ઇલોન મસ્કે 'નાઝી સેલ્યૂટ' કરતા ભારે ટીકા, ટ્રમ્પના સમર્થકોનો ઉત્સાહ વધારવાના ચક્કરમાં ભાન ભૂલ્યાં
Donald Trump and Elon Musk News | અમેરિકાના પ્રમુખપદે ડોનાલ્ડ ટ્રમ્પના શપથ સમારોહમાં ટ્રમ્પ સમર્થકોને સંબોધન કરતી વખતે ટેસ્લાના સીઇઓ ઇલોન મસ્કે નાઝી સેલ્યુટ કરીને વિવાદ છેડયો હતો. ટ્રમ્પ સમર્થકોમાં ઉત્સાહ વધારવાના ચક્કરમાં ઇલોન મસ્કે નાઝી સેલ્યુટનો ઉપયોગ કર્યો હતો, જે સામાન્ય રીતે જર્મનીના શાસક હિટલરને સલામી આપવા માટે તેના સમર્થકો કરતા રહ્યા છે. આ પ્રકારની સલામીનો ઉપયોગ હાલ વાંધાજનક માનવામાં આવે છે.
અમેરિકાના વોશિંગ્ટન ડી. સી.માં કેપિટલ વન એરેનામાં સ્ટેજ પર ભાષણ આપ્યું હતું, આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પને ખુશ કરવાના ચક્કસમાં ઇલોન મસ્કે બે વખત નાઝી સેલ્યૂટ કરી હતી. જેનો ટ્રમ્પ સમર્થકોએ પણ સાથ આપ્યો હતો. એટલુ જ નહીં ઇલોન મસ્કે આ નાઝી સેલ્યૂટનો વીડિયો પણ એક્સ (ટ્વીટર) પર શેર કર્યો હતો. સાથે જ ભાષણનો વીડિયો પણ રીટ્વીટ કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું ભવિષ્ય બહુ જ રસપ્રદ છે.
ઇલોન મસ્કના આ નાઝી સેલ્યૂટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, લોકોએ આ પ્રકારના સેલ્યૂટનો ઉપયોગ કરવા બદલ ઇલોન મસ્કની ટીકા કરી હતી, જ્યારે કેટલાકે દાવો કર્યો હતો કે આ નાઝી સેલ્યૂટ નથી. એક યુઝરે લખ્યું હતું કે એક નહીં પણ બે વખત ઇલોન મસ્કે આ નાઝી સેલ્યૂટ કરી છે, આ કોઇ ભુલ નહીં પણ ઇરાદા પૂર્વક કરેલી સેલ્યૂટ હતી.
ઇલોન મસ્ક પહેલાથી જ ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન કરતા રહ્યા છે, ચૂંટણી પ્રચાર દરમિયાન પણ તેઓ ટ્રમ્પની રેલીમાં જોવા મળ્યા હતા.