Get The App

ચૂંટણીમાં ટેરિફનો મુદ્દો ચગાવીને ટ્રમ્પે અમેરિકનો મત મેળવી લીધા, પરંતુ 75 ટકાને તો તેનો અર્થ જ ખબર નથી

Updated: Feb 3rd, 2025


Google NewsGoogle News
Donald trump


Donald Trump's Tarrif War : અમેરિકાના હળવા વેપારી કાયદાઓનો ફાયદો ઉઠાવીને અન્ય દેશો મબલખ લાભ કમાઈ રહ્યા છે, એવું માનતા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ યુદ્ધ છેડી દીધું છે. તેમણે કેનેડા અને મેક્સિકો પર 25 ટકા અને ચીન પર 10 ટકા ટેરિફ લાદી દીધો છે. ખાટલે મોટી ખોડ એ છે કે, ટ્રમ્પની બિઝનેસ-પોલિસીથી અમેરિકા માલામાલ થઈ જશે, એ વાતે ખુશ થઈ રહેલા અમેરિકનો જાણતા જ નથી કે હકીકતમાં ટેરિફ શું હોય છે અને કઈ રીતે કામ કરે છે. 

શું માને છે અમેરિકનો?

અમેરિકનો માને છે કે વિદેશી વેપારીઓ અને વિદેશી સરકારો અમેરિકાની સરકારને ટેરિફ ચૂકવશે, જેને લીધે અમેરિકાનું ડોલરિયું ઘોડું સડસડાટ દોડવા માંડશે. એક સર્વેનું પરિણામ કહે છે કે, બે-પાંચ નહીં, પૂરા 75 ટકા અમેરિકનો આમ જ માને છે, જે સદંતર ખોટું છે. સર્વેમાં સામેલ થનાર 15 ટકા અમેરિકનોએ સ્વીકાર્યું હતું કે તેમને ટેરિફ વિશે કોઈ ખ્યાલ નથી, જ્યારે 60 ટકાએ અજ્ઞાન પ્રદર્શિત કરતાં કહ્યું હતું કે ટેરિફ એવો ટેક્સ છે જે વિદેશી સરકાર અથવા વિદેશી કંપની દ્વારા અમેરિકાને ચૂકવવામાં આવે છે.

આ પણ વાંચોઃ ના અમેરિકા અને ના રશિયા... પુતિન અને ટ્રમ્પની બે મુસ્લિમ દેશોમાં થઈ શકે છે મુલાકાત

ટેરિફ કઈ રીતે કામ કરે છે, કોણ ચૂકવે છે?

ટેરિફ એટલે એક પ્રકારનો ટેક્સ જે કોઈ દેશની સરકાર બીજા દેશથી આયાત કરાતા માલ પર લગાવે છે, પણ એ ટેરિફ બીજા (નિકાસ કરનાર) દેશે નથી ચૂકવાનો હોતો, આયાત કરનારા દેશનો વેપારી જ પોતાના દેશની સરકારને ચૂકવે છે. 

ઉદાહરણ તરીકે ધારી લો કે, ચીન એક એન્ડ્રોઈડ ફોન અમેરિકાના એક વેપારીને 100 ડોલરમાં વેચે છે. વેપારી તેના પર 10 ડૉલર નફો ઉમેરીને એ ફોન અમેરિકન ગ્રાહકને 110 ડોલરમાં વેચે છે. હવે જો અમેરિકા ચીનના માલ પર 10 ટેરિફ લાદી દે તો ફોનની કિંમત 110 થઈ જશે. એ વધારાનો બોજ ચીન પર નહીં પડે. ચીનને તો એના 100 ડોલર મળી જ જશે. પણ અમેરિકાના વેપારીએ એના 110 ડોલર ચૂકવવા પડશે અને તેમણે અમેરિકન સરકારને વધારાના 10 ડોલર ચૂકવવા પડશે. 

હવે 110 ડોલર પર વેપારી પોતાનો 10 ટકા નફો ઉમેરશે તો અમેરિકન ગ્રાહકે એ ફોન માટે 121 ડોલર ચૂકવવા પડશે. આમ, ચીની માલ પર લાદેલો ટેરિફ અમેરિકન સરકારની તિજોરી તો ભરશે, પણ અમેરિકન નાગરિકના ગજવામાં ગાબડું પાડીને! ને જો વધેલા ભાવને લીધે ગ્રાહક જે-તે ચીજ ખરીદવાનું જ પડતું મૂકે તો એનો ફટકો વેપારીને પડશે. આમ, ટેરિફ નિકાસકારોએ નહીં, આયાતકારોએ પોતાના દેશની સરકારને ચૂકવવો પડે છે.

ટ્રમ્પે અમેરિકનોને ઉલ્લુ બનાવ્યા?

ચૂંટણી પ્રચારમાં ટ્રમ્પ આક્રમકતાથી અન્ય દેશો પર ભારે ટેરિફ લાદીને તેમની સાન ઠેકાણે લાવી દેવાની વાત કરતા હતા, જેને લીધે અમેરિકનોને એવું જ લાગતું હતું કે વિદેશી સરકારો અને વિદેશી કંપનીઓ પોતાનો માલ અમેરિકામાં વેચવા માટે અમેરિકાને ટેરિફ ચૂકવશે. જ્યારે કે હકીકત એનાથી સાવ જુદી છે. હવે, રહી રહીને જે અમેરિકનોને આ સચ્ચાઈ સમજાઈ રહી છે, એમને એવું લાગી રહ્યું છે કે ટ્રમ્પે ટેરિફ બાબતે અધકચરી માહિતી આપીને એમને ગેરમાર્ગે દોર્યા હતા, એમને ઉલ્લુ બનાવ્યા હતા.       

આ પણ વાંચોઃ અમારી સાથે ખરાબ વર્તન કર્યું...' ડોનાલ્ડ ટ્રમ્પે હવે યુરોપિયન યુનિયનનું ટેન્શન વધાર્યું

નિકાસકાર દેશને આ રીતે પડે છે ફટકો 

ટેરિફનો બોજ જો દેશવાસી વેપારીને જ પડવાનો હોય તો એ લાદીને નિકાસકાર દેશને સાણસામાં લેવાનો વ્યૂહ સાવ ખોટો છે? ના, જે દેશ પર ટેરિફ લાદવામાં આવ્યો હોય, એને પણ ફરક તો પડે જ છે. એવું બની શકે કે એના ધંધાની એક આખી ચેનલ જ સમૂળગી બંધ થઈ જાય. જાણો કેવી રીતે? 

આ રીતે ટેરિફ નિકાસકાર દેશને ભારે પડે છે

ઉપર આપ્યું એ મોબાઈલ ફોનનું ઉદાહરણ જ લઈએ તો, ચીન પર લાદેલો ટેરિફ પોતાના ગજવામાંથી જતો બચાવવા અમેરિકન વેપારી એક કામ કરી શકે. એ ચીનને બદલે બીજા કોઈ દેશમાંથી માલ મંગાવવાનું શરૂ કરે, એવો દેશ કે જેના પર અમેરિકાએ ટેરિફ લાદેલો જ ન હોય. આમ કરવાથી અમેરિકન સરકારને વધારાનો ટેરિફ નહીં જ મળે, પણ વેપારીના માલનો ભાવ ન વધતા ગ્રાહકને માલ સસ્તો મળી રહેશે અને વેપારીના ગ્રાહકો પણ સચવાઈ રહેશે. અમેરિકાનું અર્થતંત્ર પણ ચાલતું રહેશે. મોટો ફટકો પડશે ચીનને, કેમ કે એના હાથમાંથી લાખો-કરોડો કે અબજોનો ધંધો જશે. આમ, ટેરિફ લાદીને ટ્રમ્પ સાવ જ ખોટા તો નથી પડ્યા. જે-તે દેશ પર બૂચ મારવામાં ટેરિફ કામ કરશે તો ખરો. 

ટેરિફનો પ્રતિકાર કઈ રીતે કરવો?

લોહા લોહે કો કાટતા હૈ, એ ન્યાયે ટેરિફ સામે ટેરિફ ઝીંકીને જ સાટું વાળવું પડે એમ છે, જે કેનેડાએ તાત્કાલિક કરી દીધું છે. અમેરિકા 25 ટકા ટેરિફ સામે કેનેડાએ પણ અમેરિકન માલ પર 25 ટકા ટેરિફ ઝીંકી દીધો છે. આ ટેરિફ-જંગ જોવા જેવો તો થશે.  

ભારતે ચિંતા કરવા જેવું ખરું?

ઝાઝું નહીં. ભારત પાસે મસમોટું બજાર છે, જેની અમેરિકા તો શું, દુનિયાના હરેક દેશને ગરજ છે. આ મુદ્દે ટ્રમ્પ આમ પણ બહુ કાળજીપૂર્વક આગળ વધી રહ્યા છે. કેનેડા અને મેક્સિકો જેવા પડોશી દેશો પર 25 ટકા જેટલો ઉગ્ર ટેરિફ લાદનાર અમેરિકાએ આર્થિક દોડમાં પોતાના કટ્ટર સ્પર્ધક એવા ચીન પર ફક્ત 10 ટકા ટેરિફ નાંખ્યો છે. ટ્રમ્પની મંશા તો રશિયા સાથે પણ સારાસારી રાખવાની છે, એટલે તેઓ ભારતને પણ સાચવી લેશે. ટ્રમ્પનો ટેરિફ-કોરડો આપણા દેશ પર નહીં વિંઝાય, એવો મત નિષ્ણાતો વ્યક્ત કરે છે.


Google NewsGoogle News