સાઉદી અરેબિયામાં રશિયા અને યુક્રેન વચ્ચે થશે શાંતિ વાર્તા?, ટ્રમ્પના નિર્ણયથી યુરોપ નારાજ
Russia Ukrain War: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા લગભગ ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધ પર પૂર્ણવિરામ મૂકાવાનો અણસાર અમેરિકાએ આપ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા સાથે મળી આ યુદ્ધ સમાપ્ત કરવા સાઉદી અરેબિયા સાથે શાંતિ વાર્તા કરવા જઈ રહ્યા છે. જો કે, આ વાર્તાલાપમાં યુક્રેન અને યુરોપિયન દેશોની ગેરહાજરીએ મોટો સવાલ ઉભો કર્યો છે.
રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવા યોજાનારી બેઠકમાં યુક્રેન અને અન્ય કોઈ યુરોપિયન દેશને સામેલ કરવામાં ન આવતાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને તાત્કાલિક ધોરણે યુરોપિયન નેતાઓની બેઠક બોલાવી હતી. જે 17 ફેબ્રુઆરીએ પેરિસમાં થવાની છે.
યુરોપની ગેરહાજરીએ વધાર્યું ટેન્શન
અમેરિકા અને રશિયા સંયુક્તપણે સાઉદી અરેબિયા સાથે યુક્રેન યુદ્ધનો અંત લાવવા ચર્ચા કરવા જઈ રહ્યું છે. જેમાં યુરોપની ગેરહાજરીથી ચિંતા વધી છે. કારણકે, યુદ્ધ યુક્રેનમાં ચાલી રહ્યું છે, પરંતુ તેની ભાગીદારી નથી. યુક્રેનની આસપાસના દેશો યુરોપ ખંડમાં સામેલ છે. જેથી યુકે, જર્મન, ફ્રાન્સ, પોલેન્ડ સહિત ઈયુના વડાઓ પેરિસમાં બેઠક યોજી મહત્ત્વનો નિર્ણય લેશે. યુક્રેન-રશિયા યુદ્ધ વિરામ મામલે અમેરિકાની આ રણનીતિથી યુરોપ નારાજ છે.
આ પણ વાંચોઃ ભારતના મોસ્ટ વૉન્ટેડ આતંકવાદી હાફિઝ સઇદના સાળાની હત્યા: અજ્ઞાત લોકોએ ઘરની બહાર ગોળી મારી
ઝેલેન્સ્કી યુએઈ પહોંચ્યા
અમેરિકા, રશિયા અને યુએઈની બેઠક વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી રવિવારે મોડી રાત્રે યુએઈ પહોંચ્યા છે. જર્મનીના મ્યુનિખમાં સુરક્ષા સંમેલનમાં ભાગ લીધા બાદ ઝેલેન્સ્કી અબુ ધાબી પહોંચ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ઝેલેન્સ્કીની આ યુએઈની પ્રથમ મુલાકાત છે. યુક્રેનના આર્થિક બાબતોના મંત્રી અને પ્રથમ નાયબ વડાપ્રધાન યૂલિયા સ્વિરીડેન્કોએ સ્પષ્ટતા આપી ન હતી કે, ઝેલેન્સ્કીની આ યુએઈ મુલાકાત અમેરિકા-રશિયા બેઠક સંબંધિત છે કે નહીં. તેમણે આ મુલાકાતને આર્થિક સંબંધો ગાઢ કરવા હેતુ ગણાવી હતી.
અમેરિકાએ આપ્યો સંકેત
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો સઉદી અરેબિયાની મુલાકાત પર અમેરિકાના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે અને આગામી દિવસોમાં રશિયાના અધિકારીઓ સાથે ચર્ચા કરશે. રૂબિયોએ જણાવ્યું કે, આ યાત્રાનો ઉદ્દેશ યુક્રેન અને રશિયા વચ્ચે ત્રણ વર્ષથી ચાલી રહેલુ યુદ્ધ સમાપ્ત કરવા માટે છે. ડોનાલ્ડ ટ્રમ્પે ગત સપ્તાહે સંકેત આપ્યો હતો કે, તે સઉદી અરેબિયામાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરશે. રિયાધમાં બેઠક યોજાશે.