ઈલોન મસ્કે Gmailનો વિકલ્પ તૈયાર કર્યો, Googleનું ટેન્શન વધ્યું, યુઝર્સને થશે જબરદસ્ત ફાયદો
આ અંગેની જાણકારી ખુદ ઈલોન મસ્કે સોશિયલ મીડિયા પોસ્ટમાં આપી
| ||
Elon Musk Xmail : ઈલોન મસ્ક ઘણા સમયથી ટેક દુનિયામાં થતી દરેક ઘટના પર પ્રતિક્રિયા આપે છે અને ઘણીવાર અન્ય ટેક કંપનીઓની મજાક ઉડાવીને મીમ્સ પણ શેર કરે છે. ત્યારે હવે ઈલોન મસ્ક ગૂગલ સાથે સીધી સ્પર્ધાની તૈયારી કરી રહ્યા છે અને તેઓ ટૂંક સમયમાં Xmail લોન્ચ કરવા જઈ રહ્યા છે જે એક્સ (X)ની ઈ-મેલ સેવા હશે.
ઈલોન મસ્કે Xmail અંગેના સંકેત આપ્યા
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X)ના માલિક ઈલોન મસ્કે સંકેત આપ્યા છે કે તેઓ ગૂગલના જી-મેઈલને ટક્કર આપવા માટે Xmail નામની નવી ઈમેલ સેવા ટૂંક સમયમાં જ લોન્ચ કરશે. આ અંગેની જાણકારી ખુદ ઈલોન મસ્કે સોશિયલ મીડિયા પોસ્ટમાં આપી છે. વાત એવી છે કે એક્સ (X)ના એક એન્જિનિયરે ઈલોન મસ્કને પ્રશ્ન પૂછ્યો હતો કે આપણે Xmail ક્યારે બનાવી રહ્યા છીએ. આના જવાબમાં ઈલોન મસ્કે કહ્યું હતું કે 'તે આવી રહ્યું છે (It’s coming)'.
મસ્ક એક કે બે મહિનામાં Xmail લોન્ચ કરે તો નવાઈ નહીં
જો કે ઈલોન મસ્કે આ વિશેની વધુ માહિતી આપી નથી. પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે ઘણી એવી સુવિધાઓથી સજ્જ હશે જે જીમેલમાં જોવા મળતી નથી.ઈલોન મસ્કે હંમેશા પોતાના નિર્ણયોથી સૌને આશ્ચર્યચકિત કરે છે. તેઓ આગામી એક કે બે મહિનામાં Xmail લોન્ચ કરે તો નવાઈ નહીં. ઉલ્લેખનીય છે કે ઈલોન મસ્ક એક સુપર એપ પર પણ કામ કરી રહ્યા છે. આ એપ કોઈપણ સમયે લોન્ચ થઈ શકે છે.