'મારું કામ પૂરું, મે સુધીમાં ટારગેટ...' ટ્રમ્પના ખાસ ઈલોન મસ્કની DOGE માંથી રાજીનામાની તૈયારી?
Elon Musk DOGE : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ સહાયક અને અબજોપતિ ઉદ્યોગપતિ ઈલોન મસ્કે સંકેત આપ્યો છે કે તે મે મહિનાના અંત સુધીમાં અમેરિકાના સરકારી ખર્ચમાં ઘટાડો કરવાના પ્રયાસ કરતી સંસ્થા ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) માંથી રાજીનામું આપી શકે છે.
કુલ ફેડરલ ખર્ચ 6 ટ્રિલિયન ડૉલર થઈ ગયો
મસ્કના મતે તેમની ટીમે અત્યાર સુધીમાં અમેરિકાની ખોટમાં એક ટ્રિલિયન ડોલરનો ઘટાડો કર્યો છે, જેનાથી કુલ ફેડરલ ખર્ચ 6 ટ્રિલિયન ડૉલરની નજીક પહોંચી ગયો છે. DOGE ના વડા ઈલોન મસ્ક અને તેમના ઘણા વરિષ્ઠ સાથીદારોએ એક મીડિયા હાઉસ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં તેમણે અમેરિકાની આર્થિક સ્થિતિ સુધારવા અને ફેડરલ ખોટને અડધી કરવા માટે લેવામાં આવેલા પગલાંની ચર્ચા કરી હતી.
અત્યાર સુધી DOGE કેટલો સફળ?
ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ સલાહકાર તરીકે ઈલોન મસ્ક સરકારી ખર્ચ ઘટાડવાની ભૂમિકા ભજવી રહ્યા છે. મીડિયા સાથે વાત કરતી વખતે તેમણે કહ્યું કે હવે મારું કામ પૂર્ણ થયું છે. અમારી ટીમ દરરોજ સરેરાશ 4 બિલિયન ડૉલરની બચત કરી રહી છે અને લગભગ 130 દિવસમાં એક ટ્રિલિયન ડોલર બચાવવાનો લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો છે.
ક્યાં સુધી કામ પૂરું થવાનો ટારગેટ
મસ્કે કહ્યું કે અમારું લક્ષ્ય દરરોજ 4 બિલિયન ડોલરનો નકામો ખર્ચ ઘટાડવાનું હતું અને અમે તેમાં સફળ રહ્યા છીએ. જો આ પ્રયાસ સફળ ન થયો હોત, તો અમેરિકાની આર્થિક સ્થિતિ પડી ભાંગી હોત. તેમના મતે, DOGE પરનું કામ મે મહિનાના અંત સુધીમાં પૂર્ણ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે DOGE ના વડા અને તેમના સાત સાથીદારો અરામ મોગદ્દાસી, સ્ટીવ ડેવિસ, બ્રેડ સ્મિથ, એન્થોની આર્મસ્ટ્રોંગ, જો ગેબિયા, ટોમ ક્રાઉસ અને ટાયલર હાસેને પણ સરકારી એજન્સીઓમાં નકામા ખર્ચ, ભ્રષ્ટાચાર અને અનિયમિતતાઓને દૂર કરવા માટે કરવામાં આવેલા પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો.
ટેસ્લા વિરુદ્ધ દેખાવો વચ્ચે મસ્કનું નિવેદન
DOGE માંથી ઈલોનના રાજીનામાના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે અમેરિકામાં ઈલોન મસ્કની ઇલેક્ટ્રિક વાહન કંપની ટેસ્લા વિરુદ્ધ મોટા પાયે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. છેલ્લા મહિનામાં ટેસ્લાના શેરના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે, ગયા સોમવારે તેમાં 5 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. ઑસ્ટિનમાં ટેસ્લાના કર્મચારીઓ સાથે વાત કરતા, મસ્કે સ્વીકાર્યું હતું કે "હું ઘણી બધી બાબતોમાં ગડબડ કરી રહ્યો છું." મારી પાસે 17 અલગ અલગ જવાબદારીઓ છે. મસ્કે ટેસ્લા સામે થયેલા હુમલાઓ અને તોડફોડની ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે જ્યારે હું ટીવી પર આ ઘટનાઓનું કવરેજ જોઉં છું, ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ સર્વનાશ (આર્માગેડોન) થઈ રહ્યો છે. તેમણે કર્મચારીઓને ખાતરી આપી કે ક્યારેક પરિસ્થિતિમાં ઊંચ-નીચ થયા કરે છે, કેટલાક તોફાની સમય પણ આવે છે... પરંતુ હું તમને બધાને કહેવા માંગુ છું કે ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ અને રોમાંચક છે. આપણે એવું કંઈક કરવા જઈ રહ્યા છીએ જેના વિશે કદાચ કોઈએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય.