતા નથી ઃ રાહુલ ગાંધીના દાવાથી હોબાળો
વોશિંગ્ટન: આ લોકસભા ચૂંટણીના પરિણામોએ 'મોદીના વિચાર'ને ખતમ કરી નાંખ્યો છે અને ભારતમાં તેમણે ઊભો કરેલો 'ભય' હવે ઈતિહાસ બની ગયો છે તેમ અમેરિકાના ચાર દિવસના પ્રવાસે ગયેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો. લોકસભામાં વિપક્ષના નેતાએ વોશિંગ્ટન ડીસી સ્થિત પ્રતિષ્ઠિત જ્યોર્જટાઉન યુનિવર્સિટી અને વર્જિનિયાના હેરેન્ડનમાં સંબોધન કર્યું હતું. અહીં કોંગ્રેસ નેતાએ આરએસએસ અને ભાજપને નિશાન બનાવવાની સાથે ભારતમાંથી અનામત ક્યારે દૂર કરાશે, લોકસભા ચૂંટણીમાં પક્ષપાત, શિખ ધર્મ સહિત અન્ય ધર્મોની આઝાદી જેવા મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા.
અમેરિકાની જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતમાં એક શિખ પાઘડી પહેરી શકે છે કે નહીં, તેને કડું પહેરવાનો અધિકાર છે કે નહીં, અથવા શિખ તરીકે તે ગુરુદ્વારા જઈ શકે છે કે નહીં તેની લડાઈ ચાલી રહી છે. એટલું જ નહીં અન્ય ધર્મોના લોકો પણ સ્વતંત્રતાથી તેમના ધર્મને અનુસરી શકે છે કે નહીં તે મોટો સવાલ છે.
તેમણે કહ્યું કે, ચૂંટણી પહેલા દેશની સંસ્થાઓ પર કબજો કરી લેવાયો હોવા પર ભાર મૂક્યો હતો. આરએસએસે શિક્ષણ વ્યવસ્થા, મીડિયા અને તપાસ સંસ્થાઓ પર કબજો કરી લીધો તેમ અમે કહેતા રહ્યા. પરંતુ લોકોને ખ્યાલ આવતો નહોતો. પછી તેમના દ્વારા બંધારણ બદલવાના પ્રયત્નો થઈ રહ્યા હોવા પર અમે ભાર મૂક્યો. ત્યારે લોકોને સમજમાં આવ્યું કે, બંધારણ ખતમ થઈ જશે તો બધું ખતમ થઈ જશે.
લોકસભા ચૂંટણી પરિણામોનો ઉલ્લેખ કરતાં રાહુલે કહ્યું કે, આ ચૂંટણીના પરિણામો પછી દેશભરમાંથી મોદીજી દ્વારા ઊભો કરાયેલો ભય થોડાક સમયમાં જ ખતમ થઈ ગયો છે. લોકોમાં ભય ફેલાવવામાં વર્ષો લાગે છે. પરંતુ તેનો નાશ કરવામાં કેટલીક ક્ષણો જ પુરતી છે. હું તમને કહી શકું છું કે મોદીનો વિચાર, ૫૬ ઈંચની છાતી, ભગવાન સાથે સીધો સંપર્ક જેવી બધી જ વાતો હવે ઈતિહાસ બની ગઈ છે. ભારતમાં શાસક ગઠબંધન ગમે ત્યારે ભાંગી પડી શકે છે.
વડાપ્રધાન પ્રત્યે તેમને નફરત છે કે કેમ તેવા સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમને પીએમ નરેન્દ્ર મોદી પ્રત્યે કોઈ નફરત નથી. ઉલટાનું ઘણી વખત તેમના પ્રત્યે સહાનુભૂતિ થાય છે. ઘણી વખત હું સવારે ઊઠું છું અને વિચારું છું કે તેમનો કોઈ વાત પર એક મત છે. મારા વિચાર કંઈક અલગ છે. હું તેમની વાતથી સંમત નથી, પરંતુ મને તેમના પ્રત્યે કોઈ નફરત નથી. રાહુલ ગાંધી વિરુદ્ધ નરેન્દ્ર મોદી જેવી કોઈ સ્પર્ધાનું મને કોઈ કારણ દેખાતું નથી.
તેમણે ઉમેર્યું કે, ભારતમાં લોકસભા ચૂંટણી નિષ્પક્ષ થઈ નહોતી. આ ચૂંટણી નિષ્પક્ષ થઈ હોત તો ભાજપને ૨૪૬ બેઠકો પણ મળી ના હોત. ભારતમાં જે ચૂંટણી થઈ તેને હું નિષ્પક્ષ નથી માનતો.
- ભારતમાં નિષ્પક્ષતા આવશે ત્યારે અનામત ખતમ કરવા વિચારીશું : રાહુલ
વોશિંગ્ટન: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ભારતમાં અનામત ક્યાં સુધી ચાલુ રહેશે તેવો સવાલ કરવામાં આવતા તેમણે કહ્યું કે, દેશમાં નિષ્પક્ષતા આવશે ત્યારે કોંગ્રેસ અનામત ખતમ કરવા અગે વિચાર કરશે. હાલ દેશમાં એવી પરિસ્થિતિ નથી. તમે નાણાકીય આંકડા જૂઓ તો ખ્યાલ આવશે કે આદિવાસીઓને રૂ. ૧૦૦માંથી ૧૦ પૈસા મળે છે, દલિતોને પાંચ રૂપિયા મળે છે અને ઓબીસીને પણ લગભગ એટલી જ રકમ મળે છે. પરંતુ હકીકત એ છે કે તેમને ભાગીદારી નથી મળી રહી. સમસ્યા એ છે કે દેશના ૯૦ ટકા લોકોને સમાન તકો નથી મળી રહી. દેશના દરેક ઉદ્યોગપતિની યાદી જૂઓ મને આદિવાસી, દલિતનું નામ બતાવો. દેશના ટોચના ૨૦૦ ઉદ્યોગપતિઓમાંથી એક ઓબીસી છે, જે ભારતના ૫૦ ટકા છે.
જોકે, રાહુલ ગાંધીના નિવેદનને તોડી મરોડીને ભાજપે કોંગ્રેસ નેતા પર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસી માટે અનામત વિરોધી ગણાવ્યા હતા. ભાજપે દાવો કર્યો કે અમેરિકાની જ્યોર્જટાઉન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સમક્ષ ભાષણ સમયે રાહુલ ગાંધીનો અનામત વિરોધી પૂર્વગ્રહ બહાર આવી ગયો હતો અને તેમણે ભારતમાંથી અનામત ખતમ કરી દેવા અંગે નિવેદન કર્યું છે. ભાજપ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે, ભારતમાં અનામતનું સમર્થન કરનારા રાહુલ ગાંધી અમેરિકામાં જઈને અનામત નાબૂદ કરવાની વાતો કરે છે.
- રાહુલ હતાશાના કારણે વિદેશમાં દેશને બદનામ કરે છે : શિવરાજ
રાંચી: અમેરિકામાં રાહુલ ગાંધીના ભાજપ સરકાર અને ચૂંટણી પંચ તેમજ દેશને બદનામ કરતા નિવેદનો મુદ્દે કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તેમની ઝાટકણી કાઢી હતી. શિવરાજ ચૌહાણે કહ્યું કે, ચૂંટણીમાં વારંવારના પરાજયના કારણે રાહુલ ગાંધી હતાશ થઈ ગયા હોવાથી તેઓ વિદેશમાં ભારતને બદનામ કરી રહ્યા છે. હવે તેઓ માત્ર સરકાર પર જ સવાલ નથી ઊઠાવી રહ્યા પરંતુ ચૂંટણી પંચને પણ બદનામ કરી રહ્યા છે. તેમણે અટલબિહારી વાજપેયીને યાદ કરતા કહ્યું કે, નરસિંહ રાવ વડાપ્રધાન હતા ત્યારે વાજપેયી વિપક્ષના નેતા હતા. અટલજી વિદેશમાં દેશનું પ્રતિનિધિત્વ કરતા હતા ત્યારે તેમણે ક્યારેય દેશને બદનામ નહોતો કર્યો.