સૂપ પણ ખલાસ થઈ રહ્યો છે, નવા ખાદ્ય પદાર્થો પહોંચી શકતા નથી : યુ.એન.
- ગાઝાના રફાહમાં ભયંકર પરિસ્થિતિ
- ભૂખમરાએ ભરડો લીધો છે : યુએન કહે છે, સમગ્ર વિસ્તારમાં માનવીય સહાય પડી ભાંગી છે : લોકો જ્યાં-ત્યાં નાસી રહ્યા છે
રફાહ : યુએને મંગળવારે જણાવ્યું હતું કે, દક્ષિણ ગાઝા પટ્ટીમાં આવેલા રફાહ શહેરમાં તેણે ખાદ્યાન્ન પૈકી સૂપની પણ વહેંચણી થંભાવી દીધી છે કારણ કે ખાદ્ય પદાર્થોનો નવો પુરવઠો પણ પહોંચી શકતો નથી. આ અંગેનું મહત્વનું કારણ તો ઇઝરાયલની વધી રહેલી સેનાકિય આક્રમકતા છે. આ સથે યુએને ચેતવણી આપી કે ગાઝા પટ્ટી અને રફાહમાં તો માનવીય સહાય લગભગ પડી ભાંગવાની અણી ઉપર છે.
અમેરિકાના એક વરિષ્ટ અધિકારીએ કહ્યું હતું કે, અમેરિકાને સૌથી વધુ ચિંતા તે છે કે તેણે ના કહ્યા છતાં હમાસને તે પ્રદેશમાંથી ઉખેડી નાખવા કદાચ ઇઝરાયલ વ્યાપક ભૂ-સેનાકિય આક્રમણ પણ શરૂ કરી દે.
ઉલ્લેખનીય છે કે પ્રમુખ જો બાયડેને પહેલા જ ઇઝરાયલને રફાહ ઉપર હુમલો નહીં કરવા કહી દીધું હતું. કારણ કે તે શહેરમાં હજ્જારો નિર્દોષ નાગરિકો પણ આશ્રય લઇ રહ્યા છે.
પોતાનું નામ નહીં આપવાની શરતે એક વરિષ્ટ અધિકારીએ કહ્યું હતું કે, વહીવટી તંત્રે ઇઝરાયલની આક્રમણ યોજનાને મંજૂરી આપી જ ન હતી. પરંતુ ઇઝરાયલના આયોજન ઉપરથી લાગે છે કે તે અમેરિકાના સૂચનને ગંભીરતાથી લેતું નથી.
દરમિયાન એવા પણ અહેવાલો મળી રહ્યા છે કે, ઇઝરાયલે વેસ્ટ બેન્કમાં કરેલા આક્રમણમાં ૮ પેલેસ્ટાઇનીઓના મૃત્યુ થયા છે. તેમ પેલેસ્ટાઇનના આરોગ્ય અધિકારીએ જ જણાવ્યું હતું.
છેલ્લા બે સપ્તાહથી હજ્જારો નહીં લાખ્ખો લોકો રફાહ છોડીને અહીં તહીં નાસી રહ્યા છે. તેઓ નવી ટેન્ટ-વ્યવસ્થામાં આશ્રય લેવા જઇ રહ્યા છે. રફાહ નજીક તો આને લીધે અંધાધૂંધી ભરી પરિસ્થિતિ ઉપસ્થિત થઇ છે. રફાહની ૯ લાખની વસ્તીમાંથી પાંચ લાખ લોકો જ્યાં આશ્રય મળે ત્યાં આશ્રય લેવા જઇ રહ્યા છે. અત્યારે ત્યા આશરે ૪ લાખ લોકો રહ્યા છે. આ અંધાધૂંધીને લીધે પણ તેઓને સહાય પહોંચાડવી મુશ્કેલ બની છે.
વાસ્તવમાં અમેરિકા દ્વારા સ્ટીમરો ભરીને ખાધ્યાન્ન પૂરવઠો પહોંચાડાઈ રહ્યો હતો. પરંતુ સ્ટિમરો છેક દરિયાકાંઠા સુધી તો પહોંચી જ ન શકે. કારણ કે કાંઠા પાસે પાણી તેટલું ઊંડુ ન હોય, તેથી અમેરિકાએ વિશાળ ફલોટિંગ-પીયર (વિશાળ તરતો ધક્કો બનાવ્યો હતો) તેને સ્પર્શીને સ્ટીમર ઊભી રહે અને સ્ટીમરમાંથી અનાજ ભરેલા ટ્રક કે ખાદ્ય પદાર્થો સાથેના ટ્રક તે ધક્કા ઉપરથી કાંઠા ઉપર ઉતરે અને ભૂખે મરતા લોકોને સહાય પહોંચાડે. પરંતુ તે ગાર્ડ ફર્સેકન પીપલ (જેણે જાણે કે પ્રભુએ જ તરછોડયા હોય) તેઓના દુર્ભાગ્યને તરતા ધક્કામાં જ કોઈ મુશ્કેલી ઉભા થતા તેની ઉપરથી ટ્રક છેલ્લા બે સપ્તાહથી આવી શકતા નથી. તેથી રફાહમાં પરિસ્થિતિ અત્યંત કરૂણ બની છે. માત્ર રફાહમાં જ નહીં. પરંતુ ગાઝા શહેર સહિત અન્ય શહેરોમાં પણ પરિસ્થિતિ મહાકાળ સમાન બની રહી છે. લાખ્ખો લોકો અર્ધભૂખ્યા રહે છે. જે કંઈ અન્ન રહ્યું છે તેય કેટલાએ શહેરો કે ગામડાઓમાં લોકો એક જ ટંક ખાઇ જીવી રહ્યા છે. તો રફાહ જેવા શહેરોમાં તો હવે સૂપ પણ ખૂટી રહ્યો છે. ત્યાં સૂપ મેળવવા બાળકો હાથમાં પાત્રો લઈ કતારબંધ ઊભેલા જોવા મળે છે. આ સુપ પણ ખુટી જશે તો તે બાળકોનું અને નાગરિકોનું શું થશે ?