સાઉદી અરબમાં ગરમીનો કેર યથાવત્, હાજીઓનો મૃતકાંક 1300ને પાર, જાણો તેમાં ભારતીયો કેટલાં?
Saudi Arab hajj 2024 News | સાઉદી અરબના પવિત્ર મક્કા શરીફમાં હાલમાં હજયાત્રા 2024 ચાલી રહી છે. ત્યારે દુનિયાભરથી આવેલા હાજીઓ માટે ગરમી સૌથી મોટો પડકાર બની ગઈ છે. આ વર્ષે અત્યાર સુધી ભીષણ ગરમીને કારણે પવિત્ર હજયાત્રા દરમિયાન જ લગભગ 1300થી વધુ હાજીઓ જીવ ગુમાવી ચૂક્યાના અહેવાલ છે. જેમાં મોટી સંખ્યામાં ભારતીય હાજીઓનો પણ સમાવેશ થાય છે.
મૃતકાંક 1300ને પાર થયો
સાઉદી અરબના સ્વાસ્થ્ય મંત્રી ફહદ અલ જલાલેલે જણાવ્યું કે ચાલુ વર્ષે હજયાત્રા દરમિયાન અત્યાર સુધીમાં કુલ 1301 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. સરકાર ટેલીવિઝને મંત્રીના હવાલાથી કહ્યું કે હજયાત્રીઓના મૃત્યુ પર્યાપ્ત આશ્રય કે આરામ વિના સીધા તડકામાં લાંબું અંતર કાપવાને કારણે થયા હતા.
વધતો પારો આફત બન્યો
મૃતકોમાં અનેક વૃદ્ધ લોકો અને જૂની બીમારીઓથી પીડિત લોકો પણ સામેલ છે. લગભગ 83 ટકા મૃત્યુ એ લોકોના થયા છે જે હજયાત્રા કરવા માટે અધિકૃત નહોતા. મક્કામાં ચાલુ વર્ષે ગરમીનો પારો 52 ડિગ્રીને વટાવી ચૂક્યો છે જે હાજીઓ માટે કોઈ મોટી આફતથી ઓછું નથી.
કેટલાં ભારતીયોએ જીવ ગુમાવ્યાં
ભારતીય વિદેશ મંત્રાલયના સત્તાવાર આંકડા અનુસાર શુક્રવાર સુધીમાં ચાલુ વર્ષે યોજાયેલી હજયાત્રા દરમિયાન લગભગ 98 જેટલાં ભારતીયો જીવ ગુમાવી ચૂક્યા છે. જોકે વિદેશ મંત્રાલયે આ તમામ લોકોના મૃત્યુનું કારણ બીમારી અને વધુ વય જણાવ્યું છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો હજ પઢવા જાય છે. આ વર્ષે પણ 175000 જેટલાં મુસ્લિમો હજયાત્રા કરવા સાઉદી અરબ પહોંચ્યા છે.