Get The App

સીરિયામાં સત્તાપલટા બાદ નવા વડાપ્રધાન તરીકે 'એન્જિનિયર' અલ બશીરની નિમણૂક, જાણો તેમના વિશે

Updated: Dec 11th, 2024


Google NewsGoogle News
સીરિયામાં સત્તાપલટા બાદ નવા વડાપ્રધાન તરીકે 'એન્જિનિયર' અલ બશીરની નિમણૂક, જાણો તેમના વિશે 1 - image


Syria's New interim Prime Minister Mohamed al-Bashir: સીરિયામાં બશર અલ-અસદ શાસનના પતન પછી ચર્ચા ચાલી હતી કે હવે ત્યાંની સત્તા કોના હાથમાં જશે. સવાલનો જવાબ 10 ડિસેમ્બરના રોજ મળી ગયો છે. બળવાખોરોએ મોહમ્મદ અલ-બશીરને સીરિયાના વચગાળાના વડાપ્રધાન નિયુક્ત કર્યા છે. તેઓ 1 માર્ચ, 2025 સુધી વડાપ્રધાન તરીકે સેવા આપશે. 

આ પણ વાંચો : ચીન બોર્ડર પર ATV થી પેટ્રોલિંગ કરશે ભારતીય સૈન્ય, આવું એક દમદાર વ્હિકલ ગુજરાતમાં પણ તહેનાત

કોણ છે મોહમ્મદ અલ-બશીર?

મોહમ્મદ અલ-બશીરનો જન્મ 1986માં ઈદલિબના જબલ ઝાવિયા પ્રદેશમાં થયો હતો. તેમણે એન્જિનિયરિંગ, કાયદાશાસ્ત્ર અને વહીવટી આયોજન જેવા ક્ષેત્રોમાં અભ્યાસ કર્યો છે. 2007 માં તેમણે એલેપ્પો યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવી હતી. અંગ્રેજી ભાષા શીખવા માટે તેમણે વિશેષ અભ્યાસ કર્યો હતો. 2021 માં તેમણે યુનિવર્સિટી ઓફ ઈદલિબમાંથી શરિયા કાનૂન વિષયમાં ડિગ્રી પણ મેળવી હતી. અભ્યાસ કર્યા બાર તેમણે સીરિયન ગેસ કંપની સાથે જોડાયેલા ગેસ પ્લાન્ટમાં એન્જિનિયર તરીકે કામ કર્યું હતું. 

સરકારી નોકરી છોડીને બન્યા બળવાખોર

2011 માં અસદ સરકાર વિરુદ્ધ બળવો થયો એ પછી બશીરે સરકારી સંસ્થાની નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું અને બળવાખોરો સાથે જોડાઈ ગયા હતા. 2022 અને 2023 ની વચ્ચે બળવાખોર સરકારમાં તેઓ વિકાસ અને માનવતાવાદી બાબતોના પ્રધાન રહ્યા હતા. જાન્યુઆરી 2024 માં તેઓ સાલ્વેશન ગવર્નમેન્ટની શુરા કાઉન્સિલ દ્વારા વડાપ્રધાન તરીકે ચૂંટાયા હતા. તેમના કાર્યકાળમાં ઈ-ગવર્નમેન્ટ અને સરકારી સેવાઓના ઓટોમેશનને પ્રાથમિકતા આપવામાં આવી હતી.

સીરિયાના 70 મા વડાપ્રધાન બન્યા

સીરિયામાં સત્તા પરિવર્તન લાવનાર HTS (હયાત તહરિર અલ-શામ) સાથે સંકળાયેલ ‘સીરિયન સાલ્વેશન ગવર્નમેન્ટ’ના વડાપ્રધાન તરીકે તેમણે દેશની ધૂરા સંભાળી છે. તેઓ સીરિયાના 70 મા વડાપ્રધાન બન્યા છે.

આ પણ વાંચો : હિન્દુઓ પર 88 હુમલા થયાનું બાંગ્લાદેશે સ્વીકાર્યું, નારાજ ભાજપ નેતાની 'એરસ્ટ્રાઇક'ની ધમકી

જનતાને સંબોધિત કરી 

વડાપ્રધાન બન્યા બાદ મોહમ્મદ અલ-બશીરે સરકારી ટેલિવિઝનના માધ્યમથી સીરિયાની જનતાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેઓ 1 માર્ચ, 2025 સુધી વચગાળાની સરકારનું નેતૃત્વ કરશે. અમે કેબિનેટની બેઠક યોજી હતી જેમાં ઈદલિબ અને તેની આસપાસના વિસ્તારોમાં કામ કરતી સાલ્વેશન સરકારની એક ટીમ અને હાંકી કાઢવામાં આવેલા શાસનની સરકારના સભ્યો મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, બેઠકમાં મહત્ત્વપૂર્ણ ફાઈલો અને સત્તાના હસ્તાંતરણ અંગે ચર્ચા થઈ હતી.

વચગાળાની સરકાર તો નિમાઈ ગઈ, પણ સીરિયામાં બધું થાળે પડશે કે પછી કોઈ નવું ઊંબાડિયું ચંપાશે, એ તો સમય જ કહેશે.


Google NewsGoogle News