એચ-1બી વીઝા કાર્યક્રમ મુદ્દે 'યુદ્ધ' કરવાનું ઈલોન મસ્કે માંડી વાળ્યું !
- ઈમિગ્રેશન મુદ્દે ટ્રમ્પ સમર્થકો સામે અંતે મસ્ક નમ્યા
- મસ્કે એચ-1બી કાર્યક્રમમાં સુધારાની જરૂરિયાત પર ભાર મૂકતા લઘુત્તમ પગાર વધારવા અને વાર્ષિક ખર્ચ ઉમેરવાનો પ્રસ્તાવ મૂક્યો
વોશિંગ્ટન : અમેરિકામાં ઈમિગ્રેશનના વિરોધી ટ્રમ્પ સમર્થકોએ એચ-૧બી વિઝા કાર્યક્રમ પર સવાલ ઉઠાવતા દુનિયાના ટોચના ઉદ્યોગપતિ ઈલોન મસ્ક બચાવમાં આગળ આવ્યા હતા અને એચ-૧બી વિઝા કાર્યક્રમ ટેક્નોલોજી કંપનીઓ માટે દુનિયામાં તેમની શ્રેષ્ઠતા જાળવી રાખવા અત્યંત મહત્વનો છે અને આ કાર્યક્રમ માટે હું 'યુદ્ધ' કરવા પણ તૈયાર છું તેવું કહેનારા ઈલોન મસ્કે માત્ર થોડાક દિવસોમાં પીછેહઠ કરી છે. હવે તેમણે કહ્યું છે કે એચ-૧બી વિઝા કાર્યક્રમમાં સુધારાની જરૂર છે.
એચ-૧બી વિઝા કાર્યક્રમ અમેરિકાની ટેક્નોલોજી કંપનીઓ માટે સૌથી વધુ જરૂરી હોવાનો દાવો કરનારા ઈલોન મસ્કે થોડાક જ દિવસમાં તેમનું વલણ નરમ કર્યું હતું અને તેમાં સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે એક્સ પર પોસ્ટ કરતા કહ્યું કે, એચ-૧બી કાર્યક્રમ ખામીવાળો છે અને તેમાં મોટા ફેરફારોની જરૂર છે. જોકે, મસ્કે એમ પણ કહ્યું કે, તેમની કંપનીઓ, સ્પેસએક્સ અને ટેસ્લા આ કાર્યક્રમના માધ્યમથી પ્રતિભાશાળી વિદેશી કર્મચારીઓને અમેરિકા લાવવા સક્ષમ રહી છે.
ઈલોન મસ્કે એચ-૧બી વિઝા કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા માટે બે મુખ્ય સૂચન કર્યા હતા, જેમાં પહેલું તેમાં લઘુત્તમ પગાર વધારવાની વાત કરાઈ છે, જેથી કંપનીઓને ઘરેલુ કર્મચારીઓની સરખામણીમાં વિદેશીઓની નિમણૂક મોંઘી પડે. બીજું, વાર્ષિક ખર્ચ ઉમેરવાનો પ્રસ્તાવ પણ કર્યો છે, જેના કારણે એ સુનિશ્ચિત થઈ શકશે કે વિઝાનો ઉપયોગ માત્ર વાસ્તવિક જરૂરિયાતો પૂરી કરવા માટે કરાયો છે.
ડોનાલ્ડ ટ્રમ્પ તેમના અગાઉના કાર્યકાળમાં આ વિઝા કાર્યક્રમની વિરુદ્ધ હતા. પરંતુ ડીપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિસિયન્સી (ડીઓજીઈ)નું નેતૃત્વ કરનારા ઈલોન મસ્ક અને વિવેક રામાસ્વામીએ એચ-૧બી કાર્યક્રમને સમર્થન જાહેર કર્યા પછી ટ્રમ્પે પણ તેમનું વલણ બદલ્યું હતું અને એચ-૧બી વિઝા કાર્યક્રમની તરફેણ કરી હતી. મસ્કે કહ્યું હતું કે, સ્પેસએક્સ અને ટેસ્લા જેવી ટેક્નોલોજી કંપનીઓ દુનિયામાં ટેક્નોલોજી ક્ષેત્રે તેમનું પ્રભુત્વ જાળવી રાખવા માટે વિદેશી પ્રોફેશનલ્સ પર નિર્ભર છે.
હકીકતમાં અમેરિકામાં ઈમિગ્રેશનના વિરોધ અને અમેરિકા ફર્સ્ટના ચૂંટણી વચનો સાથે ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-૧બી વિઝાની તરફેણ કરનારા ભારતીય મૂળના શ્રીરામ કૃષ્ણનની એઆઈ સલાહકાર તરીકે નિમણૂક કરતાં ટ્રમ્પ સમર્થકો ભડક્યાં હતા. દક્ષિણપંથી વિચારસરણીવાળાં ઈન્ફ્લુએન્સર અને કટ્ટર ટ્રમ્પ સમર્થક લૌરા લૂમરે શ્રીરામ કૃષ્ણનને એચ-૧બી વિઝાનો સૌથી વધુ લાભ લેનારા ભારતીયો તરફી અને અમેરિકા ફર્સ્ટ વિરોધી ગણાવ્યા હતા. આવા સમયે ઈલોન મસ્ક અને વિવેક રામાસ્વામી શ્રીરામ કૃષ્ણનની તરફેણમાં આગળ આવ્યા હતા.