ઇઝરાયેલમાં ત્રણ બસમાં વિસ્ફોટ, બેમાંથી બોમ્બ મળ્યા : બસ-રેલવે સેવા બંધ
- હમાસની 'કાસમ બ્રિગેડ'ની સંડોવણીની શંકા
- હમાસે નાગરિકોને નિશાન બનાવનાર વિફરેલા ઇઝરાયેલે વેસ્ટ બેન્કમાં એરસ્ટ્રાઈક કરી
તેલઅવીવ : ઇઝરેયેલના તેલ અવીવ શહેરમાં ત્રણ બસોમાં જબરદસ્ત બોમ્બ ધડાકા થયા અને બે બસોમાંથી બોમ્બ પકડી પાડવામાં આવ્યા. આ બ્લાસ્ટ ઇઝરાયેલે લેબનોનમાં કરેલા પેજર બ્લાસ્ટનો જવાબ માનવામાં આવે છે. ઇઝરાયેલા આ બ્લાસ્ટના જવાબમાં વેસ્ટ બેન્કમાં વળતો હુમલો શરુ કરી દીધો છે. ઇઝરાયેલનું લશ્કર હુમલાખોરોને શોધવા માટે વેસ્ટ બેન્કમાં ત્રાટક્યુ છે.
આ ઉપરાંત ઇઝરાયેલે લેબનોનમાં હવાઈ હુમલા પણ કર્યા હોવાનું લેબનોનના સત્તાવાળાઓએ જણાવ્યું હતું. ઇઝરાયેલ પર આ હુમલો હમાસના કબ્જામાંથી ચાર બંધકોના મૃતદેહો પરત ફરતા આખા દેશમાં ગમગીનીભર્યુ વાતાવરણ હતુ ત્યારે કરવામાં આવ્યો છે. સદનસીબે આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઇઝરાયેલ આ બાબતને એક ચમત્કાર માને છે. આ હુમલો હમાસની એક શાખા કાસમ બ્રિગેડ દ્વારા કરવામાં આવ્યો હોવાનું મનાય છે.
ઇઝરાયેલ પર થયેલો હુમલો આતંકવાદી હુમલો હોવાનું પોલીસ માને છે. આ હુમલા પછી પરિવહન મંત્રી મીરી રેગવે બધી બસો, ટ્રેનો અને લાઇટ રેલ્વે સેવા રોકી દીધી છે, જેથી વિસ્ફોટક ડિવાઇસીસની તલાશ કરી શકાય. ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન કાટ્જે આઇડીએફને આદેશ આપ્યો છે કે વેસ્ટ બેન્ક સ્થિત શરણાર્થી શિબિરોની સક્રિયતા વધારવામાં આવે. આ હુમલાની તપાસ માટે આઇડીએફ અને શિન બેટ મળીને કામ કરી રહ્યા છે.
કેટલાક અહેવાલ મુજબ આ ડિવાઇસ પર રિવેન્જ થ્રેટ લખ્યું હતું. આ હુમલામાં હજી સુધી કેટલા લોકો સામેલ હતા તેની ખબર નથી. પણ ઇઝરાયેલની જાસૂસી સંસ્થાઓ તે શોધી કાઢશે તેમ માનવામાં આવે છે. એક ટેલિગ્રામ ચેનલ તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે અમારા શહીદોનું બલિદાન ભૂલાવી નહી શકાય. આ બદલો છે. આ ટેલિગ્રામ ચેનલ હમાસની કહેવાતી તુલ્કારેમ બટાલિયનની છે. જો કે તેણે સીધી કોઈ જવાબદારી લીધી નથી. પીએમ બેન્જામીન નેતન્યાહુએ જણાવ્યું હતું કે તેઓ આ મુદ્દે સતત અપડેટ લઈ રહ્યા છે. ઇઝરાયેલનું હમાસ સાથે યુદ્ધ ચાલતુ હતુ ત્યારે પણ તે હમાસના સમર્થકોને શોધવા વેસ્ટ બેન્ક પર હુમલા કરતું હતું.