Get The App

US: ગેરકાયદે વસાહતીઓને ધરપકડથી બચાવવાના આરોપમાં FBI એ મહિલા જજની જ ધરપકડ કરી

Updated: Apr 27th, 2025

GS TEAM


Google News
Google News
US: ગેરકાયદે વસાહતીઓને ધરપકડથી બચાવવાના આરોપમાં FBI એ મહિલા જજની જ ધરપકડ કરી 1 - image


USA News :  અમેરિકામાં  ટ્રમ્પ વહીવટીતંત્ર અને ન્યાયતંત્ર વચ્ચે ઇમિગ્રેશનને લઈને ચાલતો ગજગ્રાહ  ફરીથી પ્રકાશમાં આવ્યો છે. અમેરિકામાં ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઇ)એ ગેરકાયદે વસાહતીને ઇમિગ્રેશન સત્તાવાળાઓની ધરપકડ ટાળવામાં મદદ કરવા બદલ મિલ્વોકીના જજની ધરપકડ કરતા ચકચાર મચી ગઈ છે. જજની ધરપકડ ભાગ્યે જ થતી હોવાથી આ ઘટના મોટાપાયા પર ચર્ચાનો વિષય બની છે ડેમોક્રેટ્સે તેની આકરી ટીકા કરતાં તેને લોકશાહી મૂલ્યો પર પ્રહાર ગણાવ્યો છે. 

આ આખું પ્રકરણ વિસ્કોન્સિન રાજ્યમાં મિલ્વોકીનું છે. એફબીઆઈએ મિલ્વોકી કાઉન્ટીના સર્કિટ જજ હન્ના ડુગનની ધરપકડ કરી છે. તેમના પર ઇમિગ્રેશનની કાર્યવાહી અવરોધવાનો અને ગેરકાયદે વસાહતીને ધરપકડથી બચવામાં મદદ કરવાનો આરોપ છે. 

એફબીઆઈના ડાયરેક્ટર કાશ પટેલે આ કાર્યવાહીની જાહેરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કરી હતી. આ ઘટનાએ ટ્રમ્પ વહીવટીતંત્ર અને ન્યાયતંત્ર વચ્ચેના તણાવને વધાર્યો છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ વહીવટીતંત્રની ઇમિગ્રેશન અંગેની કાર્યવાહીમાં ન્યાયતંત્ર ઇમિગ્રન્ટ્સના બચાવ માટે ઉતરી આવ્યું છે અને એક પછી એક ચુકાદા ટ્રમ્પ તંત્રની સામે આપી રહ્યુ છે. આના કારણે પણ ટ્રમ્પ તંત્રએ હવે યેનકેન પ્રકારે તેને બાયપાસ કરવાનું મન બનાવી લીધું હોવાનું માનવામાં આવે છે. કોર્ટના જજની ધરપકડ કરીને તેણે ન્યાયતંત્રને આ જ સંદેશો આપ્યો છે કે આઈ એમ ધ બાસ. 

એફબીઆઈના આરોપ મુજબ 18 એપ્રિલના રોજ જજ ડુગને પોતાના કોર્ટરૂમમાં એક મેક્સિકન નાગરિક એડુઆર્ડો ફ્લોરેન્સ રુઇઝને આઇસીઇના એજન્ટોના હાથે પકડાતા બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. ફ્લોરેન્સ રુઇઝ તે સમયે ડુગનની કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સના કેસમાં હાજર હતા. કોર્ટના દસ્તાવેજો મુજબ ડુગને આઇસીઇ એજન્ટોને કોર્ટરૂમની બહાર રાહ જોવાનું જણાવ્યું અને મુખ્ય જજ સાથે વાત કરવાનો સંકેત આપ્યો. તેના પછી તેમણે ફ્લોરેન્સ રુઇજ અને તેના વકીલને કોર્ટરૂમના જ્યુરી ડોરના માધ્યમથી બહાર કાઢ્યા. તેનાથી એજન્ટોને ધરપકડમાં વિલંબ થયો.

એફબીઆઈએ તેના સોગંદનામામાં જણાવ્યું છે કે ડુગનને ખબર પડી કે આઇસીઇના એજન્ટ કોટરૂમની બહાર ફ્લોરેન્સ રુઇજની ધરપકડ કરવા ગયા છે તો તે અત્યત નારાજ થઈ ગઈ અને તેમની હાજરીને અયોગ્ય તથા અવાંછિત ગણાવી. ડુગને ફ્લોરેન્સને સામાન્ય દરવાજાથી બહાર ન જવા દેતા તેને જ્યુરી ડોરમાંથી બહાર લઈ ગઈ. જો કે આઇસીઇ એજન્ટોએ તો કોર્ટહાઉસની બહાર તેની ધરપકડ કરી લીધી. દસ્તાવેજો મુજબ ફ્લોરેન્સ રુઇજની આ પહેલા ૨૦૧૩માં પણ હકાલપટ્ટી કરવામાં આવી ચૂકી હતી. 

જજ ડુગન પર બે આરોપ લાગ્યા છે. એક કોઈ વ્યક્તિને પકડવાથી બચાવવાનો અને છૂપાવવાનો આરોપ અને બીજો ફેડરલ ડિપાર્ટમેન્ટની કાર્યવાહીમાં અવરોધ ઊભો કરવાનો આરોપ લાગ્યો છે. જો તે દોષી ઠરે છે તો તેમને છ વર્ષની સજા થઈ શકે છે અને તેમણે દંડની જંગી રકમ ભરવી પડે છે.

ડુગનની શુક્રવારે મિલ્વોકી કાઉન્ટી કોર્ટહાઉસમાં સાડા આઠ વાગે ધરપકડ કરવામાં આવી. તે જ દિવસે બપોરે ફેડરલ કોર્ટમાં તેમને રજૂ કરાયા. તેમના વકીલે જણાવ્યું હતું કે ડુગન તેની ધરપકડનો વિરોધ કરે છે અને તેનું માનવું છે કે આ ધરપકડ જાહેર સુરક્ષાના હિતમાં નથી. ડુગનને હાલમાં જામીન પર છોડવામાં આવી છે અને તેની આગામી સુનાવણી ૧૫મી મેએ થશે. 

Tags :