ભારત સાથે દુશ્મની કરવી માલદીવને ભારે પડશે ટુરિઝમ ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં તે ભારત પર નિર્ભર છે
- માલદીવનું પ્રાચીન નામ 'મલય દ્વિપ' હતું
- માલદીવ ભારતમાંથી જ ઘઉં, ચોખા, શાકભાજી, ફળો, પોલ્ટ્રી પ્રોડક્ટસ, મસાલા તથા એન્જિનિયરીંગ સામાન અને ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટસ મંગાવે છે
માલે, નવી દિલ્હી : માલદીવની મુઈજ્જુ સરકાર અત્યારે 'બેકફૂટ' પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વિપની મુલાકાત અંગે ટીકા કરનાર ૩ મંત્રીઓને નિલંબિત કરાયા છે, અને સરકારે તેઓનાં વિધાનોથી પોતાને દૂર રાખેલ છે. તેમજ માલદીવના રાજદૂતે પણ વિદેશ મંત્રાલયમાં જઈ કેટલીક સ્પષ્ટતાઓ પણ કરી છે.
વાસ્તવમાં ચીનના પ્રભાવમાં આવી ગયેલા મુઈજ્જુએ તેમની સરકારના મંત્રીઓને કાબુમાં રાખવાની જરૂર છે કારણ કે માલદીવની ઈકોનોમી જ મહદ્અંશે ટુરીઝમ ઉપર આધારીત છે. તેના અર્થતંત્રમાં ટુરીઝમનું ૨૮ ટકા જેટલું પ્રદાન છે. આથી પૂર્વ પ્રમુખ મોહમ્મદ નશીદે મુઈજ્જુ સરકારનાં એક મંત્રી મરિયમ શિઉલા તથા અન્ય મંત્રીઓએ કરેલી નરેન્દ્ર મોદી અને ભારતની ટીકા-મઝાકની નિંદા કરી છે.
વાસ્તવમાં સૌથી વધુ ટુરીસ્ટ માલદીવમાં ભારતથી જ આવે છે. ૨૦૨૩માં તેમની સંખ્યા ૨,૦૯,૧૯૮ પહોંચી હતી. પરંતુ હવે ભારતીય કલાકારો અને ટોચના ક્રિકેટરો તથા સુખી વર્ગે માલદીવનો બોયકોટ કરતાં તેની ઈકોનોમીને ભારે ફટકો પડી જાય તેમ છે.
વાસ્તવમાં ટુરીઝમ સેક્ટર અને તેની સાથે સંલગ્ન સર્વેની રોજગારીની ટકાવારી ૬૦થી વધી ૭૦થી ઉપર પહોંચી ગઈ છે.
માત્ર ટૂરીઝમ જ નહીં પરંતુ અન્ય ક્ષેત્રોમાં પણ માલદીવ ભારત ઉપર નિર્ભર છે. તે ભારતમાંથી ઘઉં, ચોખા, શાકભાજી, ફળો, પોલ્ટ્રી પ્રોડક્ટસ, મસાલા તથી એન્જિનિયરીંગ સામાન અને ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટસ મંગાવે છે.
ભારતની ગ્રાન્ટમાંથી માલેમાં 'નેશનલ કોલેજ ફોર પોલિસિંગ એન્ડ લો એન્ફોર્સમેન્ટ'ની સ્થાપના કરવામાં આવી છે. આ એક જ પ્રોજેક્ટ ૨૨૨.૯૮ કરોડ રૂપિયાનો છે. તેનું ઉદઘાટન વિદેશમંત્રી ડૉ. જયશંકરની માલદીવની મુલાકાત સમયે કરવામાં આવ્યું હતું. ૨૦૧૯માં તે માટે વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી હતી.
ભારત માલદીવમાંથી સ્ક્રેપ આયાત કરે છે તે ફાર્મા સ્યુટિકલ પ્રોડક્ટસ પણ તેને આપે છે. કોવિદ મહામારી સમયે ભારતે માલદીવને મોટા પાયે વેકિસન્સ નિઃશુલ્ક મોકલ્યાં હતાં.
૨૦૨૧માં ભારતીય કંપની એફ-કોન્સે માલદીવમાં સૌથી મોટા ઈન્ફ્રાસ્ટ્રકચર 'ગ્રેટર-માલે-કનેક્ટિવીટી પ્રોજેક્ટ'નું કામ કર્યું હતું. આ ઉપરાંત અનેક વખત ભારતે માલદીવને સહાય કરી છે. ૧૯૮૮માં ત્યાં લશ્કરી બળવો થયો ત્યારે ભારતીય સૈન્યે 'ઓપરેશન કેકટસ' હાથ ધરી સત્તા પલટો અટકાવી દીધો હતો. ૨૦૧૪માં સુનામી ફરી વળતા ત્યાં ખાદ્ય પદાર્થો અને પીવાના પાણીની પણ ખેંચ પડી ગઈ હતી, ત્યારે ભારતે સ્ટીમરોમાં પીવાનાં પાણીની કરોડો બોટલો માલદીવમાં મોકલી હતી. તે સમયે તે અભિયાનનું નામ 'ઓપરેશન નીર' રાખવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય તે છે કે જેમ અફઘાનિસ્તાનના પૂર્વ પ્રમુખ કારઝાઈ તેઓની ગંભીર માંદગી સમયે દિલ્હી સ્થિત 'એઈમ્સ' હોસ્પિટલમાં સારવાર લીધી હતી. તેવી જ રીતે પૂર્વ પ્રમુખ મોહમ્મદ નશીદે તેઓની ગંભીર માંદગી દરમિયાન મુંબઈમાં સારવાર લીધી હતી.
માલદીવ સાથે ભારતને પ્રાચીન યુગમાં પણ સંપર્ક હતો તે સમયે તે 'મલયદ્વિપ' તરીકે જાણીતું હતું. વાસ્તવમાં તેની પશ્ચિમ બાજુએથી જમલયાનીલ (મોન્સૂન વીન્ડઝ) શરૂ થઈ ભારત તરફ આવે છે. તેનું તે યુગના (પ્રાચીન યુગના) ભારતીઓને જ્ઞાન હતું જ તેથી તે દ્વિપ સમુદ્રનું નામ જ 'મલયદ્વિપ' રખાયું જેનું અપભ્રંશ જ 'માલદીવ' છે, તે યાદ પ્રમુખ મોઈજ્જુને અને તેમના મંત્રીઓને આપવાની જરૂર છે.
સૌથી વધુ આઘાતજનક વાત તે છે કે માલદીવના પ્રમુખ મોઈજ્જુ ચીનની મુલાકાતે રવાના થઈ ગયા છે.