કોણ છે ફૈઝલ ખાન?, જેના પર લાલચ આપીને ભારતીય યુવકોને રશિયન સેનામાં ભરતીનો છે આરોપ...

યુદ્ધમાં મૃત્યુ પામેલા ભારતીય અફસાનને ફૈઝલ ખાને રશિયા મોકલ્યો હતો

Updated: Mar 9th, 2024


Google NewsGoogle News
કોણ છે ફૈઝલ ખાન?, જેના પર લાલચ આપીને ભારતીય યુવકોને રશિયન સેનામાં ભરતીનો છે આરોપ... 1 - image


Russia-Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન ઘણાં ભારતીય યુવાનો રશિયાની સેનામાં જોડાયા છે અને યુદ્ધ ક્ષેત્રમાં લડી રહ્યા છે. આ બધાની વચ્ચે ફૈઝલ ખાન ઉર્ફે બાબા વ્લોગનું નામ ખૂબ ચર્ચામાં છે. આ ફૈઝલ ​​ખાન પર ભારતીય યુવાનોને લાલચ આપીને રશિયાની સેનામાં ભરતી કરાવવાનો આરોપ છે. અહેવાલો અનુસાર, ફૈઝલ ખાને યુ ટ્યુબ પર લોભામણી વાતો કરીને 30 વર્ષીય તેલંગાણા નિવાસી મોહમ્મદ અફસાન સહિત મોટી સંખ્યામાં ભારતીયોને યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધમાં રશિયાની સેના માટે કામ કરવા માટે લાલચ આપી છેતરપિંડી કરી છે.

યુ-ટ્યુબ પર રશિયાની સેનામાં જોડાવાના ફાયદા ગણાવતો

ફૈઝલ ખાને સપ્ટેમ્બર 2023માં યુ ટ્યુબ પર એક વીડિયો અપલોડ કર્યો હતો.જેમાં તે કહે છે કે, 'રશિયાની સેનામાં જોડાવાનો મુખ્ય ફાયદો એ છે કે તમને એક વિશેષ સરકારી કાર્ડ મળશે જે સુનિશ્ચિત કરશે કે તમને દરેક જગ્યાએ પ્રાથમિકતા મળે. આ કાર્ડના આધારે તમે શેંગેન વિઝા અને અહીં કાયમી નિવાસ માટે પણ અરજી કરી શકો છો. અહીંની સરકાર માને છે કે આ સમયે મદદ કરનાર તમામને લાભ મળવો જોઈએ.'

ઘણાં ભારતીય યુવાનોને રશિયાની સેનામાં ભરતી કરાવ્યા

ફૈઝલ ​​ખાને ઘણાં ભારતીય યુવાનોને રશિયાની સેનામાં ભરતી કરાવ્યા હતાં. જ્યારે યુદ્ધમાં મૃત્યુ પામેલા ભારતીય અફસાનને ફૈઝલ ખાને રશિયા મોકલ્યો હતો. અફસાને બાબા વ્લોગ્સ પર પોસ્ટ કરેલો વીડિયો જોયા બાદ ફૈઝલ ખાનનો સંપર્ક કર્યો હતો.

એક સમયે એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડની રડાર પર પણ આવ્યો 

ફૈઝલ ​​ખાન બાબા વ્લોગ્સ નામથી મેનપાવર કન્સલ્ટન્સી ફર્મ પણ ચલાવે છે, જે દુબઈ, સર્બિયા, ક્રોએશિયા, જર્મની અને સિંગાપોર જેવા અન્ય દેશોમાં લોકોને મોકલવાની સેવાઓ પૂરી પાડે છે. ફૈઝલ ​​ખાન 30 વર્ષનો છે અને તેના પર અગાઉ પણ લોકોને છેતરવાનો આરોપ છે. અગાઉ પણ તે ધર્માંતરણ કેસમાં મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS)ના રડાર પર હતો.

35 લોકોને રશિયા મોકલ્યા હોવાની પણ કબૂલાત કરી  

શુક્રવારે દુબઈથી એક મીડિયા ઇન્ટરવ્યૂમાં ફૈઝલ ખાને જણાવ્યું હતું કે, 'મેં જે લોકોને રશિયા મોકલ્યા હતા તેમની સાથે શું થયું તે મારા નિયંત્રણની બહાર હતું. મેં કુલ 35 લોકોને રશિયા મોકલ્યા છે. મને રશિયાના અન્ય એજન્ટો અને ઓપરેટરો દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ લોકોને રશિયાની સેનામાં તહેનાત કરવામાં આવશે નહીં. આ લોકો રશિયા પહોંચ્યા પછી જે બન્યું તે મારા નિયંત્રણની બહાર હતું. જ્યારે મને ખબર પડી કે કેટલાક લોકોને યુદ્ધમાં મોકલવામાં આવ્યા છે, ત્યારે મેં તેમને પાછા લાવવાનો પૂરો પ્રયાસ કર્યો.'

આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે ધો. 6 સુધી અભ્યાસ કર્યો

ફૈઝલ ખાને દાવો કર્યો હતો કે, જે લોકોને મોકલ્યા હતા તે નોકરી સાથે સંકળાયેલા જોખમને જાણતા હતા. મુંબઈના રહેવાસી ફૈઝલ ખાને નબળી આર્થિક સ્થિતિને કારણે ધોરણ 6 સુધી અભ્યાસ કર્યો છે. ફૈઝલ ​​ખાન 2008માં દુબઈ ગયો અને વિવિધ આઉટલેટ્સમાં સેલ્સમેન તરીકે કામ કર્યું.

ફૈઝલ ​​ખાને 2016માં બાબા બાબા વ્લોગનું નામની મેનપાવર કન્સલ્ટન્સી ફર્મ શરૂ કરી હતી. આ પછી ફૈઝલ ખાને આ જ નામથી યુ ટ્યુબ ચેનલ શરૂ કરી. ફૈઝલ ​​2018માં એક વિવાદમાં સપડાયો જ્યારે મુંબઈના એક 23 વર્ષીય યુવકને દુબઈ મોકલ્યો અને તેણે ઈસ્લામ અંગીકાર કર્યો. આ મામલે એટીએસે ફૈઝલ ખાનની પૂછપરછ કરી હતી. જો કે, કોઈ કેસ નોંધાયો ન હતો. ફૈઝલના હાલમાં યુ ટ્યુબ પર ત્રણ લાખ ફોલોઅર્સ છે.

યુવાનોને રશિયામાં રૂ. એક લાખના પગારની લાલચ આપી

જુલાઈ 2023થી ફૈઝલ ખાન રશિયામાં નોકરી માટે પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. તેણે યુવાનોને રશિયામાં ડિલિવરી મેન અને ટેક્સી ડ્રાઈવર તરીકે કામ કરી શકે છે અને ધીમે ધીમે રશિયન આર્મી માટે કામ કરવાના ફાયદા સમજાવવાનું શરૂ કર્યું હતું. 40,000 રૂપિયાનો પ્રારંભિક પગાર આપવાનું વચન આપ્યું. ત્રણ મહિનાની તાલીમ પછી પગાર વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવશે.

સપ્ટેમ્બર 2023માં પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં ફૈઝલ ખાને જણાવ્યું હતું કે, તમારે મિસાઈલો ચલાવવાની જરૂર નથી. અહીં કોઈ યુદ્ધ ચાલી રહ્યું નથી. યુદ્ધ સરહદ પર છે, જ્યાં રશિયાની સેના છે. તેમને એવા વ્યક્તિની જરૂર છે જે દેશની અંદર સંભાળ રાખી શકે અને તેના માટે માનવબળની જરૂર છે. તમારું કામ તોડી પાડવામાં આવેલી ઈમારતોને સાફ કરવાનું રહેશે. તમારે તેમના હથિયારો અને દારૂગોળાની પણ કાળજી લેવી પડશે.'


Google NewsGoogle News