1948થી અત્યાર સુધી 60 લાખ લોકોનું પલાયન, હવે ફરી ગાઝાના લોકોને અરબ દેશોમાં ટ્રાન્સફર કરવા માંગે છે ટ્રમ્પ
Israel–Hamas war: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ગાઝાથી પેલેસ્ટિનિયન શરણાર્થીઓને જોર્ડન, ઈજિપ્ત અને અન્ય અરબ દેશોમાં ટ્રાન્સફર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે પેલેસ્ટિનિયનો શાંતિથી રહી શકે તે માટે અન્યત્ર આવાસો બનાવવાનું સૂચન આપ્યું છે. ટ્રમ્પ ઈચ્છે છે કે યુદ્ધગ્રસ્ત વિસ્તારને સાફ કરવામાં આવે અને વસ્તીને ખાલી કરી દેવામાં આવે. પરંતુ ટ્રમ્પનું આ સૂચન કેટલું યોગ્ય છે અને તેની ગાઝા અને આરબ દેશો પર શું અસર પડશે.
ગાઝા 15 મહિનાથી ચાલી રહેલા ભીષણ ઈઝરાયલી હુમલાઓથી તબાહ થઈ ગયું છે. આ વચ્ચે ટ્રમ્પનો પ્રસ્તાવ ન માત્ર ગાઝાના 2.3 મિલિયન પેલેસ્ટિનિયનોને પોતાના ઘરમાંથી બહાર કાઢવાની શક્યતાને વધારે છે પરંતુ તે અરબ દેશોને પણ ચિંતામાં મૂકે છે.
1948થી અત્યાર સુધી 60 લાખ લોકોનું પલાયન
1948માં ઈઝરાયલની સ્થાપના બાદ લગભગ 60 લાખ પેલેસ્ટિનિયનો પલાયન કરી ગયા હતા. તે સમયે ઘણા લોકો જોર્ડન, સીરિયા અને લેબનોન જેવા પડોશી અરબ દેશોમાં આશ્રય લેવા ગયા હતા. ઘણા લોકો હજુ પણ શરણાર્થી કેમ્પમાં જ રહી રહ્યા છે. આ દુ:ખદ ઈતિહાસને જોતાં ગાઝાના લોકો કોઈપણ પ્રકારના નવા પલાયનથી ભયભીત છે, જે તેમને ફરીથી કાયમ માટે બેઘર કરી શકે છે.
1967ના મિડલ ઈસ્ટના યુદ્ધમાં જ્યારે ઈઝરાયલે વેસ્ટ બેંક અને ગાઝા પટ્ટી પર કબજો કરી લીધો હતો ત્યારે 3 લાખથી વધુ પેલેસ્ટિનિયનો ફરીથી પોતાના ઘર છોડવા માટે મજબૂર બન્યા, જેમાંથી મોટાભાગના જોર્ડન ગયા. ગાઝા છોડીને અરબ દેશોમાં ગયેલા લોકોની સંખ્યા 60 લાખ છે, જેમાંથી મોટાભાગના લોકો વેસ્ટ બેંક, ગાઝા, લેબનોન, સીરિયા અને જોર્ડનમાં કેમ્પ અને સમુદાયોમાં રહે છે.
ઈઝરાયલે ગાઝામાં તબાહી મચાવી
આ વખતે ગાઝામાં ઈઝરાયે હુમલામાં મોટાભાગના શહેરી વિસ્તારોને નષ્ટ કરી દીધા. પેલેસ્ટિનિયન અને સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓનું કહેવું છે કે, હવે ગાઝામાં સુરક્ષિત સ્થળો નહીવત્ પ્રમાણમાં છે. 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસે ઈઝરાયલ પર હુમલો કર્યા આ સંકટ વધુ ઘેરુ બન્યું છે. આ હુમલાના જવાબમાં ઈઝરાયલે અત્યાર સુધીમાં ગાઝામાં 47,000થી વધુ પેલેસ્ટિનિયનોનો જીવ લીધો છે. સંયુક્ત રાષ્ટ્રના અંદાજ પ્રમાણે ગાઝાના 2.3 મિલિયન લોકોમાંથી 85% લોકો પહેલાથી જ પોતાના ઘરોમાંથી વિસ્થાપિત થઈ ચૂક્યા છે.
આ પણ વાંચો: ભાજપનું સપનું રોળાશે! નીતિશ કુમારના નવા પ્લાનથી બિહારના રાજકારણમાં હલચલ તેજ
ઈજિપ્તની શું સ્થિતિ
ઈજિપ્તે ગાઝા સાથેની પોતાની સરહદ પહેલાથી જ મજબૂતીથી બંધ કરી દીધી છે. ઈજિપ્તે પહેલાથી જ કેટલાક વિદેશી નાગરિકો સિવાય બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ઈજિપ્ત અને અન્ય આરબ દેશો પેલેસ્ટિનિયનોને તેમની સરહદોમાંથી બહાર હાંકી કાઢવાની વાતનો વિરોધ કરે છે. અરબ દેશોને ડર છે કે જો આ પલાયન થશે તો તે પ્રાદેશિક સ્થિરતા માટે મોટો ખતરો બની જશે.
સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા પ્રમાણે વધતા આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલું ઈઇજિપ્ત પહેલેથી જ લગભગ 9 મિલિયન શરણાર્થીઓ અને પ્રવાસીઓને આશ્રય આપી રહ્યું છે. જેમાં આ વર્ષે પોતાના દેશના યુદ્ધથી ભાગીને ગયેલા લગભગ 300,000 સુદાનીઓ પણ સામેલ છે.
આરબ, પશ્ચિમી દેશ અને સંયુક્ત રાષ્ટ્ર શું કહી રહ્યા?
ઈજિપ્ત અને જોર્ડને શરૂઆતથી જ એ સ્પષ્ટ કરી દીધું છે કે, પેલેસ્ટિનિયન લોકોને તે ભૂમિમાંથી બહાર ન કાઢી શકાય. જેના પર તેઓ ભાવિ રાજ્ય બનાવવા માંગે છે, જેમાં પશ્ચિમ તટ અને ગાઝા સામેલ છે. અરબ દેશોને ડર છે કે જો પેલેસ્ટિનિયનો બહાર નીકળશે તો અહીંની પરિસ્થિતિ પણ ખરાબ થઈ જશે.
સંયુક્ત રાષ્ટ્રના ટોચના અધિકારીઓએ પણ આ મુદ્દા પર પોતાની ચિંતા વ્યક્ત કરી છે. યુએનના અધિકારી માર્ટિન ગ્રિફિથ્સે ફેબ્રુઆરી 2024 માં કહ્યું હતું કે, ગાઝાના લોકો સલામત સ્થળોએ જઈ શકે છે તે એક મોટું જૂઠાણું છે. તેમનું માનવું હતું કે ગાઝામાં કોઈ સુરક્ષિત સ્થાન નથી બચ્યુ અને પેલેસ્ટિનિયનોને બહાર કાઢવા એ કોઈ ઉકેલ નથી.
શું છે ઈઝરાયલની વ્યૂહરચના
2024માં રોઈટર્સના એક અહેવાલ પ્રમાણે ઈઝરાયલી નેતાઓએ પોતાના સૈન્ય ઓપરેશન ઉપરાંત કેટલાક વ્યૂહાત્મક ફાયદા મેળવવાનો પ્રયાસ કર્યો છે. તેઓ ગાઝાની આસપાસ બફર ઝોન અથવા સુરક્ષા ઝોન સ્થાપિત કરીને લશ્કરી વિજય કરતાં લાંબા ગાળાની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો ઉદ્દેશ્ય સામેલ છે. આ હેઠળ તેઓ ખાતરી કરવા માગે છે કે ગાઝા વિસ્તાર સાથેની ઈઝરાયલની સરહદ સુરક્ષિત રાખવામાં આવે અને ભવિષ્યમાં કોઈપણ હુમલાઓથી બચાવ કરી શકાય.