દુનિયાના નકશામાંથી 'ગાયબ' થઈ જશે આ દેશ, ઈલોન મસ્કે કરી ડરામણી ભવિષ્યવાણી! જાણો કારણ
Elon Musk Tweet on Singapore: વિશ્વના અનેક દેશોમાં વસ્તીનું પ્રમાણ ઘટી રહ્યું છે. ઘણા દેશોમાં પ્રજનન દર પણ ઘટી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં વિશ્વના ટોચના ધનિક ઈલોન મસ્કે ટ્વિટ કરી ચિંતા વ્યક્ત કરી છે. તેમજ આ સમસ્યાઓનો સામનો કરી રહેલા દેશો આગામી સમયમાં વિશ્વના નકશામાંથી ગાયબ થઈ જવાની ભીતિ પણ વ્યક્ત કરી છે.
સિંગાપોર વિશ્વના નકશામાંથી થશે ગાયબ
ઈલોન મસ્કે ટ્વિટ કર્યું છે કે, ‘સિંગાપોર (અને અન્ય ઘણાં દેશ) ગુમ થઈ રહ્યું છે.’ ઉલ્લેખનીય છે, સિંગાપોરમાં વધતી વરિષ્ઠોની સંખ્યા, ઘટતો શ્રમિક દરના કારણે ફેક્ટરીઓથી માંડી ફૂડ ડિસ્ટ્રિબ્યૂશન સેવાઓમાં રોબોટનો ઉપયોગ થઈ રહ્યો છે. 2023 સુધી સિંગાપોરની 25 ટકા વસ્તી 65 વર્ષથી વધુ હશે. બીજી તરફ સિંગાપોરનો પ્રજનન દર 0.97 પર પહોંચ્યો છે. જ્યારે ત્યાંની વસ્તીનું સંતુલન જાળવવા માટે 2.1નો પ્રજનન દર જરૂરી છે.
વસ્તી ઘટતાં રોબોટ તરફ ડાયવર્ઝન
ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ રોબોટિક્સ અનુસાર, સિંગાપોરમાં પ્રત્યેક 10 હજાર કર્મચારીઓ સામે રોબોટની સંખ્યા 770 છે. જેના લીધે સિંગાપોરમાં દરેક જગ્યાએ રોબોકોપ, રોબો-ક્લિનર, રોબો-વેટર, અને રોબો-ડોગની સંખ્યા વધી છે. આ સાથે સિંગાપોર વિશ્વમાં સૌથી વધુ રોબોટનો ઉપયોગ કરતો ટોચનો બીજો દેશ બન્યો છે.
વિશ્વનો પ્રજનન દર 50 ટકા ઘટ્યો
એક સર્વે અનુસાર, છેલ્લા 50 વર્ષમાં વિશ્વનો પ્રજનન દર 50 ટકા ઘટ્યો છે. 1970ના દાયાકા સુધી દક્ષિણ કોરિયા, જાપાન અને ચીન જેવા દેશોમાં એક મહિલા સરેરાશ પાંચથી વધુ બાળકોને જન્મ આપતી હતી. પરંતુ હવે આ દેશોમાં એક મહિલા સરેરાશ એક બાળકને પણ જન્મ આપી રહી નથી. સિંગાપોર સરકારે કંપનીઓને ઘરડા લોકોને કામ આપવા અપીલ કરી છે. તેમજ રોબોટનો ઉપયોગ વધારવા પર પણ ફોકસ કરી રહી છે.
દક્ષિણ કોરિયામાં ઈનામની રજૂઆત
દક્ષિણ કોરિયામાં મહિલાઓને વધુ બાળકો પેદા કરવા માટે રોકડ ઈનામ અપાઈ રહ્યા છે. સરકારી યોજના અનુસાર, 2022માં દક્ષિણ કોરિયામાં બાળકોને જન્મ આપવા બદલ મહિલાઓને ડિલિવરી પહેલાં થતા તમામ ખર્ચ પેટે 1850 ડોલર (રૂ. 157000)નું રોકડ ઈનામ આપે છે.
પ્રજનન દર શું છે?
પ્રજનન દર એટલે બાળકને જન્મ આપવાનો દર. જેમાં એક મહિલા દ્વારા કેટલા બાળકો પેદા થાય છે, તેનો આંકડો ધ્યાનમાં લઈ તેની સરેરાશ કાઢવામાં આવે છે.