યુક્રેન સાથે યુધ્ધ વચ્ચે પણ 30000 ભારતીય વિદ્યાર્થીઓ રશિયામાં અભ્યાસ કરી રહ્યા છે
Image Source: Twitter
યુક્રેનના રશિયા સાથે ચાલી રહેલા યુધ્ધની વચ્ચે પણ રશિયામાં 30000 જેટલા ભારતીય વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છે.
2022માં રશિયાએ યુક્રેન સામે જંગ છેડયા બાદ રશિયાની યુનિવર્સિટીઓમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ચિંતા હતી. યુક્રેનમાંથી તો ભારતના વિદ્યાર્થીઓને સહી સલામત પાછા લાવવા માટે ભારત સરકારે ઓપરેશન પણ હાથ ધર્યુ હતુ.
જોકે યુધ્ધના બે વર્ષ બાદ પણ રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થઈ નથી. રશિયન હાઉસના દિલ્હી સ્થિતિ ડાયરેકટર ઓલેગ ઓસિપોવનુ કહેવુ હતુ કે, ભારતીય વિદ્યાર્થીઓ જ્યાં ભણે છે ત્યાં યુધ્ધની અસર નથી. ભારતીય વિદ્યાર્થીઓ પૈકી કેટલાક ક્રીમિયા, કેટલાક સેવેસ્તોપોલ અને બીજા વિદ્યાર્થીઓ રશિયાના પશ્ચિમ વિસ્તારમાં આવેલી યુનિવર્સિટીઓમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છે.
તેમણે કહ્યુ હતુ કે, રશિયાની યુનિવર્સિટીઓમાં અભ્યાસની ગુણવત્તા પર યુધ્ધની કોઈ અસર થઈ નથી. ભારતીય વિદ્યાર્થીઓ માટે કોઈ વિશેષ પ્રકારની સુરક્ષાની વ્યવસ્થા કરવાની પણ જરૂર નથી. લગભગ 30000 જેટલા ભારતીય વિદ્યાર્થીઓ હાલમાં રશિયામાં છે.
ઓસિપોવે કહ્યુ હતુ કે, 2022માં જ્યારે 18000 જેટલા ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેનમાંથી પાછા લાવવામાં આવ્યા તે કાર્યવાહીમાં પૂર્વ ભારતીય વિદ્યાર્થીઓએ પણ યોગદાન આપ્યુ છે. રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓએ ઈકોનોમી, હેલ્થ, એજ્યુકેશન સેકટરમાં આગવી ઓળખ ઉભી કરી છે.