Get The App

યુરોપમાં એકાએક વીજળી વેરણ થતાં અંધારપટ

Updated: Apr 29th, 2025

GS TEAM


Google News
Google News
યુરોપમાં એકાએક વીજળી વેરણ થતાં અંધારપટ 1 - image


- ફ્રાન્સ, સ્પેન, પોર્ટુગલ અને બેલ્જિયમના દસ કરોડ લોકોને અસર

- બસ, મેટ્રો, રેલ્વે, વિમાની, હોસ્પિટલ સહિતની અનેક આવશ્યક સેવાઓ ઠપ થઈ ગઈ : સાઇબર હુમલાની સંભાવના ફગાવાઇ

- આટલા બધા દેશોમાં એક સાથે વીજળી જવાના કારણ અંગે યુરોપીયન દેશોનું વ્યવસ્થાતંત્ર અંધારામાં

પેરિસ : યુરોપમાં એક સાથે અનેક દેશોમાં વીજળી બંધ થઈ જતા હાહાકાર મચી ગયો છે. ફ્રાન્સ, સ્પેન, બેલ્જિયમઅને પોર્ટુગલમાં બ્લેકઆઉટના કારણે વિમાની સેવાથી લઈને મેટ્રો સુધીનું સંચાલન ઠપ થઈ ગયું છે. મેડ્રિડમાં ચાલતી ક્લે કોર્ટ ટેનિસ ટુર્નામેન્ટ મેડ્રિડ ઓપન પર પણ તેની અસર પડી છે. આ વીજળી અચાનક કેવી રીતે બંધ થઈ તેનું કોઈ કારણ તાત્કાલિક સામે આવ્યું નથી, તપાસ ચાલી રહી છે. આ રીતે વીજળી બંધ થવાના લીધે લગભગ દસ કરોડ લોકો અંધારામાં ડૂબી ગયા હોવાનું માનવામાં આવે છે. આ વીજળી કાપવાને લઈને સાઇબર હુમલાની સંભાવના પણ નકારી શકાતી નથી. સ્પેનના નેશનલ ગ્રિડ ઓપરેટર રેડ ઇલેક્ટ્રિકાએ નિવેદન જારી કરીને જણાવ્યું છે કે દેશમાં વીજ પુરવઠો પૂર્વવત્ કરવા તે સેક્ટરની કંપનીઓ સાથે મળીને મજબૂત પગલાં ઉઠાવી રહ્યા છે. આ ઉપરાંત પોર્ટુગલના ગ્રીડ ઓપરેટર ઇ-રેડેસે જણાવ્યું હતું કે વીજ તકલીફ યુરોપીયન પાવર ગ્રિડમાં આવેલી સમસ્યાના લીધે ઊભી થઈ છે. પ્રારંભિક તપાસમાં વોલ્ટેજનું અસંતુલન મુખ્ય કારણ માનવામાં આવે છે, જેના કારણે વીજ વિતરણ વ્યવસ્થાને ફટકો પડયો છે. 

આ બ્લેકઆઉટના લીધે બસ સર્વિસ, મેટ્રો સર્વિસ, રેલવે સર્વિસથી લઈને વિમાની સેવા પર પણ અસર પડી છે. તેને લઈને બીજા કેટલાય મહત્ત્વના આયોજનો થંભી ગયા છે. સ્પેનમાં ચાલતી મેડ્રિડ ઓપનમાં વીજળી બંધ થઈ જતાં કેટલીય મેચોને સ્થગિત કરવી પડી છે. યુરોપમાં આ પહેલા પણ નાની-મોટી તકલીફોના કારણે બ્લેકઆઉટ થયું છે. ૨૦૦૩માં સ્વિટ્ઝરલેન્ડમાં એક વૃક્ષના કારણે વીજલાઇન કપાતા આખુ ઇટાલી અંધારામાં ડૂબી ગયું હતું. હાલમાં વીજ કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે ઇમરજન્સી પ્રોટોકોલ અમલી બનાવ્યા છે. 

બ્લેકઆઉટના કારણે ટ્રાફિક સિગ્નલો પણ બંધ થઈ જતાં રસ્તા પર રીતસરની અંધાધૂંધી સર્જાઈ છે. હોસ્પિટલોમાં બેકઅપ જનરેટરના સથવારે ઇમરજન્સી સર્વિસિસને ચલાવવામાં આવી રહી છે. અધિકારીઓએ સ્ટાફને કમ્પ્યુટર બંધ કરીને વીજળીની બચત માટે અન્ય ઉપાયો અજમાવવા જણાવ્યું છે. હજી પણ સ્પષ્ટ નથી કે આ વીજ સંકટ કેટલો સમય ચાલુ રહેશે, આ મુદ્દે પણ યુરોપીયન દેશોનું વ્યવસ્થાતંત્ર અંધારામાં અટવાયેલું છે. સ્પેને વિપરીત સ્થિતિને પહોંચી વળવા માટે ખાસ સમિતિ રચી છે. 

પરિસ્થિતિની ગંભીરતા જોતા સ્પેનિશ સત્તાવાળાઓએ લોકોને ખાસ અપીલ કરી છે કે તે ઇમરજન્સી સર્વિસિસ પર બિનજરૂરી કોલ ન કરે. તેનું કારણ એ છે કે આ સેન્ટર પહેલેેથી જ ભારે બોજ હેઠળ લદાયેલા છે. યુરોપીયન પંચે વર્ષોથી દેશો વચ્ચે ઉર્જા પ્રણાલિના એકીકરણની જરૂરિયાત પર ભાર મૂક્યો છે, પરંતુ આ મુદ્દે પ્રગતિ ધીમી રહી છે. વર્તમાન સંકટે યુરોપને ફરીથી આ દિશામાં વિચારવાની ફરજ પાડી છે.

Tags :