ટ્રમ્પની સરકાર બન્યા પહેલા જ મસ્ક સાથે ડખા શરુ! ડિનર ટેબલ પર જ થઈ ગયો ઝઘડો
Team Trump Clashed: અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ લીધા પહેલા જ તેમની ટીમમાં આંતરકલહના અહેવાલો સામે આવવા લાગ્યા છે. અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટેક બિલિયોનર અને એક્સના માલિક ઇલોન મસ્ક અને ટ્રમ્પના જૂના નજીકના સહયોગી અને સલાહકાર બોરિસ એપસ્ટેઇન વચ્ચે મંત્રીઓની પસંદગીને લઈને વિવાદ છેડાઈ ગયો છે. રિપોર્ટ્સ અનુસાર બંને વચ્ચે તણાવ એ હદે પહોંચી ગયો હતો કે ડિનર ટેબલ પર બંનેનો ઝઘડો થઈ ગયો હતો.
મસ્કના ઝડપથી વધતા કદના કારણે ટ્રમ્પના જૂના સહયોગી પરેશાન
અમરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી બાદથી ઇલોન મસ્ક ખૂબ જ શક્તિશાળી તરીકે ઉભરી આવ્યા છે. તે ઘણીવાર ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જોવા મળે છે. નવી સરકારમાં પણ ઇલોન મસ્ક નવી અને પ્રભાવશાળી ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. જેના કારણે ટ્રમ્પના જૂના અને વિશ્વાસુ સહયોગીઓ ચિડાઈ જવા લાગ્યા છે. મસ્કનું ઝડપથી વધતું કદ ટ્રમ્પના જૂના સહયોગીઓને પરેશાન કરે છે.
ડિનર ટેબલ પર જ થઈ ગયો ઝઘડો
મીડિયા અહેવાલ મુજબ, ગયા અઠવાડિયે બુધવારે માર-એ-લાગોની એક ક્લબમાં ડિનર દરમિયાન વિવાદ પ્રકાશમાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, માર-એ-લાગો ખાતે ડિનર ટેબલ પર જ્યારે મસ્કનો બોરિસ એપસ્ટેઇનનો વિરોધ કર્યો ત્યારે બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. બોરિસ એપસ્ટેઇને જ મેટ ગેટ્ઝને એટર્ની જનરલના પદ પર નિયુક્ત કરવા માટે ટ્રમ્પને મનાવ્યા હતા. બીજી તરફ ઇલોન મસ્ક એ વ્યક્તિ છે જેણે ટ્રમ્પને ઓછામાં ઓછા 119 મિલિયન ડૉલર આપીને ચૂંટણીની દિશા બદલી નાખી.
વ્હાઇટ હાઉસના વકીલની નિમણૂકને લઈને થયો હતો વિવાદ
આ બાબતથી વાકેફ લોકોને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે મસ્કે ટ્રમ્પ વહીવટીતંત્રના નવા મંત્રીઓની પસંદગીમાં એપ્સટેઈનની સંડોવણી અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. બંને વચ્ચે ખાસ કરીને જસ્ટિસ ડિપાર્ટમેન્ટમાં ટોચના હોદ્દા માટે પસંદગી અને વ્હાઇટ હાઉસના વકીલની નિમણૂકને લઈને વિવાદ થયો હતો.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડિનર ટેબલ પર ડિબેટ દરમિયાન ઇલોન મસ્ક પોતાના મનપસંદ લોકોને કેબિનેટમાં લાવવાની જીદ કરવા લાગ્યા અને જ્યારે મામલો ઉકેલાઈ ન શક્યો તો બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. જેના લીધે મસ્ક ગુસ્સે થઈ ગયા હતા.
એપસ્ટીને ડોનાલ્ડ ટ્રમ્પને અપરાધિક મામલામાં બચાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ચૂંટણી જીત્યા બાદ એપસ્ટીન કેબિનેટની નિમણૂકમાં પણ મહત્ત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે.