જીવનસાથી સાથે વિશ્વાસઘાત કે લગ્નેત્તર સંબંધો ગુનો નહીં, ન્યુયોર્કમાં 117 વર્ષ જૂનો કાયદો રદ
છૂટાછેડાનું પ્રમાણ રોકવા 1907માં ઘડાયેલો કાયદો રદ
જોકે હજુ પણ અમેરિકાના 16 રાજ્યોમાં લગ્નેત્તર સંબંધ ગુનો, જેના આધારે છૂટાછેડા પણ મંજૂર થાય છે
ગવર્નર કૈથી હોચુલે 1907માં બનેલા આ કાયદાને રદ કરવા માટેના એક બિલ પર સહી કરી હતી, પોતાના સાથી ઉપરાંત અન્ય કોઇ સાથે સંબંધ રાખવા પર વર્ષોથી ચર્ચા ચાલી રહી હતી કે શું ચીટિંગ કે વિશ્વાસઘાતને અપરાધ માનવો કે નહીં. કોર્ટના આ ચુકાદાને પગલે હવેથી પોતાના પાર્ટનર સાથે ચીટિંગ કરવી તે ન્યૂયોર્કમાં અપરાધ માનવામાં નહીં આવે. જોકે હજુ પણ અમેરિકાના 16 રાજ્યોમાં ચીટિંગને અપરાધ માનવામાં આવે છે. અગાઉ ન્યૂયોર્કમાં ચીટિંગને અપરાધ ગણીને 90 દિવસ સુધીની જેલની સજા થતી હતી.
અમેરિકામાં રાજ્યો પોતાની રીતે કાયદા ઘડી કે બદલી શકે છે, ન્યૂયોર્કે એડલ્ટરી એટલે કે લગ્નેત્તર સંબંધને હવે અપરાધની કેટેગરીમાંથી બહાર કરી નાખ્યો છે.
જોકે કેટલાક રાજ્યો એવા પણ છે કે જ્યાં આને અપરાધ માનવામાં આવે છે અને તેના આધારે છૂટાછેડા પણ કોર્ટો મંજૂર કરતી હોય છે. ન્યૂયોર્ક પ્રશાસન લગ્નેત્તર સંબંધો કે પાર્ટનર સાથે ચીટિંગને અપરાધ ન માનવાના આ નિર્ણયને લોકોની સંપૂર્ણ સ્વતંત્રતા સાથે જોડી રહ્યું છે. સામાન્ય રીતે આ કાયદો છૂટાછેડાને રોકવા માટે ઘડવામાં આવ્યો હતો. જોકે આ કાયદાને હેઠળ વર્ષ 1907થી અત્યાર સુધી માત્ર પાંચ લોકોને જ દોષિત ઠેરવવામાં આવ્યા છે.