ખુન્નસે ભરાયેલાં ચીને તાઈવાન ફરતી શિક્ષાત્મક વૉર ગેઇમ્સ શરૂ કરી દીધી
- ચીની મીડિયાએ નવ નિર્વાચિત પ્રમુખ લાઈ ચિંગ તેની ઉગ્ર ટીકા કરી તેને ચીન મીડિયાએ વિભાજનવાદી કહ્યા તેમનાં પ્રવચનને ખતરનાક કહી દીધું
બૈજિંગ, તાઈપી : ખુન્નસે ભરાયેલાં ચીને તાઈવાન ફરતી શિક્ષાત્મક વૉર ગેઇમ્સ શરૂ કરી દીધી છે. તાઈવાનની અલગતાવાદી પ્રવૃત્તિને ડામવા તેને ડરાવવાના હેતુથી, શસ્ત્રાસ્ત્રોથી લદાયેલાં યુદ્ધ વિમાનો ઉડાડવાં શરૂ કરી દીધાં છે, સાથે તાઈવાન ફરતાં (તેની જળસીમાને સ્પર્શે તે રીતે) પ્રબળ યુદ્ધ નૌકાઓ ગુરૂવારથી ટાપુ રાષ્ટ્ર ફરતે ઘુમાવવી શરૂ કરી દીધી છે.
તાઈવાનના નવ નિર્વાચિત પ્રમુખ લાઇ-ચિંગ-તે એ શપથ ગ્રહણ પછી કરેલાં પ્રવચનમાં તેઓએ તાઈવાનનાં સંપૂર્ણ સાર્વભૌમત્વ અને તેનાં રક્ષણની કરેલી વાતથી તપભૂમિ સામ્યવાદી ચીન ઝનૂને ભરાયું છે. તેઓએ શપથ લીધા પછી ત્રીજા જ દિવસે ચીન જેને શિક્ષાત્મક વૌર ગેઇમ્સ કહે છે તે શરૂ કરી દીધી છે. તેણે તાઈવાનની સમુદ્રધુનિ ઉપર તેમજ તે સમુદ્રધુનિમાં રહેલા તાઈવાનના ટાપુઓ ઉપરથી ભારે શસ્ત્રો ભરેલાં યુદ્ધ વિમાનો ઉડાડી રહ્યું છે. આશ્ચર્ય તો તે છે કે તાઈવાન તથા તેના કબ્જામાં રહેલા ટાપુઓમાં રહેતા લોકો તેથી જરા પણ ગભરાયા નથી કે ડર્યા પણ નથી. તેઓ કહે છે. ચીન તો આવું વારંવાર કરે છે. તેથી અમને શો ફેર પડે છે.
આમ છતાં તાઈવાને સંરક્ષણ માટેની પૂરી તૈયારીઓ કરી લીધી છે. તાઈએ પોતાનાં પ્રવચનમાં જ ચીનને ડરાવવાની નીતિનો ભાગ કરવા કહી દીધું હતું. સાથે ટાપુ રાષ્ટ્રનાં સાર્વભૌમત્વની સંપૂર્ણ સુરક્ષા કરવાનું પણ શપથપૂર્વક જણાવી દીધું હતું. સાથે કહ્યું હતું કે ચીને હાથ ધરેલી આવી મોકડ્રીલ્સ યુદ્ધ ખોર માનસને જ છતું કરે છે. તેઓએ વધુમાં કહ્યું અમારા દેશની સ્વતંત્રતા, તેમની સાર્વભૌમત્વ અંગે તાઈવાનની ૨ કરોડ ૩૦ લાખની જનતા જ નિર્ણય લઇ શકે. આ સામે ચીને કહ્યું કે તાઈવાનનુંભાવિ તો ચીનની એક અબજ અને ૪૦ કરોડની જનતા જ નિર્ણય લઇ શકે.
નિરીક્ષકો કહે છે કે ચીનની સામે તાઈવાનનું રક્ષણ કરવા વિશ્વની પ્રથમ મહાસત્તા અમેરિકા કટિબધ્ધ છે. તેની સાથે તેના સાથી રાષ્ટ્રો પણ તેટલાં જ કટિબધ્ધ છે. તાઈવાને ચીનથી ડરવાની જરૂર નથી.