યુરોપીય સંઘના નેતાઓનો યુક્રેન અંગે ટ્રમ્પને સ્પષ્ટ સંદેશો : અમેરિકા સાથેના સંબંધો વિષે પણ આશંકા
- ડૉનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવતાં ઉપસ્થિત થનારા આર્થિક તેમજ અન્ય પ્રશ્નો વિષે પણ યુરોપીય સંઘના નેતાઓએ વિચારણા કરી
બુ્રસેલ્સ : યુરોપીય સંઘના નેતાઓએ યુક્રેન અંગે અમેરિકાના નવ નિર્વાચિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સ્પષ્ટ સંદેશો પાઠવી દીધો છે. અહીં મળેલી ઇ.યુ.ના નેતાઓની પરિષદમાં તે નેતાઓએ યુક્રેનને સતત સહાય કરતા રહેવાનું વચન આપ્યું છે. આ પરિષદમાં તે સમેય યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી પણ ઉપસ્થિત હતા. આ સાથે આ પરિષદમાં આર્થિક તથા સંરક્ષણને લગતા પ્રશ્નો પણ ચર્ચવામાં આવ્યા હતા. વિશેષત:, ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા ગ્રહણ કરે પછી તેઓની નવી ટેરિફ નીતિને લીધે યુરોપના દેશો સમક્ષ ઉપસ્થિત થનારા આર્થિક પડકારો અંગે પણ વિચારણા કરવામાં આવી હતી.
આ પરિષદની ફલશ્રૃતિ અંગે ઘડાયેલા મુસદ્દામાં યુક્રેન યુદ્ધ ગમે તેટલું ચાલે, પરંતુ તેને સતત ટેકો આપતા રહેવાની પણ ખાતરી આપવામાં આવી છે.
આશરે ૩ વર્ષથી ચાલી રહેલાં આ યુદ્ધનો તત્કાળ અંત લાવવાની ટ્રમ્પે વારંવાર વાત કરી છે. પરંતુ કઇ રીતે અંત લાવશે તે વિષે તો કદી કહ્યું નથી. ટ્રમ્પે ઝેલેન્સ્કીને પુતિન સાથે સંધિ કરી લેવા અનુરોધ પણ કર્યો છે. પરંતુ તેમાં તેઓએ રશિયાને પણ થોડો ભાગ આપી દેવા સૂચન કર્યું છે. જે સ્વીકારવા ઝેલેન્સ્કી તૈયાર નથી.
આ સાથે એક નક્કર વાસ્તવિક્તા તો તે છે કે અત્યારે જ રશિયાએ યુક્રેનનો ૨૦ ટકા જેટલો પ્રદેશ કબ્જે કરી લીધો છે. રશિયન્સ પૂર્વમાંથી આગળ પણ વધી રહ્યા છે.
જ્યારે યુરોપીય નેતાઓએ કહ્યું છે રશિયા સફળ થવું જ ન જોઇએ. તેટલું જ નહીં પરંતુ યુક્રેન યુદ્ધમાં સમાધાનની ભૂમિકા તૈયાર કરવા માટે પહેલાં તો યુક્રેનનું મંતવ્ય જાણવું પડે છે. ઝેલેન્સ્કીની હાજરી વિના કોઈ પણ પગલું લેવું ન જોઇએ.
આ તરફ ટ્રમ્પ પણ ગુસ્સે ભરાયા છે. તેઓ કહે છે કે : 'જો યુરોપના દેશો અમેરિકાનો માલ સામાન નહીં ખરીદે તો તેઓને ભારે કિંમત ચૂકવવી પડશે.'
ટ્રમ્પે અત્યારથી જ કહી દીધું છે કે અમેરિકાએ તેના વેપાર ભાગીદારો પૈકી ત્રણ ઉપર કેનેડા, મેક્સિકો અને ચાયના ઉપર ભારેમાંથી ભારે કર (આયાત-કર) લાદવાના છે.
ટ્રમ્પનાં આ કથનથી સૌથી વધુ કેનેડા મુંઝાયું છે. કારણ કે તેની કુલ નિકાસ પૈકી ૭૦ ટકા નિકાસ તો અમેરિકામાં જ થાય છે.
બીજી તરફ યુરોપીય સંઘના દેશોએ એકતા સાધી બધાએ એક સાથે ઊભી રહેવાનું એલાન કર્યું છે. કારણ કે તેઓને આશંકા છે કે કદાચ ટ્રમ્પ એક પછી એક દેશ સાથે કોઇને કોઈ પ્રકારના કરારો કરી નાખે.