H-1B વિઝા વિવાદમાં નવો વળાંક: હવે મસ્કે પણ ઉઠાવ્યા સવાલ, કહ્યું- કડક સુધારાની જરૂર
Elon Musk On H-1B Visa Policy: ટેક ઉદ્યોગપતિ ઈલોન મસ્કે થોડા સમય પહેલાં જ એચ-1બી વિઝાને સમર્થન આપ્યું હતું, પરંતુ હવે તેમણે રવિવારે પોતાના જ નિવેદન પર પલટી મારતાં એચ-1બી વિઝામાં કડક સુધારાઓ કરવાની સલાહ આપી છે. ઈલોન મસ્કે ટ્વિટ કર્યું છે કે, જે સિસ્ટમ, વિદેશી યુવાનોને અમેરિકામાં કામ કરવાની તક આપતી હતી, તેમાં હવે ખૂબ છે. તેને ફરીથી યોગ્ય કરવાની દિશામાં કામ કરવાની જરૂર છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-1બી વિઝા પ્રત્યે નરમ વલણ દર્શાવતાં તેમના જ સમર્થકો વચ્ચે વિખવાદ ઉભો થયો છે. ટ્રમ્પના કટ્ટર સમર્થક અને ચાહક ઈલોન મસ્કે ટ્રમ્પના નિવેદનને સમર્થન આપ્યું હતું. પરંતુ અન્ય સમર્થક લોરા લૂમરે આકરો વિરોધ દર્શાવતાં ઈલોન મસ્કની પણ નિંદા કરી હતી.
ઈલોન મસ્કે અગાઉ જડબાતોડ જવાબ આપ્યો
ટ્રમ્પની એચ-1બી વિઝા મુદ્દે નીતિનો વિરોધ દર્શાવતાં સમર્થકોને અગાઉ ઈલોન મસ્ક અને ભારતીય-અમેરિકી ઉદ્યમી વિવેક રામાસ્વામીએ જડબાતોડ જવાબ આપ્યો હતો. આ બંને ટ્રમ્પની ટીમનો હિસ્સો બનવાના છે. એલન મસ્ક પોતે પણ એચ-1બી વિઝાની મદદથી સાઉથ આફ્રિકાથી માઈગ્રેટ થઈને અમેરિકા સ્થાયી થયા હતાં. તેમણે હાલમાં જ ટ્વિટ કરી કે, આ પ્રોગ્રામ ખરડાઈ ગયો છે, અને તેમાં સુધારાની જરૂર છે.
આ પણ વાંચોઃ અમેરિકામાં એચ-1બી વિઝાને બચાવવા યુદ્ધ કરવા માટે પણ તૈયાર : ઇલોન મસ્ક
મસ્કે યુઝરને આપ્યો જવાબ
મસ્કના એચ-1બી વિઝા સમર્થન પર એક યુઝરે કમેન્ટ કરી હતી કે, અમેરિકાએ વિશ્વનું મોસ્ટ ઈલાઈટ ટેલેન્ટ બનવું જોઈએ, પરંતુ એચ-1બી વિઝા પ્રોગ્રામની મદદથી નહીં. જેનો જવાબ આપતાં મસ્કે કહ્યું કે, લઘુત્તમ પગાર વધારો અને એચ-1બી વિઝાને જાળવી રાખવા માટે થતો વાર્ષિક ખર્ચ ઉમેરી તેને સરળ બનાવી શકો છો. જેથી વિદેશીઓની ભરતી કરવી મોંઘી બનશે.
H-1B વિઝા પર વિવાદ
ટ્રમ્પે ચૂંટણી સમયે ઈમિગ્રેશન મુદ્દે આકરૂં વલણ દર્શાવવાનું વચન આપતાં અમેરિકન્સે મતો આપ્યા હોવાનો દાવો કરી રહ્યા છે. પરંતુ ટ્રમ્પ હવે ઈમિગ્રેશન મુદ્દે નરમ વલણ દર્શાવતાં જોવા મળ્યા છે. તેમાં પણ ટ્રમ્પે પોતાની ટીમમાં ભારતીય મૂળ શ્રીરામ કૃષ્ણનની એઆઈ એડવાઈઝર તરીકે નિમણૂક કરતાં તેમના સમર્થકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. ટ્રમ્પની સમર્થક લોરા લૂમરે જણાવ્યું કે, શ્રીરામ કૃષ્ણનની નિમણૂકથી ખૂબ પરેશાન છું. કૃષ્ણન ગ્રીન કાર્ડની સંખ્યા પર તમામ પ્રતિબંધો દૂર કરવાની તરફેણમાં છે. જેથી કૃષ્ણનની નિમણૂકથી ઈમિગ્રેશનની સંખ્યા ઘટવાના બદલે વધવાની ભીતિ અમેરિકન્સમાં જોવા મળી છે.