ટ્રમ્પ અને મસ્ક પણ ફેંકુઃ ભારતને 2.1 કરોડ ડૉલરનું ફન્ડિંગ કર્યાના જૂઠ્ઠાણા પાછળની હકીકત
Fact Check: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર બેજવાબદાર નિવેદનો આપવા માટે જાણીતા છે. તાજેતરમાં તેમણે ભારતની ચૂંટણીને સંબંધિત એક એવું નિવેદન આપ્યું હતું, કે જેને લીધે ભારતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચકમક ઝરી હતી. 19 ફેબ્રુઆરી, બુધવારના રોજ ટ્રમ્પે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ‘ભારતમાં મતદાનની ટકાવારી વધારવા માટે અમેરિકા દ્વારા 2.1 કરોડ ડૉલરનું ભંડોળ અપાયું હતું. કદાચ તે (બાઇડેન સરકાર) ભારતમાં કોઈ બીજી પાર્ટીની સરકાર બનાવવા ઇચ્છતા હતા.’
મસ્કે પણ સમર્થન આપ્યું
ઈલોન મસ્કના નેતૃત્વવાળી DOGE(Department of Government Efficiency)એ પણ ટ્રમ્પના દાવાને સમર્થન આપતાં કહ્યું હતું કે, ‘અમેરિકાની એજન્સી USAID દ્વારા દુનિયાભરના દેશોને ફંડિંગ આપવામાં આવે છે. તેના દ્વારા ભારતમાં મતદાન ટકાવારી વધારવા માટે 2.1 કરોડ ડૉલરનું યોગદાન આપવામાં આવ્યું હતું.’
અહીં ભાજપ-કોંગ્રેસ વચ્ચે બબાલ
ટ્રમ્પના નિવેદનને હથિયાર બનાવીને ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તામાં આવતા રોકવા માટે વિદેશી ભંડોળનો ઉપયોગ કરવાનો આરોપ લગાવીને ભાજપે કોંગ્રેસ સામે સવાલ કર્યો છે કે, ‘શું તમે ખરેખર મતદારોને પ્રભાવિત કરીને કોઈ બીજાને ચૂંટવાનો પ્રયાસ કર્યો હતો?’
કોંગ્રેસે પુરાવા માંગીને ટ્રમ્પને આડે હાથ લીધા
ભાજપના આરોપના જવાબમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સંચાર પ્રભારી જયરામ રમેશે ‘USAID દ્વારા મળેલા ભંડોળ’ બાબતે સાબિતી આપવાની માંગણી કરી છે. તેમણે USAID દ્વારા ભારતને આજ સુધીમાં અપાયેલ તમામ આર્થિક મદદનું લિસ્ટ કાઢીને જોઈ લેવા કહ્યું છે. આ સાથે કોંગ્રેસે ટ્રમ્પના દાવાને ‘અર્થહીન’ ગણાવી દીધા છે.
ટ્રમ્પના દાવાની પોલ ખુલી
તાજેતરમાં ટ્રમ્પ સરકારે અમેરિકા દ્વારા અન્ય દેશોને અપાતી આર્થિક સહાય પર રોક લગાવી દેવાનું કહ્યું છે. આ દેશોમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન, નેપાળ અને ભારતનો સમાવેશ થાય છે. ટ્રમ્પના ‘ભારતને 2.1 કરોડ ડૉલર અપાયા’વાળા દાવાની હકીકત તપાસવાનો પ્રયાસ જાણીતા અખબાર ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ દ્વારા કરાયો હતો, જેમાં સામે આવ્યું છે કે, એ 2.1 કરોડ ડૉલર ભારતને નહીં, બાંગ્લાદેશને અપાયા હતા.
અમેરિકાએ કરેલા દાનના આંકડા
અમેરિકા દ્વારા કરાયેલી આર્થિક મદદના આંકડાં કહે છે કે, વર્ષ 2008 પછી USAID દ્વારા ભારતને કોઈપણ ભંડોળ પૂરું પાડવામાં આવ્યું નથી. બાંગ્લાદેશ માટે 2.1 કરોડ ડૉલરની મદદ જુલાઈ, 2022માં મંજૂર કરાઈ હતી. બાંગ્લાદેશમાં ‘આમાર વોટ આમાર’ (માય વોટ ઇઝ માઇન – મારો મત મારો છે, હું એ મારી મરજીથી આપીશ) નામનું જાગૃતિ અભિયાન શરુ કરાયું હતું. આ માટે ઉપરોક્ત રકમની મદદ કરાઈ હતી.
એ અભિયાન અંતર્ગત ‘નાગોરિક પ્રોગ્રામ’ નામના લોકશાહી જાગૃતિ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં USAIDના જે ‘રાજકીય પ્રક્રિયા સલાહકાર’ છે તેમણે ડિસેમ્બર, 2024માં પોતાની અમેરિકાની મુલાકાત વખતે સોશિયલ મીડિયા પર આ ભંડોળ મળ્યાની પુષ્ટિ કરતી પોસ્ટ મૂકી હતી. આ ભંડોળ ત્રણ વર્ષ માટે એટલે કે જુલાઈ, 2025 સુધી ચલાવવાનું છે. આધારભૂત ડેટા દર્શાવે છે કે, 2.1 કરોડ ડૉલરમાંથી અત્યાર સુધીમાં 1.34 કરોડ ડૉલર ખર્ચાઈ ચૂક્યા છે.
બાંગ્લાદેશના પ્રોફેસરે આપી સાબિતી
ઢાકા યુનિવર્સિટીના પ્રોફેસર અને સલાહકાર અયનુલ ઈસ્લામે ફેસબુક અને લિંક્ડઇન પર પોસ્ટ મૂકી હતી કે, ‘સપ્ટેમ્બર, 2022થી શરુ કરીને બે વર્ષમાં બાંગ્લાદેશની અનેક યુનિવર્સિટીઓના કેમ્પસમાં કુલ મળીને 544 ‘નાગોરિક પ્રોગ્રામ’ આયોજિત કરાયા હતા, જેમાં 10,264 યુવાનોએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓમાં લોકશાહી જાગૃતિ લાવવા માટે યોજાયેલા આ કાર્યક્રમો USAID દ્વારા અપાયેલા ભંડોળને લીધે શક્ય બન્યા હતા.’
‘ઇન્ડિયન એક્સપ્રેસ’ દ્વારા સંપર્ક કરવામાં આવતાં અયનુલ ઈસ્લામે ફોન પર આ વાતની પુષ્ટિ કરી હતી. તાજેતરમાં DOGE દ્વારા આર્થિક સહાય પર બ્રેક મરાઈ એ બાબતે ઈસ્લામે કહ્યું હતું કે, ‘આ પગલું આંચકાજનક છે, પરંતુ અમને આશા છે કે અમેરિકા દ્વારા અપાતી આર્થિક મદદ ચાલુ રહેશે.’
આ પણ વાંચો: ભારત સહિત 5 દેશોનું BRICS સમૂહ તૂટ્યું...? અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો
USAIDને તાળું જ મારી દીધું
‘યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડૅવલપમેન્ટ’ (USAID) નામની અમેરિકન સંસ્થા વિશ્વભરના દેશોને વિકાસ અને અન્ય કારણસર આર્થિક મદદ કરતી આવી છે. તેની સ્થાપના 3 નવેમ્બર, 1961ના રોજ કરવામાં આવી હતી. અલબત્ત, USAIDની મદદના ઓઠા હેઠળ અમેરિકન સરકાર અન્ય દેશોમાં પોતાના લક્ષ્યો સિદ્ધ કરતી રહી છે. અમેરિકાનો વહીવટી ખર્ચ ઘટાડવા તત્પર ટ્રમ્પે સત્તામાં આવતાં જ USAIDને બિનજરૂરી ગણાવીને એ સંસ્થા પર તાળું મારી દીધું છે.
અમેરિકાની ખોરી દાનતથી વિશ્વ પરિચિત
અન્ય દેશોની રાજકીય ઉથલપાથલ પાછળ અમેરિકાનો હાથ હોય, એવી ઘટનાઓથી ઇતિહાસ ભર્યો પડ્યો છે. બાંગ્લાદેશમાં રાજકીય પરિવર્તન માટે પણ અમેરિકન સંસ્થા USAID દ્વારા અપાયેલ ભંડોળ વપરાયું હોવાનો આક્ષેપ લાગ્યા છે. આર્થિક મદદને બહાને અમેરિકા ભંડોળ આપીને પોતાને અનુકૂળ હોય એવી રાજકીય સ્થિતિ સર્જતું હોય છે. આ બધું લોકશાહીની સ્થાપનાની આડમાં થતું હોય છે. અમેરિકાએ બાંગ્લાદેશમાં એ જ કર્યું છે. શેખ હસીના સરકારને પાડીને બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતાનો માહોલ સર્જવા પાછળ અમેરિકાનો જ હાથ હોવાના આરોપ લાગી રહ્યા છે.