Get The App

ટ્રમ્પનો સાથ મસ્કને ન ફળ્યો, સત્તા મળી પણ લોકપ્રિયતા ગગડી, અમેરિકન્સ કેમ નારાજ?

Updated: Apr 28th, 2025

GS TEAM


Google News
Google News
ટ્રમ્પનો સાથ મસ્કને ન ફળ્યો, સત્તા મળી પણ લોકપ્રિયતા ગગડી, અમેરિકન્સ કેમ નારાજ? 1 - image


Elon Musk News : એક સમયે ટેક વિઝનરી અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે પ્રસિદ્ધ ઈલન મસ્કની લોકપ્રિયતા ઝડપથી ઘટી રહી છે, ખાસ કરીને વોશિંગ્ટનમાં રાજકરણમાં સામેલ થયા પછી તેની પ્રસિદ્ધિનો ગ્રાફ સતત નીચે ઉતરતો રહ્યો છે. એસોશિયેટેડ પ્રેસ-એનઓઆરસી સેન્ટરના સરવે દ્વારા જાણકારી મળી છે કે અમેરિકાના માત્ર 33 ટકા પુખ્ત વ્યક્તિ મસ્ક માટે અનુકૂળ મત ધરાવે છે જે ગયા વર્ષમાં ડિસેમ્બર કરતા 41 ટકાનો ઘટાડો સૂચવે છે.

મોટાભાગની નકારાત્મકતા એવા અભિગમમાંથી ઉદ્ભવી છે કે ફેડરલ કર્મચારીઓ ઘટાડવા  ડીપાર્ટમેન્ટ ઓફ ગવર્ન્મેન્ટ એફિશિયન્સી (ડીઓજીઈ)ની આગેવાની દ્વારા મસ્કએ સરકાર પર વધુ પ્રમાણમાં વર્ચસ્વ મેળવ્યું છે. મસ્કના પ્રયાસોથી મોટા પ્રમાણમાં કર્મચારીઓની છટણી થઈ હતી અને એજન્સીઓ બંધ પડી હતી. પણ ખર્ચમાં એક ટ્રિલિયન ડોલર ઘટાડવાના તેના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને પછી ઘટાડીને 150 અબજ ડોલર કરવામાં આવ્યું હતું, જે પણ હાંસલ કરવું અનિશ્ચિત છે.

લેબ ટેકનિશિયન અર્નેસ્ટ પરેરા તેમજ નિવૃત્ત સુઝન વુલ્ફ જેવા આલોચકોની દલીલ છે કે મસ્કની કોર્પોરેટ સફળતા અસરકારક શાસન માટે ઉપયોગી નથી બનતી. વુલ્ફએ નોંધ કરી કે સરકાર ચલાવવા માટે વેપાર કરતા ભિન્ન પ્રકારની પ્રાથમિકતાની જરૂર પડે છે.

રૂઢીવાદી વિચારધારા પ્રત્યે મસ્કનો ઝુકાવ તેમજ વોક કલ્ચરની ટીકા અને સરકારી ખર્ચ વિશે ચેતવણીએ પણ જાહેર મતનું ધૂ્રવીકરણ કર્યું છે. દસમાંથી સાત રિપબ્લીકનોની સરખામણીએ  દસમાંથી માત્ર એક ડેમોક્રેટ અને દસમાંથી માત્ર બે અપક્ષ તેના માટે સાનુકૂળ મત ધરાવે છે.

સામાન્યપણે રિપબ્લીકનો મસ્કના સુધારાને સમર્થન આપે છે ત્યારે ડેમોક્રેટ્સ અને અપક્ષો સરકારી ખર્ચમાં કાપના નકારાત્મક પાસા વિશે વધુ ચિંતિત છે. મસ્ક હવે પોતાની સરકારી ભૂમિકા છોડવાની અને ટેસ્લા પર ફરી ધ્યાન કેન્દ્રિત કરવાની તૈયારી કરી રહ્યો છે ત્યારે ખાસ કરીને રિપબ્લીકન વર્તુળની બહાર તેની જાહેર છબીને થયેલું નુકસાન વધુ પ્રમાણમાં થયું હોવાનું જણાઈ રહ્યું છે.

Tags :