Get The App

નિજ્જરની હત્યાના પુરાવા ભારતને આપ્યા જ નથી : ટ્રુડોની કબૂલાત

Updated: Oct 17th, 2024


Google NewsGoogle News
નિજ્જરની હત્યાના પુરાવા ભારતને આપ્યા જ નથી : ટ્રુડોની કબૂલાત 1 - image


- ટ્રુડો સાથે સીધો સંપર્કમાં છું, ભારત વિરુદ્ધ મે જ પુરાવા આપ્યા હતા : પન્નુના દાવાથી ખળભળાટ

- કેનેડાના આરોપો ગંભીર, ભારત તપાસમાં સહકાર નથી આપતું : અમેરિકા જોકે અન્ય દેશોએ ભારત-કેનેડાના વિવાદમાં કોઇ નિવેદન ના આપ્યું

- ભારત પર લગાવેલા આરોપોના પુરાવા આપવામાં નિષ્ફળ ટ્રૂડો સરકારના નિર્ણયોથી કેનેડાને ભારે નુકસાન : કેનેડિયન મીડિયા

- કેનેડાના વડાપ્રધાન ટ્રૂડો સાથે મારે નજીકના સંબંધ, વિશ્વભરમાં ખાલિસ્તાની ચળવળ શરૂ રાખીશ : પન્નૂની શેખી

વોશિંગ્ટન : કેનેડાની વર્તમાન સરકાર અને ખાલિસ્તાનીઓ વચ્ચેની સાંઠગાઠ વધુ એક વખત ખુલ્લી પડી છે તેવામાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ સ્વીકાર કરતા કહ્યું છે કે અમે નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે તેવા કોઇ જ પુરાવા ભારતને નથી આપ્યા. અમે માત્ર ગુપ્ત જાણકારી જ આપી હતી. ભારતે કેનેડાના હાઇ કમિશનર સહિતના ડિપ્લોમેટ્સને કાઢી મુક્યા હતા જે બાદ જસ્ટિન ટ્રૂડોનું આ નરમ વલણ સામે આવ્યું છે. બીજી બાજુ ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાનીઓને લઇને ચાલી રહેલા વિવાદ વચ્ચે અમેરિકામાં સક્રિય ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નૂએ મોટો ખુલાસો કર્યો છે. તેણે દાવો કર્યો છે કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોની સાથે મારે સીધો સંબંધ છે. છેલ્લા ત્રણ વર્ષથી હું ટ્રૂડોના સંપર્કમાં છું અને મે જ કેનેડાને ભારતની વિરુદ્ધમાં પુરાવા આપ્યા હતા. મારા આ પુરાવાના આધારે જ ટ્રૂડો સરકારે કાર્યવાહી કરી છે.

કેનેડામાં ખાલિસ્તાની હરદીપસિંહ નિજ્જરની હત્યા કરી દેવામાં આવી હતી, આ હત્યામાં ભારતનો પણ હાથ હોવાનો આરોપ કેનેડાની જસ્ટિન ટ્રૂડોની સરકાર લગાવી રહી છે. એવામાં હવે અમેરિકામાં રહીને ભારત વિરુદ્ધ કૃત્યો કરનારા ખાલિસ્તાની પન્નૂએ દાવો કર્યો છે કે આ મામલે મે જ કેનેડાને ભારતની વિરુદ્ધમાં પુરાવા આપ્યા હતા. ભારત સરકારે મારી વિરુદ્ધ હત્યાનું કાવતરુ ઘડયું છે તેનાથી હું નથી ડરતો. હું જ્યા સુધી જીવીત રહીશ ત્યા સુધી ખાલિસ્તાની અભિયાન ચલાવતો રહીશ તેથી હું ખુદને સુરક્ષીત રાખવાનો પુરો પ્રયાસ કરતો રહીશ અને વિશ્વભરમાં ખાલિસ્તાની અભિયાન ચલાવતો રહીશ. કેનેડાના વર્તમાન વડાપ્રધાન મારા સંપર્કમાં છે, અમારી વચ્ચે સારા સંબંધ છે. ભારત વિરુદ્ધ કેનેડાને મે જ પુરાવા આપ્યા હતા. 

બીજી તરફ કેનેડાની સરકાર ભારત પર જે આરોપો લગાવી રહી છે તેના કોઇ જ પુરાવા આજ દિન સુધી ભારતને નથી આપી શકી જેને પગલે કેનેડાના મીડિયાએ પણ કેનેડાની સરકારના દાવાની વિશ્વસનિયતા પર સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધુ છે. કેનેડાના પત્રકાર અને નેશનલ ટેલિગ્રાફના સીનિયર કોરેસ્પોંડેન્ટ ડેલિયલ બોર્ડમેને પણ ટ્રુડો સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે જસ્ટિન ટ્રુડો ભારત સાથે વધી રહેલી તંગદીલી વચ્ચે જનતાને પુરાવા આપવામાં નિષ્ફળ રહ્યા છે. આ મુદ્દો ડિપ્લોમેટ્સને નિષ્કાસિત કરવાના બિંદુ સુધી પહોંચી ગયો છે તેમ છતા આપણે મારા પર ભરોસો કરો તેવો ભ્રમ ફેલાવી રહ્યા છીએ. ભારત અને કેનેડા બન્ને દેશોએ પોત પોતાના હાઇ કમિશનર સહિતના ડિપ્લોમેટ્સને પરત બોલાવી લીધા છે. આ સ્થિતિ વચ્ચે કેનેડાના આ પત્રકારે કહ્યું છે કે કેનેડાની સરકારનો આ નિર્ણય દેશ માટે મોટુ નુકસાન કરાવનારો છે. 

કેનેડાએ કહ્યું હતું કે અમે ભારત સામેના પુરાવાને ફાઇવ આય એટલે કે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, બ્રિટન અને અમેરિકાને પણ સોંપ્યા છે. કેનેડાના આ દાવા બાદ હવે અમેરિકાએ કહ્યું છે કે કેનાડાના આરોપો અત્યંત ગંભીર છે ભારતે આ મામલે તપાસમાં સહયોગ કરવો જોઇએ. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યૂ મિલરે કહ્યું હતું કે ભારત આ સહયોગ કરશે તેવી અમેરિકાને આશા છે. આરોપોને ગંભીરતાથી લેવા જોઇએ ભારત સહયોગ નથી કરી રહ્યું જે યોગ્ય નથી. અગાઉ પણ અમેરિકાએ આ જ પ્રકારનું નિવેદન આપ્યું હતું ત્યારે ભારતે જવાબ આપતા સ્પષ્ટ કહ્યું હતું કે અન્ય દેશોની સલાહની અમને જરૂર નથી. કેનેડાના આરોપો મુદ્દે માત્ર અમેરિકા જ કેનેડાને સમર્થન આપી રહ્યું છે. જ્યારે અન્ય સહયોગી દેશો કેનેડાને આ મુદ્દે કોઇ જ સમર્થન નથી આપી રહ્યા.  


Google NewsGoogle News