બ્રિકસ શિખર પરિષદ પુર્વ મોદી-પુતિન વચ્ચે ભાવવાહી વાતચીત : યુક્રેન પર ધ્યાન કેન્દ્રિત કરાયું
- વિમાનગૃહે રેડ-કાર્પેટ ગાર્ડ ઓફ ઓનરથી મોદીનું સ્વાગત
- કાઝાન સાથે ભારતને ઐતિહાસિક સંબંધ છે : આ સુંદર શહેરમાં ભારત તેનું ઉપ-દુતાવાસ ખોલવા તૈયાર છે : વડાપ્રધાન મોદી
કાઝાન : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બ્રિકસ શિખર મંત્રણામાં ભાગ લેવા અહીં આવી પહોંચ્યા ત્યારે વિમાનગૃહે રશિયાના ઉચ્ચ અધિકારીઓએ તેઓનું સ્વાગત કર્યું હતું. મોદીના માનમાં રેડ-કાર્પેટ બિછાવવામાં આવી રહી હતી તે પછી તેઓને ''ગાર્ડ ઓફ ઓનર'' આપવામાં આવ્યું હતું. એરપોર્ટ ઉપરથી તેઓ જે હોટલમાં ગયા ત્યાં રશિયન ગાયકોએ કૃષ્ણભજન દ્વારા તેઓનું સ્વાગત કર્યું. જ્યારે ભારતવાસીઓ પૈકી યુવાઓએ ભારત નાટયમ દ્વારા તેઓનું સ્વાગત કર્યું. જ્યારે અન્ય ભારતીઓએ મીઠાઈ આપી હતી. ભારતના રાજદુત વિજયકુમાર ત્યારે ઉપસ્થિત હતા.
વડાપ્રધાન પરિષદ પ્રથમ પહોંચ્યા ત્યારે પ્રમુખ પુતિન તેઓને ભેટયા હતા. અને પરિષદના પ્રારંભ પુર્વે બંને નેતાઓએ અલગ ખંડમાં મંત્રણા કરી હતી. જેમાં મુખ્ય મુદ્દો યુક્રેન યુદ્ધ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. વડાપ્રધાન મોદીએ પુતિનને તેમ કહ્યું હોવાનું જાણવા મળ્યું છે કે યુક્રેન-યુદ્ધનો ઉકેલ લાવવામાં તેઓ પોતાની ભૂમિકા ભજવવા તૈયાર છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, રશિયા અને યુક્રેન સંઘર્ષમાં શાંતિ સ્થાપવા માટે અમે બંને દેશોના સંપર્કમાં છીએ. અમારું સ્પષ્ટ મંતવ્ય છે કે, વિવાદોનું સમાધાન માત્ર શાંતિપૂર્ણ જ નીકળી શકે, ત્યાં વહેલીમાં વહેલી તકે શાંતિ અને સ્થિરતા સ્થાપવાના દરેક પ્રયત્નોને અમે સમર્થન આપીએ છીએ. રશિયા અને ભારતના સંબંધો ઝડપથી વિકસી રહ્યા છે. મોસ્કો બ્રિકસમાં ભારતની ભૂમિકાની પ્રશંસા કરે છે. વાસ્તવમાં ભારતે જ રશિયા સાથે મળેલ આ જુથની સ્થાપના કરી છે. તેમાં હવે પાંચ નવા સભ્યો જોડાયા છે. આ સાથે વિશ્વની ૪૧ ટકા વખત આ જુથમાં જોડાઈ છે. વિશ્વ અર્થતંત્રમાં તેનું પ્રદાન ૨૫ ટકા જેટલું છે. વિશ્વ વ્યાપારમાં આ દસ દેશોનું પ્રદાન ૧૮ ટકાથી વધુ છે.
બ્રિકસમાં બ્રાઝિલ, રશિયા, ઈંડિયા, ચાયના, સાઉથ આફ્રિકા મૂળ રાષ્ટ્રો છે. તેમાં ઈજીપ્ત, ઈથોપીયા, ઈરાન, સાઉદી અરબસ્તાન, સંયુક્ત આરબ અમીરથ જાન્યુ. ૨૦૨૪ થી જોડાયા છે. તેમને બ્રિકસમાં જોડવામાં ભારતનું બહુ મોટું પ્રદાન છે.