૧૭ વર્ષ પહેલા પણ બાંગ્લાદેશ આર્મીએ મોહમ્મદ યુનુસને સત્તા સંભાળવાની ઓફર કરેલી
૨૦૦૭માં બે બેગમોની લડાઇમાં બાંગ્લાદેશમાં સત્તા પલટો થયો હતો
સેના યુનુસને સત્તાની ઓફર કરેલી પરંતુ યુનુસે ના પાડી દીધી હતી
ઢાકા,૭ ઓગસ્ટ,૨૦૨૪,બુધવાર
બાંગ્લાદેશના પીએમ શેખ હસીના રાજીનામુ આપીને વિદેશ ભાગી જતા નોબલ પારિતોષિક વિજેતા અને અર્થશાસ્ત્રી મોહમ્મદ યુનુસ વચગાળાની સરકારની જવાબદારી સંભાળવાના છે. બાંગ્લાદેશના સેના પ્રમુખ વકાર ઇજ જમાંએ પણ વચગાળાની સરકારની જાહેરાત પણ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર બાંગ્લાદેશમાં શેખ હસીના સરકાર વિરોધી આંદોલન અને તોફાનો થયા ત્યારે મોહમ્મદ યુનુસ વિદેશમાં હતા. સત્તાપલટો થયા પછી તેઓ બાંગ્લાદેશ પાછા ફરી રહયા છે અને અંતરિમ સરકારમાં વડાપ્રધાન પદ સંભાળશે.
શેખ હસીનના કાર્યકાળમાં મોહમ્મદ યુનુસ પર શ્રમ કાનુન ઉલંઘનને લગતા કેટલાક કેસ ચાલતા હતા. આ કેસ અંગેની અપીલ સંદર્ભે ન્યાયાધિરણે મોહમ્મદ યુનુસ સહિત ચાર લોકોને નિદોર્ષ જાહેર કરતા અંતરિમ સરકારના વડા બનવાનો માર્ગ મોકળો બન્યો છે.યુનુસે એક શાંતિ સંદેશ બહાર પાડીને લોકોને શાંત રહેવાની અપીલ કરી છે.
બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)ના નેતા ખાલિદા જીયાએ પણ રાજકિય સક્રિયતા વધારી દીધી છે. ભેદભાવ વિરોધી સ્ટુડન્ટસ આંદોલનના ૧૩ સભ્યોએ સરકારની રુપરેખા તૈયાર કરવા માટે બંગભવનમાં રાષ્ટ્રપતિ શાહબુદ્દીન સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં બાંગ્લાદેશની સેનાની ત્રણેય પાંખોના વડા અને ઢાકા યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય બાબતોના વિદ્વાન પ્રોફેસરોએ હાજરી આપી હતી.
૨૦૦૭માં પીએમ બનવાની ના પાડી ૨૦૨૪માં હા પાડી છે
યુનુસ બાગ્લાદેશના સોશિયલ વર્કર, બેંકર અર્થશાસ્ત્રી અને નોબેલ પારિતોષિક વિજેતા છે. માઇક્રો ફાયનાન્સના ક્ષેત્રમાં નમૂનેદાર કામ કરવા માટે નોબેલ મળ્યો હતો. આથી બાંગ્લાદેશ જ નહી દુનિયા પણ તેમને ઓળખે છે. યુનુસ માટે અંતરિમ સરકાર ચલાવવા માટેનો આ પહેલો મોકો નથી. ૧૭ વર્ષ પહેલા પણ તેમને વિનંતી કરવામાં આવી હતી પરંતુ ઓફર ફગાવી દીધી હતી.
જાન્યુઆરી ૨૦૦૭માં સેનાએ બાંગ્લાદેશની સત્તા પર કબ્જો કર્યો હતો. એ સમયે પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના અને ખાલિદા ઝીયા બંને ભ્રષ્ટાચારના આરોપમાં જેલવાસ ભોગવતા હતા. ૧૭ વર્ષ પછી બાંગ્લાદેશના રાજકારણમાં ફરી મોટો ભૂકંપ આવ્યો છે. આ રાજકિય ભૂકંપ પછીની પરિસ્થિતિ થાળે પાડવાની જવાબદારી સંભાળવાની મોહમ્મદ યુનુસે તૈયારી બતાવી છે.
નોબેલ વિજેતા યુનુસને ગરીબોના બેંકરનું બિરુદ મળ્યું હતું
મોહમ્મદ યુનુસનો જન્મ ૨૮ જુન ૧૯૪માં અવિભાજીત ભારતના ચટ્ટગાંવમાં થયો હતો. ઢાકા યુનિવર્સિટીમાં ઇકોનોમિકસના અભ્યાસ પછી વધુ અભ્યાસ માટે અમેરિકા ગયા હતા. પીએચડી થયા પછી તેમને આઝાદી પછીનાં પૂર્વી પાકિસ્તાન (બાંગ્લાદેશ)ની ચિટગાંવ યુનિવર્સિટીમાં ઇકોનોમિકસ વિભાગના હેડ બન્યા હતા. ૧૯૭૧માં દુનિયાના નકશા પર બાંગ્લાદેશનો જન્મ થયો.
બાંગ્લાદેશમાં ગરીબી અને ભૂખમરો જોઇને વ્યથિત થયા હતા. અર્થશાસ્ત્રના નિયમો તેમને ફાલતું લાગવા માંડયા હતા. અંતરિયાળ ગામોમાં જઇને તેમણે ગરીબી દૂર કરવા માઇક્રો ફાઇનાન્સના ક્ષેત્રમાં કામ કરવા માંડયું. તેમને ચોકકસ વિસ્તારોની ગરીબી દૂર કરીને લોકોને બચતનો મંત્ર આપ્યો હતો. આથી તેમને ગરીબોનો દોસ્ત અને ગરીબોના બેંકર તરીકેનું બિરુદ મળ્યું હતું.
યુનુસે રાજકીય પાર્ટી રચવાથી શેખ હસીના સાથે વેર બંધાયું હતું
૧૮ ફેબુ્આરી ૨૦૦૭માં યુનુસે નાગરિક શકિત નામની એક રાજકીય પાર્ટી રચી હતી. મોહમ્મદ યુનુસ એક સમયે શેખ હસીના અને તેમના પિતા મુજીબુર રહેમાનના કટ્ટર સમર્થક હતા. શેખ હસીના પણ યુનુસના ખૂબ વખાણ કરતી હતી. મોહમ્મદ યુનુસે રાજકારણમાં ઝંપલાવતા શેખ હસીના તેમને હરિફ તરીકે જોતી હતી. પોતાની ગાદી માટે ખતરો વધવાના ડરથી યુનુસ પર તપાસ એજન્સીઓ છોડી દીધી. તેમના પર આર્થિક નિયમ ભંગના ૧૦૦ થી પણ વધુ કેસ કર્યા. યુનુસે શેખ હસીના સરકારનો વિરોધ કરતા બંને વચ્ચે દુશ્મની શરુ થઇ હતી. શેખ હસીના સરકારના પતનની ઘટનાની યુનુસે બાંગ્લાદેશની બીજી આઝાદી સાથે સરખામણી કરી છે.