Get The App

વર્ક રિપોર્ટ આપો નહીંતર ઘરભેગા થાઓ: અમેરિકામાં હજારો સરકારી કર્મચારીઓને ઈલોન મસ્કનો આદેશ

Updated: Feb 23rd, 2025


Google NewsGoogle News
વર્ક રિપોર્ટ આપો નહીંતર ઘરભેગા થાઓ: અમેરિકામાં હજારો સરકારી કર્મચારીઓને ઈલોન મસ્કનો આદેશ 1 - image


Elon Musk New Order: અમેરિકામાં ટ્રમ્પ સરકાર સતત આકરા નિર્ણયો સાથે વિશ્વને હચમચાવી રહી છે. તેના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ ઈફિશિયન્સી (DOGE)નું નેતૃત્વ કરી રહેલા ઈલોન મસ્ક પણ સતત અટપટા આદેશો આપી રહ્યા છે. તેમણે અમેરિકાની ફેડરલ ગવર્નમેન્ટના સ્ટાફની નોકરી પર લટકતી તલવાર સમાન નિયમ જાહેર કર્યો છે. જો નિયમનું પાલન કરવામાં નહીં આવે તો નોકરી ગુમાવવાનો વારો આવી શકે છે.

ઈલોન મસ્કે કરી જાહેરાત

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઈલોન મસ્કે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપ્રમુખના નિર્દેશોને આધિન ફેડરલના તમામ કર્મચારીઓને ઝડપથી એક ઈમેઈલ મોકલવામાં આવશે. જેમાં તેમને ગત સપ્તાહે કરેલા કામો વિશે પૂછવામાં આવશે. જો જવાબ આપવામાં નિષ્ફળ રહ્યા તો રાજીનામું આપવું પડશે.



ફેડરલ કર્મચારીઓ પર આફત

મસ્કની આ જાહેરાત ફેડરલ કર્મચારીઓને સાપ્તાહિક ધોરણે પોતાના કામનો રિપોર્ટ બનાવવા મજબૂર કરી શકે છે. તેમજ આમ કરવામાં નિષ્ફળ રહ્યા તો નોકરી જવાનું જોખમ રહેશે. જો કે, આ નિયમના અનુપાલનની કેમ જરૂર છે? તેમજ તેમને રિપોર્ટ તૈયાર કરવામાં કેટલો સમય આપવામાં આવશે, તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી.  અગાઉ પણ તેમણે ફેડરલનો સ્ટાફ ઘટાડવાની કવાયત હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ PM મોદી એક દિવસ માટે મહિલાઓને સોંપશે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, 'મન કી બાત'માં મોટી જાહેરાત

અમેરિકાના ડિફેન્સ ક્ષેત્રે છટણી

મસ્કે હાલમાં જ શુક્રવારે (21 ફેબ્રુઆરી) ફેડરલ સરકારના કર્મચારીઓની સંખ્યા ઘટાડવાના ભાગરૂપે ડિફેન્સ ડિપાર્ટમેન્ટમાં અસૈન્ય કર્મચારીઓની સંખ્યા ઓછામાં ઓછી 5 ટકા સુધી ઘટાડવાનો આદેશ આપ્યો હતો. સરકારી ખર્ચમાં ઘટાડો કરવા તેમજ બિનજરૂરી સ્ટાફને હાંકી ગુણવત્તાયુક્ત કામગીરી કરાવવાના હેતુ સાથે ફેડરલમાં છટણીની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જણાવ્યું હતું.



ટ્રમ્પે મસ્કને આપી આ સલાહ

એક બાજુ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ ટેરિફ વોર સહિત એક-પછી-એક આકરા નિર્ણયો જાહેર કરી રહ્યા છે. તો બીજી બાજુ ઈલોન મસ્ક પણ અમેરિકાની ફેડરલ ગવર્મેન્ટના કામકાજમાં ફેરફાર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મસ્કની કામગીરીને બિરદાવતાં ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું હતું કે, 'એલન ખૂબ જ સારૂ કામ કરી રહ્યા છે, પરંતુ હું તેમને વધુ આક્રમક જોવા માગું છું. યાદ રાખો, આપણે એક દેશ બચાવવાનો છે, તેની સાથે તેને પહેલાં કરતાં પણ વધુ શ્રેષ્ઠ બનાવવાનો છે. MAGA!'

20 લાખથી વધુ કર્મચારીઓને નોટિસ

20 જાન્યુઆરીએ ટ્રમ્પે રાષ્ટ્રપ્રમુખ પદ સંભાળતાની સાથે જ મોટા ફેરફારો હાથ ધર્યા છે. જેના ભાગરૂપે ફેડરલ સરકારના 20 લાખથી વધુ કર્મચારીઓને નોટિસ પાઠવવામાં આવી હતી. જેમાં વળતર પેટે આઠ મહિનાનું વેતન આપી સ્વેચ્છાએ રાજીનામું આપવાનો વિકલ્પ રજૂ કર્યો હતો. આ આદેશથી સરકારી ક્ષેત્રના ચાર યુનિયન અને 20 ડેમોક્રેટ વકીલે કોર્ટમાં સરકારને પડકારતાં છ ફેબ્રુઆરીથી લાગુ થતાં આ નિર્ણય પર ફેડરલ જજે સ્ટે મૂક્યો છે.

વર્ક રિપોર્ટ આપો નહીંતર ઘરભેગા થાઓ: અમેરિકામાં હજારો સરકારી કર્મચારીઓને ઈલોન મસ્કનો આદેશ 2 - image


Google NewsGoogle News