પોલેન્ડમાં પણ ખેડૂતો વિફર્યા, યુરોપિયન યુનિયનની ઓફિસ પર ઈંડા ફેંક્યા, રાજધાનીમાં દેખાવો કરવાનુ એલાન
Image Source: Twitter
વોરશો, તા. 16. ફેબ્રુઆરી 2024 શુક્રવાર
ભારતની જેમ યુરોપના જે દેશોમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે તેમાં પોલેન્ડનો પણ સમાવેશ થાય છે.
પોલેન્ડમાં આવેલા વ્રોકલા નામના શહેરને ગુરુવારે ખેડૂતોએ માથે લીધુ હતુ.આ દરમિયાન ખેડૂતોએ યુરોપિયન યુનિયનની ઓફિસ પર ઈંડા પણ ફેંક્યા હતા અને આગચંપી પણ કરી હતી.
યુરોપિયન યુનિયન દ્વારા ક્લાઈમેટ ચેન્જને ધ્યાનમા રાખીને અલગ અલગ પ્રકારના પ્રતિબંધો મુકવામાં આવ્યા છે અને તેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે.ખેડૂતોનુ કહેવુ છે કે, આ પ્રકારના પ્રતિબંધોના કારણે ખેડૂતોનો ખર્ચ વધી ગયો છે અને આવક ઘટી ગઈ છે.બીજી તરફ યુક્રેન અને રશિયા વચ્ચેનો જંગ પણ ખેડૂતો પર ગંભીર અસર પાડી રહ્યો છે.
પોલેન્ડમાં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન એક હજાર જેટલા ખેડૂતો 500 જેટલા ટ્રેકટર સાથે રસ્તા પર ઉતર્યા તા અને તેમણે રસ્તા પર ટાયરો ફેંકીને તેમાં આગ લગાવી હતી.જેના કારણે ઠેર ઠેર ધૂમાડાના દ્રશ્યો જોવા મળ્યા હતા.
પોલેન્ડના ખેડૂતોને યુક્રેનમાંથી સસ્તા ભાવે થતી કૃષિ પેદાશોની આયાત સામે પણ વાંધો છે.ખેડૂતોનુ કહેવુ છે કે, સરકાર સ્થાનિક ખેડૂતો પાસેથી ખરીદી કરવાની જગ્યાએ યુક્રેનના ખેડૂતો પાસેથી સસ્તામાં ખરીદી કરી રહી છે.
જેના વિરોધમાં ખેડૂતો એક મહિનાથી આંદોલન કરી રહ્યા છે અને યુક્રેનની બોર્ડર તરફ જતા કેટલાક રસ્તા પણ બ્લોક કરી રહ્યા છે.ખેડૂતોએ 20 ફેબ્રુઆરીએ રાજધાની વોરશોમાં પણ એક મોટા વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે.તેમણે યુક્રેન સાથે જોડાયેલા રસ્તાની સાથે રેલવે સ્ટેશનો અને દરિયાઈ બંદરો પર પણ ચક્કાજામ કરવાની ધમકી આપી છે.
બીજી તરફ 22 જાન્યુઆરીએ ચેક રિપબ્લિકના ખેડૂતો પણ પોલેન્ડના ખેડૂતોની જેમ જ દેખાવો કરશે અને યુક્રેન સાથેની પોતાના દેશની બોર્ડરો સીલ કરવાનો પ્રયાસ કરશે.