યુરોપના દેશોના ખેડૂતો ભડકયા, બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં ટ્રેકટર રેલી કાઢી, ચક્કા જામ અને આગચંપી
image : Twitter
બ્રસેલ્સ,તા.02 ફેબ્રુઆરી 2024,શુક્રવાર
યુરોપના દેશોમાં આજકાલ ખેડૂતો સરકાર પર ભડકેલા છે.ભારતના ખેડૂતોની જેમ સરકાર વિરોધી દેખાવો પણ યુરોપના ખેડૂતો કરી રહ્યા છે.
ગુરુવારે બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા અને ચક્કાજામનુ એલાન આપ્યુ હતુ. જેના કારણે ઠેર ઠેર ટ્રાફિક ખોરવાયો હતો. ખેડૂતોએ ટ્રેકટરો સાથે શહેરમાં રેલી કાઢી હતી અને રસ્તા પર ઈંડા ફેંક્યા હતા. ઠેર ઠેર આગચંપીની ઘટનાઓ પણ બની હતી.
યુરોપના દેશોમાં ખેડૂતો નારાજ છે. તેમનુ કહેવુ છે કે, ખેતીના સારા પૈસા નથી મળી રહ્યા અ્ને સરકાર ટેક્સ નાંખી રહી છે. પર્યાવરણ સબંધી કાયદાના કારણે પણ વધારે હેરાનગતી ભોગવવી પડે છે. વિદેશના ખેડૂતો સાથે તેના કારણે સ્પર્ધા કરવાનુ મુશ્કેલ બની રહ્યુ છે. યુક્રેનથી થઈ રહેલી સસ્તી આયાતના કારણે હવે મુશ્કેલી વધી રહી છે.
ખેડૂતોનો રોષ એટલા માટે છે કે, રશિયા સાથેના યુધ્ધના કારણે યુરોપિયન દેશોએ યુક્રેનથી થતી કૃષિ આયાતને ઘણી છૂટછાટ આપી છે અને તેના કારણે યુક્રેનની ખેત પેદાશો સસ્તા ભાવે યુરોપના બજારોમાં વેચાઈ રહી છે. જેનાથી સ્થાનિક ખેડૂતોની ઉપજ વેચાઈ રહી નથી.
ગુરુવારે બેલ્જિયમમાં યુરોપિયન યુનિયનની બેઠક ટાણે હજારો ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા અને યુરોપિયન યુનિયન પર દબાણ કરવાની કોશીશ કરી હતી.
આ દેખાવો બાદ બેલ્જિયમના વડાપ્રધાન ખેડૂતોને લઇને ચિંતા વ્યક્ત કરી છે. આ મુદ્દા પર ખેડૂતો સાથે વાટાઘાટો કરવા માટે તૈયારી બતાવી છે. અને કહ્યુ છે કે, પર્યાવરણ બચાવવાના પ્રયત્નોમાં ખેડૂતો પ્રભાવિત ના થવા જોઈએ.
યુરોપમાં ઈટાલી, સ્પેન, રોમાનિયા, પોલેન્ડ, જર્મની, પોર્ટગુલ જેવા દેશોમાં ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી ચુકયા છે. ફ્રાંસમાં સરકારે ખેડૂતોને આર્થિક મદદની જાહેરાત પણ કરી છે. ખેડૂતોના વિરોધને જોતા યુક્રેનની સસ્તી ખેત પેદાશોની આયાત પર પ્રતિબંધ અંગે વિચારણા થઈ રહી છે.