ઈલોન મસ્ક DOGEમાંથી રાજીનામું આપશે, કેબિનેટ સભ્યો સમક્ષ ટ્રમ્પની જાહેરાત
Elon Musk Will Resign : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંત્રીમંડળના સભ્યો અને અન્ય નજીકના સભ્યોને કહ્યું છે કે, ‘કેબિનેટના સાથી ઈલોન મસ્ક સરકારમાં એટલે કે DOGEના પ્રમુખ પદેથી ટૂંક સમયમાં રાજીનામું આપી દેશે.’ ટ્રમ્પ વહિવટીતંત્રના આંતરીક સૂત્રોના જણાવ્યા મુજબ, ટ્રમ્પ મસ્કના કામકાજથી ખુશ છે અને તેમણે મસ્કે સરકારી કાર્યક્ષમતા વિભાગ (OGE)માં કરેલા પ્રયાસોના વખાણ કર્યા છે. જોકે બંનેએ નિર્ણય લીધો છે કે, હવે મસ્ક DOGEની જવાબદારી છોડીને પોતાનો બિઝનેસ સંભાળશે. જોકે મસ્ક ક્યારે રાજીનામું આપશે, તેની માહિતી સામે આવી નથી.
ટ્રમ્પે ટેસ્લા અને સ્પેસએક્સના CEO મસ્કને એક વિશેષ સરકારી કર્મચારીનો કાર્યભાર સોંપ્યો હતો અને તેમને સરકારી ફન્ડિંગમાં કપાત કરવાની તેમજ વિવિધ અમેરિકન એજન્સીઓ બંધ કરવાના પ્રયાસોનું નેતૃત્વ કરવાનું કામ સોંપ્યું હતું. સૂત્રો મુજબ, વ્હાઈટ હાઉસના પ્રતિનિધિઓ કે પછી મસ્કના આગેવાની હેઠળના ટાસ્ટ ફોર્સનો સભ્ય અથવા ખુદ મસ્કે રાજીનામા અંગે કોઈ જવાબ આપ્યો નથી.
મસ્કનો કાર્યકાળ 20 મેના રોજ પૂર્ણ થશે
વ્હાઇટ હાઉસના નિયમાનુસાર, મસ્કનો કાર્યકાળ 20 મેના રોજ પૂર્ણ થાય છે. અમેરિકામાં કોંગ્રેસ દ્વારા 1962માં બનાવવામાં આવેલા નિયમાનુસાર, સ્પેશિયલ ગવર્નમેન્ટ એમ્પ્લોયીનો હોદ્દો, સમય મર્યાદા નિર્ધારિત છે. તેઓ 365 દિવસમાંથી મહત્તમ 130 દિવસ જ એક્ઝિક્યુટીવ શાખામાં કામ કરી શકે છે. તેઓ સરકારના સલાહકાર, એડવાઈઝરી બોર્ડ મેમ્બર તરીકે કામ કરે છે. તેમનો દરજ્જો તેમને ચોક્કસ નાણાકીય જાહેરાત આવશ્યકતાઓને અવગણવાની મંજૂરી આપે છે. આ સ્થાપિત નિયમ હોવા છતાં, વ્હાઇટ હાઉસના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી હેરિસન ફિલ્ડ્સે સ્પષ્ટતા કરી છે કે, મસ્કનો કાર્યકાળ જરૂરીયાત મુજબ 130 દિવસ સુધી મર્યાદિત રહેશે નહીં. રાષ્ટ્રપ્રમુખે ઈલોન મસ્કને ફેડરલ સરકારનો કચરો, છેતરપિંડી અને દુરુપયોગને દૂર કરવાનું કામ સોંપ્યું છે, આ મિશન જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી ચાલુ રહેશે.
ટ્રમ્પની ટીમના કેટલાક સાથીઓ મસ્કથી નારાજ
રિપોર્ટ મુજબ, ટ્રમ્પ વહિવટીતંત્રના કેટલાક સભ્યો અને રાષ્ટ્રપતિના કેટલાક સહયોગીઓ ઈલોન મસ્કના કામકાજથી અસ્તુષ્ટ હતા. તેઓ મસ્કને રાજકીય બોઝ સમજતા હતા. 26 ફેબ્રુઆરીના રોજ મસ્કના જ વિભાગ ડોજેના 21 કર્મચારીઓએ રાજીનામું આપી દીધું હતું. આ પહેલા પણ 40 લોકો ડોજે છોડી ચૂક્યા છે. આ કર્મચારીઓએ સંયુક્ત રીતે લખેલા પત્રમાં કહ્યું હતું કે, અમે અમેરિકન પ્રજાની સેવા કરવાના હેતુથી આ સરકારી વિભાગમાં જોડાયા હતા. અમે તેના માટે માઇક્રોસોફ્ટ, ગૂગલ, એપલ જેવી કંપનીઓમાંથી અમારી ઊંચા પગારની ટેકનોલોજીકલ જોબ છોડી હતી. અમેરિકન પ્રજાના જીવનધોરણ સ્તરને ઊંચે લાવવા અને ટેકનોલોજીલક્ષી અભિગમ વિકસાવવા અમે સરકાર સાથે જોડાયા હતા.
મસ્કના રાજીનામા બાદ DOGE ટીમનું શું થશે?
મસ્ક DOGE છોડી દે પછી DOGEની ટીમનું શું થશે એ મોટો સવાલ છે. અત્યારે DOGEની કોર ટીમમાં આરમ મોઘાદાસ્સી, સ્ટીવ ડેવિસ, બ્રેડ સ્મિથ. એન્થની આર્મસ્ટ્રોંગ જે ગેબ્બિયા, ટોમ ક્રોઝ અને ટાયલર હસ્સેન એમ 7 લોકો છે. આ બધાં પાસે પોતપોતાની ટીમો પણ છે, તેથી DOGE માટે 100 કરતાં વધારે લોકો કામ કરે છે. આ લોકોના કારણે અમેરિકાના 1 લાખથી વધારે સરકારી કર્મચારીઓએ પોતાની નોકરી ગુમાવી છે તેથી મસ્કની જેમ આ ટીમ તરફ પણ લોકોને આક્રોશ છે. મસ્કની કોર ટીમમાંથી મોટા ભાગના લોકો એવા છે કે, જે પહેલાં મસ્કની કંપનીમાં કામ કરતા હતા અથવા કોઈ રીતે તેની કંપની સાથે જોડાયેલા હતા. મોટા ભાગના અતિ ધનિક છે. ટાયલર હસ્સેન ઓઈલ કંપનીમાં એક્ઝીક્યુટિવ હતો ને અત્યારે ગૃહ મંત્રાલયના ખર્ચા ઘટાડવા પર કામ કરી રહ્યો છે. એન્થની આર્મસ્ટ્રોંગ પહેલાં મોર્ગન સ્ટેનલીમાં બેંકર હતો. અત્યારે પર્સનલ મેનેજમેન્ટમાં ખર્ચ ઘટાડવા પર કામ કરી રહ્યો છે. એરબીએનબીનો કો-ફાઉન્ડર જો ગેબ્બિયા રીટાયરમેન્ટ સિસ્ટમમાં સુધારા પર લાગેલો છે તો ક્લાઉડ સોફ્ટવેર ગુ્રપનો સીઈઓ ટોમ ક્રોઝ સરકાર દ્વારા થતી ચૂકવણીઓનું ઓડિટ કરાવે છે. સ્ટીવ ડેવિસ ચીફ ઓપરેટિવ ઓફિસર છે. સ્ટીવ સ્પેસએક્સમાં કામ કરી ચૂક્યો છે અને એક્સમાં ભાગીદાર છે. આરમ મોગાદ્દાસ્સી સોફ્ટવેર એન્જિનિયર છે કે જે સોશિયલ સીક્યુરિટી પર કામ કરે છે. આરમ પણ પહેલાં એક્સમાં હતો. સેન્ટર્સ ફોર મેડિકેર એન્ડ મેડિકેઈડ સર્વિસિસમાં કામ કરી ચૂકેલો બ્રેડ સ્મિથ હેલ્થ સેવા પર કામ કરે છે.
આ પણ વાંચો : ISROની અદભૂત સફળતા ! દેશભરના લોકો માટે ઉપયોગી ટેકનોલોજી શોધી
મસ્કની કંપનીઓના શેરમાં ઉછાળો
મસ્કના ટ્રમ્પ વહીવટીતંત્ર છોડવાના અહેવાલ બાદ સરકારી કોન્ટ્રાક્ટ કરતી કંપનીઓ સહિત કેટલીક કંપનીઓના શેરમાં ઉછાળો થયો છે. મસ્કના ટેસ્લાના શેર પ્રથમ ત્રિમાસિક ગાળામાં ટ્રેડિંગમાં 2% નીચે હતા, જોકે તે હવે 3% ઉપર આવી ગયા છે.