ટ્રમ્પને ટ્વીટર ઉપર પાછા લાવવા કે નહિ તેના માટે એલોન મસ્કે પોલ શરૂ કર્યો
- ટ્રમ્પને વર્ષ 2021માં 'હિંસા અને ભડકાઉ ટિપ્પણીના આરોપમાં' ટ્વીટર પર કાયમી ધોરણે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા
નવી દિલ્હી, તા. 19 નવેમ્બર 2022, શનિવાર
નવા બોસ મળતા જ ટ્વીટર હવે પહેલા જેવું નથી રહ્યું. એક મહિના કરતાં પણ ઓછા સમયમાં ટ્વીટરે તે જોયું છે જે તેણે વર્ષોમાં નથી જોયું. પહેલા હજારો કર્મચારીઓની છટણી પછી નવી પોલિસી. ટેસ્લાના માલિક અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કના કારણે આ બધું શક્ય બન્યું છે. મસ્ક હવે ટ્વીટરના નવા બોસ છે. તેઓ દરરોજ પોતાના નવા ટ્વીટને લઈને ચર્ચામાં રહે છે. આ વખતે મસ્ક અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશેના પોતાના ટ્વીટને લઈને ચર્ચામાં છે. તેમણે ટ્વીટર યુઝર્સને પૂછ્યું કે, ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ રિસ્ટોર કરવું જોઈએ કે નહીં?
એલોન મસ્કે શુક્રવારે સાંજે ટ્વીટર પર એક પોલ પોસ્ટ કરી હતી. જેમાં તેમણે યુઝર્સને પૂછ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પને ટ્વીટર ઉપર પાછા લાવવા જોઈએ કે નહીં? આ માટે મસ્કે યુઝર્સને વોટ કરવાની અપીલ પણ કરી હતી. તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મના અગાઉના માલિકોએ ટ્વીટર દ્વારા 'અનવોન્ટેડ કન્ટેન્ટ'ને લઈને ટ્રમ્પ પર કાર્યવાહી કરી હતી. વર્ષ 2021માં 'હિંસા અને ભડકાઉ ટિપ્પણીના આરોપમાં' તેમને ટ્વીટર પર કાયમી ધોરણે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા.
શું રહ્યો યુઝર્સનો રિસપોન્સ
એલોન મસ્ક દ્વારા જાહેર કરાયેલા પોલ પર 2 મિલિયનથી વધુ લોકોએ વોટિંગન કર્યું હતું. લગભગ 60 ટકા લોકોએ હામાં જવાબ આપ્યો. મસ્ક દ્વારા જાહેર કરાયેલા આ મતદાન પહેલા સેંકડો ટ્વીટર કર્મચારીઓએ નવા બોસ એલોન મસ્કથી નારાજ થઈને રાજીનામું આપી દીધું હતું. જોકે, મસ્કે જવાબ આપ્યો હતો કે, ચિંતાની કોઈ વાત નથી, સર્વશ્રેષ્ઠ લોકો હજુ પણ મારી સાથે કામ કરી રહ્યા છે.
એલોન મસ્કે શનિવારે ટ્વીટરની નવી પોલિસી બહાર પાડી હતી. તેમણે પોતે ટ્વીટમાં કહ્યું કે, ટ્વીટરની નવી પોલિસીમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા છે પરંતુ ઍક્સેસની સ્વતંત્રતા નથી. નકારાત્મક/દ્વેષપૂર્ણ ટ્વીટ્સ મોટે ભાગે ડીબૂસ્ટ કરવામાં આવશે અને ડિમોનેટાઈઝ કરવામાં આવશે. ટ્વીટર પર કોઈ જાહેરાત કે અન્ય રેવેન્યુ ઉપલબ્ધ નહીં થશે. જ્યાં સુધી તમે તેને વિશેષ રબપે શોધશો નહીં ત્યાં સુધી તમને ટ્વીટ મળશે નહીં.