AIને તાલીમ આપવા આખા ઓસ્ટ્રેલિયાના ફોટોઝ ચોરી લીધા, ફેસબુકની ચોંકાવનારી કબૂલાત
Facebook Meta scraping users data : ફેસબુક (મેટા) પર અનેકવાર આરોપ લાગી ચૂક્યા છે કે, તેઓ યુઝર્સના ડેટાનો ગેરકાયદે ઉપયોગ કરી રહ્યા છે. હવે ફેસબુકે ઓસ્ટ્રેલિયન સરકાર સમક્ષ ચોંકાવનારી કબૂલાત કરી છે કે તેમણે ઓસ્ટ્રેલિયાના તમામ એડલ્ટ યુઝર્સના ફોટોઝ અને પોસ્ટની ચોરી કરી હતી. આ પાછળનો તેનો હેતુ મેટાના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટૂલને તાલીમ આપવાનો હતો. મેટા 2007થી આ પ્રકારનો ડેટા ભેગો કરતી હતી. ઓસ્ટ્રેલિયન સરકારે ફેસબુકના આ નિર્ણયને પ્રાઇવસીનો ભંગ ગણાવ્યો છે. આ કારણસર કંપની પર કડક કાર્યવાહીનો ખતરો તોળાઈ રહ્યો છે.
શું છે સમગ્ર મુદ્દો?
ફેસબુક (મેટા) એ 2007થી પોતાના AI મૉડલને તાલીમ માટે ઑપ્ટ આઉટનો વિકલ્પ આપ્યા વિના જ ઓસ્ટ્રેલિયાના એડલ્ટ યુઝર્સના જાહેર પ્લેટફૉર્મ પરથી ફોટા, પોસ્ટ અને અન્ય ડેટા ભેગા કરવાની વાતનો સ્વીકાર કર્યો છે. જોકે, યુરોપિયન લોકો કડક પ્રાઇવસીના કાયદાને કારણે ઑપ્ટ-આઉટ કરી શકે છે. ઓસ્ટ્રેલિયાના લોકોને આ વિકલ્પ આપવામાં આવ્યો ન હતો. મેટાની ગ્લોબલ પ્રાઇવસી ડિરેક્ટર, મેલિંડા ક્લેબૉગ (Melinda Claybaugh) એ સ્વીકાર્યું છે કે, મેટા જાહેર પ્લેટફૉર્મ પર મૂકવામાં આવેલી પોસ્ટ અને ડેટાને જ્યાં સુધી તે યુઝર અકાઉન્ટ પ્રાઇવેટ ન કરે ત્ચાં સુધી ભેગા કરે છે.
સગીરના ડેટા પણ ચોરાય છે?
ક્લેબૉગે જણાવ્યું કે, 18 વર્ષથી નાની ઉંમરના યુઝર્સનો ડેટા સ્ક્રેપ કરવામાં નથી આવતો. તેમ છતાં પુખ્ત વયની વ્યક્તિના એકાઉન્ટ પર જો કોઈ સગીરના ફોટો પોસ્ટ કરવામાં આવ્યા હોય તો તે પ્રભાવિત થઈ શકે છે. મેટા આ અભ્યાસને શ્રેષ્ઠ AI ટૂલ બનાવવા માટે જરૂરી જણાવે છે, પરંતુ તેનાથી મહત્ત્વપૂર્ણ પ્રાઇવસી સંબંધિત ચિંતા પણ પેદા થાય છે.
ક્યારથી શરૂ થયો આ મુદ્દો?
આ વિશે ત્યારે જાણ થઈ જ્યારે લેબર સેનેટર ટોની શેલ્ડને પૂછવામાં આવ્યું કે, શું મેટા 2007થી AIને તાલીમ આપવા માટે ઓસ્ટ્રેલિયન લોકોની પોસ્ટનો ઉપયોગ કરે છે? જો કે, ક્લેબૉગે શરુઆતમાં તે વાતને નકારી હતી, ગ્રીન્સ સેનેટર ડેવિડ શુબ્રિઝે તેને ચેલેન્જ કરતાં કહ્યું કે, મેટા હકીકતમાં યુઝર્સના જાહેર પ્લેટફૉર્મ પર રહેલાં ડેટા સ્ક્રેપ કરે છે, જ્યાં સુધી યુઝર્સ પોતાની પોસ્ટને પ્રાઇવેટ નથી કરતું. ક્લબૉગે આખરે સ્વીકાર્યું કે, આ સત્ય છે. તેણે કહ્યું કે, મેટા 18 વર્ષથી નાની ઉંમરની વ્યક્તિના ડેટાનો ઉપયોગ નથી કરતું, પરંતુ જો માતા-પિતા કે અન્ય એડલ્ટ યુઝર્સ સાથે તેમના ફોટા જાહેર પ્લેટફૉર્મ પર હોય તો કંપનીના AI ટૂલ દ્વારા તેનો ઉપયોગ થઈ શકે છે.
આ પણ વાંચોઃ માલદીવને 'ડીફોલ્ટ'માંથી બચાવવા ભારત આપાતકાલીન સહાય કરવા તૈયાર થયું