'આમ તો અમેરિકાનું દેવાળીયું ફૂંકાઈ જશે...' અચાનક જ ઈલોન મસ્કે ટ્રમ્પનું ટેન્શન કેમ વધાર્યું?
Elon Musk: અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સંઘીય ખર્ચમાં કપાતના અભિયાનનું નેતૃત્વ કરવા માટે પસંદ કરવામાં આવેલાં પ્રખ્યાત અબજોપતિ ઈલોન મસ્કે ચેતવણી આપી છે કે, જો અમેરિકાએ પોતાના બજેટમાં ઘટાડો ન કર્યો તો દેશ નાદાર થઈ શકે છે. ટ્રમ્પની નવી સરકાર દ્વારા બનાવવામાં આવેલી એજન્સી 'ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશિઅન્સી (DOGE)' ના પ્રમુખે મંગળવારે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ સાથે કોન્ફરન્સમાં આ વાત કહી છે. મસ્કની આ ચેતવણીએ ટ્રમ્પનું ટેન્શન પણ વધારી દીધું છે.
ઈલોન મસ્કે કેમ આપ્યું આવું નિવેદન?
ઈલોન મસ્કે અમેરિકાના બજેટમાં ઘટાડાને લઈને ચિંતા વ્યક્ત કરી, જે ગત નાણાંકીય વર્ષમાં 1.8 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી ગયું છે. મસ્કે કહ્યું કે, 'સંઘીય ખર્ચમાં ઘટાડો હવે કોઈ વિકલ્પ નહીં અનિવાર્યતા બની ચુકી છે'. જોકે, ટ્રમ્પ પ્રશાસનની આ કડક નાણાંકીય નીતિ કાયદાકીય વિવાદમાં ફસાઈ રહી છે.
આ પણ વાંચોઃ 'ટ્રમ્પનો ગાઝા પ્લાન એકદમ વાહિયાત...' અમેરિકન પ્રમુખ પર અકળાયા સરમુખત્યાર કિમ જોંગ ઉન
ટ્રમ્પે થોડા દિવસ પહેલાં જ અનેક કાર્યકારી આદેશ આપ્યા છે, જેનો હેતુ સરકારી ખર્ચ ઘટાડવાનો છે. પરંતુ, તેમની નીતિઓને કારણે ઘણી એજન્સીઓ કાં તો બંધ થઈ ગઈ અથવા તેમાં કામ કરતાં કર્મચારીઓને ઘર ભેગા કરી દેવાયા. જેનું પરિણામ એવું આવ્યું કે, અમેરિકાની અનેક કોર્ટમાં આ નિર્ણયને પડકારવામાં આવ્યો છે. વિપક્ષી નેતા અને અનેક સામાજિક સંગઠનોએ આ નીતિને સત્તાનો દુરૂપયોગ જણાવી ટ્રમ્પ પ્રશાસનની સામે કેસ દાખલ કરી દીધો છે.
ઈલોન મસ્ક પર ઉઠ્યા સવાલ
આ વિવાદ વચ્ચે ઈલોન મસ્ક પર પણ હિતોના ટકરાવનો આરોપ લાગી રહ્યો છે. કારણ કે, તે સ્પેસએક્સ અને ટેસ્લાના સીઈઓ પણ છે, જેની પાસે અમેરિકન સરકાર સાથેના અનેક મોટા કોન્ટ્રાક્ટ છે. મંગળવારે (11 ફેબ્રુઆરી) આ વિશે પૂછવામાં આવ્યું તો મસ્કે જવાબ આપ્યો કે, હું સંપૂર્ણ પારદર્શિતા રાખવાનો પ્રયાસ કરી રહ્યો છું.
આ પણ વાંચોઃ '4 દિવસમાં તમામ બંધક ન છોડ્યાં તો નરક ભેગા થવા તૈયાર રહેજો..', ટ્રમ્પની હમાસને ધમકી
DOGE ટીમના એક અન્ય નિર્ણયે પણ ટીકાકારોની ચિંતા વધારી દીધી છે. મળતી માહિતી મુજબ, આ એજન્સી અમેરિકન ટ્રેઝરી વિભાગના માધ્યમથી લાખો અમેરિકન નાગરિકોની વ્યક્તિગત અને નાણાંકીય જાણકારી સુધી પહોંચ બનાવી ચુકી છે. આ ખુલાસા બાદ અનેક સાંસદો અને માનવાધિકાર સંગઠનોએ તેના પર પોતાનો વાંધો ઉઠાવ્યો છે.
હાલ, ટ્રમ્પ પ્રશાસન અને અમેરિકન કોર્ટ વચ્ચે આ મુદ્દે સીધો ટકરાવ જોવા મળી રહ્યો છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે, શું ટ્રમ્પ અને મસ્કની નાણાંકીય કપાતની યોજનાઓ કાયદાકીય મુશ્કેલીઓને પાર કરી શકે છે કે નહીં.