Israel-Hamas war| ઈલોન મસ્કની યહૂદીવિરોધી ટિપ્પણી 'X'ને ભારે પડી, સાડા સાત કરોડ ડૉલરનો ફટકો
મસ્ક પર યહૂદી વિરોધી હોવાનો આરોપ લાગ્યો
ઘણી મોટી કંપનીઓએ X પર માર્કેટિંગ બંધ કરવાનો નિર્ણય કરી લીધો
Elon Musk Anti Semitic post News | ઈલોન મસ્કની સોશિયલ મીડિયા કંપની એક્સને આ વર્ષના અંત સુધીમાં આશરે સાડા સાત કરોડ ડોલરનું નુકસાન થઇ શકે છે. હકીકતમાં આ નુકસાન કંપનીની જાહેરાતની આવકમાં થશે. કેમ કે એક્સ પર ઘણી બધી કંપનીઓએ પોતાના માર્કેટિંગ કેમ્પેઈન પર રોક લગાવી દીધી છે. અહેવાલ અનુસાર એલન મસ્કની એક ટ્વિટને પગલે નુકસાન થવાની શક્યતા છે, જેને લઈને મસ્ક પર યહૂદી વિરોધી હોવાનો આરોપ લાગ્યો છે. ઘણી મોટી કંપનીઓએ X પર માર્કેટિંગ બંધ કરવાનો નિર્ણય કરી લીધો છે.
એક ટ્વિટ અને થયું જંગી નુકસાન
ઈલોન મસ્કે હાલમાં જ એક યહૂદી વિરોધી સોશિયલ મીડિયા પોસ્ટનું સમર્થન કર્યું હતું. જેના કારણે મસ્ક પર યહૂદી વિરોધને પ્રોત્સાહન આપવાનો આરોપ લાગ્યો હતો. અમેરિકી સરકારે પણ તેની ટીકા કરી હતી. હવે સમાચાર આવી રહ્યા છે કે વોલ્ટ ડિઝની અને વોર્નર બ્રધર્સ વગેરે સહિત ઘણી મોટી કંપનીઓએ X પર તેમની માર્કેટિંગ ઝુંબેશ બંધ કરી દીધી છે. અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ અઠવાડિયે જ 200થી વધુ એડ યુનિટ્સ બંધ કરવામાં આવ્યા છે, જેમાં Airbnb, Amazon, Coca Cola અને Microsoft જેવી મોટી કંપનીઓની જાહેરાત સામેલ છે.
X દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા
માનવામાં આવી રહ્યું છે કે કંપનીની 1.1 કરોડ ડોલરની આવક પર સંકટ ઉભું થયું છે અને આ આંકડો વધી અથવા ઘટી શકે છે. અમુક કંપનીઓ માર્કેટિંગ બંધ કરી દીધું છે તે ફરી ચાલુ પણ કરી શકે છે.આ દરમિયાન Xએ મીડિયા વોચડોગ જૂથ મીડિયા મેટર્સ પર દાવો માંડ્યો છે. Xનો આરોપ છે કે મીડિયા મેટર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xને બદનામ કરી રહ્યું છે. વાસ્તવમાં, મીડિયા મેટર્સે એક અહેવાલ ચલાવ્યો હતો જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે એપલ અને ઓરેકલ વગેરે જેવી ઘણી મોટી બ્રાન્ડ્સ એડોલ્ફ હિટલર અને નાઝી પાર્ટી સાથે સંબંધિત પોસ્ટની નજીક પ્રદર્શિત કરવામાં આવી હતી. જ્યારથી ઈલોન મસ્ક એ એક્સને હસ્તગત કરી છે ત્યારથી એક્સની જાહેરાતની આવકમાં ઘટાડો થયો છે. આ મસ્ક દ્વારા કન્ટેન્ટ મોડરેશન ઘટાડવાના કારણે X પર દ્વેષપૂર્ણ પોસ્ટ્સની સંખ્યામાં વધારો થયો છે.
શું હતો સમગ્ર મામલો ?
એલન મસ્કે એક પોસ્ટ પર પોતાની સહમતી દર્શાવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે યહૂદી લોકો શ્વેત લોકો પ્રત્યે દ્વંદ્રાત્મક ઘૃણા રાખે છે. મસ્કે જવાબ આપ્યો હતો કે "તમે બિલકુલ સાચું કહ્યું છે". એલન મસ્કના આ રીપ્લાય બાદ કંપનીઓએ પોતાની જાહેરાત રોકી દીધી હતી.