ફ્રાન્સમાં જિસેલ પેલિકોટ પર બળાત્કારના આરોપી ભૂતપૂર્વ પતિને 20 વષર્ની કેદ
- 72 વર્ષના બળાત્કારી પતિ ડોમિનિકે હવે બાકીની જિંદગી કેદમાં ગુજારવી પડશે
- પોતાની ઓળખ ગુપ્ત રાખવાના અધિકારને જતો કરી જિસેલ પેલિકોટે ખુલ્લી અદાલતમાં કેસનો સામનો કર્યો
એવિગ્નોન સિટી, ફ્રાન્સ : એક દાયકા સુધી પત્નીને ડ્રગ્સ આપી તેને બેહોશ કરી તેના પર પોતે અને અન્યો દ્વારા બળાત્કાર ગુજારવાના કેસમાં ૭૨ વર્ષના પતિ ડોમિનિક પેલિકોટ તથા અન્ય ૫૦ આરોપીઓને દોષી ઠેરવી ફ્રાન્સની અદાલતે અરજદાર જિસેલ પેલિકોટના પતિ ડોમિનિકને મહત્તમ વીસ વર્ષની કેદની સજા ફટકારી હતી. પતિએ હવે બાકીની જિંદગી જેલમાં જ ગુજારવી પડશે. એવીગ્નોનની કોર્ટના ન્યાયાધીશ રોજર અરાટાએ દરેક આરોપીઓના પ્રથમ નામ લઇ તેમને બળાત્કારના દોષી ગણાવ્યા હતા.
ડોમિનિક પેલિકોટે કબૂલ્યું હતું કે તેણે ૫૦ વર્ષથી તેની પત્ની જિસેલને ડ્રગ્સ આપી બેહોશ કરતો રહ્યો હતો જેથી અજાણ્યા લોકોને ઓનલાઇન શોધી તેની જાતીય સતામણી કરી શકાય અને તેની ફિલ્મ ઉતારી શકાય. હવે દાદી બની ચૂકેલી ૭૨ વર્ષની જિસેલ પેલિકોટના આ ખટલાને કારણે આખા દેશમાં ઉહાપોહ થઇ ગયો હતો. પાવર કંપનીની નિવૃત્ત કર્મચારી જિસેલ આ ચૂકાદાને પગલે દેશની નારીવાદી હિરોઇન બની ચૂકી છે.
પાંચ ન્યાયાધીશોએ ગુપ્ત મતદાન દ્વારા તેમનો ચૂકાદો આપ્યો હતો. ડોમિનિક પેલિકોટે કબૂલ્યું હતું કે તે ખોરાક અને પીણાંમાં ટ્રાન્કિવલાઇઝર મેળવી તેની પત્નીને આપતો હતો. જે લીધાં બાદ તેની પત્ની કલાકો સુધી બેહોશ બની જતાં તે તેની જાતીય કલ્પનાઓનો અમલ કરતો હતો. સપ્ટેમ્બર ૨૦૨૦માં ડોમિનિક પેલિકોટ સુપરમાર્કેટમાં મહિલાઓના સ્કર્ટનું વારંવાર ફિલ્મિંગ કરતાં ઝડપાયો એ પછી પોલીસને તેના ઘરમાંથી વીસ હજાર કરતાં વધારે ફોટા અને વિડિયો મળી આવ્યા હતા. વિવિધ ફોલ્ડર્સ બનાવી આ તમામ સામગ્રી કમ્પ્યુટર ડ્રાઇવ પર સંગ્રહવામાં આવી હતી. આ પુરાવાને આધારે પોલીસને અન્ય ૭૨ જણાં ગુનેગાર હોવાનું જણાયું હતું. પણ પોલીસ તમામને ઓળખી શકી નહોતી અને વિડિયો પુરાવા હોવા છતાં ઘણાંએ બળાત્કાર કર્યો હોવાનું નકાર્યું હતું.
જાતીય અત્યાચારનો ભોગ બની હોવા છતાં પોતાની ઓળખ ગુપ્ત રાખવાના અધિકારને જતો કરી જિસેલ પેલિકોટે ખુલ્લી અદાલતમાં આ કેસનો સામનો કરવાની હિંમત બતાવી હતી. જેને કારણે ફ્રાન્સમાં દેશવ્યાપી ધોરણે મહિલાઓની સુરક્ષાના મુદ્દે ચર્ચા છેડાઇ હતી.