USAમાં જન્મની સાથે મળતી નાગરિકતા ખતમ: H1B વિઝા અને ગ્રીન કાર્ડ હોલ્ડર્સ પર પડશે અસર?
Image: Facebook
Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેમની સરકાર હવે ગેરકાયદેસર રીતે દેશમાં ઘૂસનાર લોકોના દેશમાં જન્મેલા બાળકોને અમેરિકન નાગરિક માનશે નહીં. ટ્રમ્પે રાષ્ટ્રપતિ બનવાની સાથે જ કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરીને જન્મથી મળનાર નાગરિકતાને ખતમ કરી દીધી છે. તેમનો આ નિર્ણય બંધારણમાં આપવામાં આવેલા અધિકારો વિરુદ્ધ છે અને તેને કોર્ટમાં પડકાર મળવાનું નક્કી છે. અમેરિકામાં છેલ્લા 150 વર્ષોથી દેશમાં જન્મેલા બાળકોને નાગરિકતા આપવામાં આવતી રહી છે.
કાર્યકારી આદેશમાં ટ્રમ્પે કહ્યું કે 'હું બંધારણના 14માં સુધારાની વ્યાખ્યા પહેલાની જેમ કરવાનો નથી. આ સુધારાનો ક્યારેય એ અર્થ નહોતો કે અમેરિકામાં જન્મેલી દરેક વ્યક્તિ નાગરિકતા મેળવી શકે. જો જન્મ લેનાર બાળકના પેરેન્ટ્સ અમેરિકામાં રહેવા માટે અધિકૃત નથી, તો તેને નાગરિકતા મળશે નહીં. ટ્રમ્પ લાંબા સમયથી કહેતાં આવી રહ્યાં છે કે તે નથી ઈચ્છતાં કે ગેરકાયદેસર પ્રવાસીઓના બાળકોને અમેરિકાની નાગરિકતા આપવામાં આવે.
નવા આદેશની અસર કોની પર પડશે?
અમેરિકામાં લાખો ભારતીય રોજગાર આધારિત ગ્રીન કાર્ડ મેળવવા માટે વર્ષોથી રાહ જોઈ રહ્યાં છે. આ કાર્યકારી આદેશના 30 દિવસ બાદ જો કોઈ બાળકોના માતા અસ્થાયી વિઝા (જેમ કે વિજિટર વિઝા, H-4 કે વર્ક વિઝા) પર અમેરિકામાં છે અને પિતા અમેરિકી નાગરિક કે ગ્રીન કાર્ડ હોલ્ડર નથી તો બાળકને આપમેળે અમેરિકી નાગરિકતા મળશે નહીં. મોટા ભારતીય નાગરિક H-1B વિઝાના માર્ગે અમેરિકા જાય છે અને આ રૂટથી જવા પર ગ્રીન કાર્ડ માટે લાંબી રાહ પણ જોવી પડે છે.
રિસર્ચ દ્વારા 2022ની અમેરિકાની વસતી ગણતરીના વિશ્લેષણ અનુસાર અમેરિકામાં લગભગ 48 લાખ ભારતીય-અમેરિકી રહે છે. તેમાંથી 34% એટલે કે 16 લાખનો જન્મ અમેરિકામાં થયો છે. આ રીતે તે જન્મ થતાં જ અમેરિકાના નાગરિક બની ગયા. વર્તમાનમાં જે બાળકો અમેરિકામાં જન્મ્યા નથી અને તેમના પરિવાર ગ્રીન કાર્ડ માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં છે. તેમને 21 વર્ષના થતાં જ આપમેળે અમેરિકા છોડવું પડતું કે પછી સ્ટુડન્ટ વિઝા જેવા કોઈ બીજા વિઝા મેળવવા પડે છે.
જન્મથી મળનાર નાગરિકતાના કારણે તે ભારતીયોને રાહત મળે છે, જે લાંબા સમયથી ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યાં છે પરંતુ તેમના બાળકનો જન્મ અમેરિકામાં થયો છે. આ રીતે તે અમેરિકાના નાગરિક બની ચૂક્યા છે. ઘણી વખત એવું પણ જોવા મળતું હતું કે બાળક પોતે જ પોતાના માતા-પિતાને સ્પોન્સર કરી દેતાં હતાં, જેનાથી તેમના માટે ગ્રીન કાર્ડ મેળવવું સરળ બની જતું હતું. જોકે, વર્તમાન નિયમો લાગુ થયા બાદ બાળકો માટે નાગરિકતા મેળવવી મુશ્કેલ થઈ ગઈ છે.
માતા-પિતાને સ્પોન્સર કરી શકશે નહીં બાળકો
એક વકીલના જણાવ્યું કે 'જો માતા-પિતા બંને નોન-ઈમિગ્રેન્ટ સ્ટેટસમાં અમેરિકામાં છે, જેમ કે H-1B અને H-4 (ડિપેન્ડેન્ટ વિઝા) સ્થિતિમાં, તો ટ્રમ્પના આદેશ બાદ વિદેશ મંત્રાલય બાળકને અમેરિકી પાસપોર્ટ જારી કરશે નહીં કેમ કે તેમને હવે 'અમેરિકાના અધિકાર વિસ્તારના આધિન' માનવામાં આવશે નહીં. આ આદેશને નક્કી રીતે કોર્ટમાં પડકાર આપવામાં આવશે પરંતુ મને લાગે છે કે ટ્રમ્પ સરકાર આને સુપ્રીમ કોર્ટ સુધી લઈ જશે. એ આશામાં કે મોટાભાગના રૂઢિવાદી જસ્ટિસ રાષ્ટ્રપતિના 14માં સુધારાની નવી વ્યાખ્યાથી સહમત થઈ શકે છે.'
તેમણે આગળ કહ્યું 'જો કોર્ટો ટ્રમ્પની વ્યાખ્યાથી સહમત થાય છે તો ભવિષ્યમાં અમેરિકામાં જન્મેલા H-1B અને H-4 નોન-ઈમિગ્રેન્ટ્સના બાળકોને અમેરિકી નાગરિક તરીકે માન્યતા આપવામાં આવશે નહીં. આનો એક વ્યાપક પ્રભાવ પડશે. ઘણા ભારતીય 100 વર્ષના રોજગાર સાથે જોડાયેલા ગ્રીન કાર્ડ બેકલોગમાં ફસાયેલા છે અને તેટલા માટે તેમની એકમાત્ર આશા એ હતી કે અમેરિકામાં જન્મેલા તેમના બાળક 21 વર્ષની ઉંમર થવા પર તેને સ્પોન્સર કરે જે હવે શક્ય હશે નહીં.'