PM એન્થની પર ભડક્યા ઇલોન મસ્ક, ઓસ્ટ્રેલિયામાં સોશિયલ મીડિયા પર આવતાં નવા કાયદાથી નારાજ
Elon Musk on Australia's Social Media Bill: ઓસ્ટ્રેલિયામાં હવે બાળકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર વધતાં જોખમોને ધ્યાનમાં લેતા સોશિયલ મીડિયાનો વપરાશ ઘટાડવા મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેના માટે ઓસ્ટ્રેલિયન સરકારે સોશિયલ મીડિયાના વપરાશ માટે બાળકોની લઘુત્તમ વયમર્યાદા 16 વર્ષ નક્કી કરી છે. એવામાં હવે ઇલોન મસ્કે આ નિર્ણય પર ઓસ્ટ્રેલિયન સરકારની આલોચના કરી છે.
ઇલોન મસ્કે કરી આલોચના
ઓસ્ટ્રેલિયામાં બાળકોના સોશિયલ મીડિયાનો વપરાશને ઘટાડવા માટે લેવામાં આવેલા નિર્ણય અંગે ઇલોન મસ્કે ગુરુવારે પોતાના X પ્લેટફોર્મ પર ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનની પોસ્ટ મેન્શન કરીને કહ્યું હતું કે, 'એવું લાગે છે કે આ રીતે સરકાર તમામ ઓસ્ટ્રેલિયનોના હાથમાંથી ઇન્ટરનેટ એક્સેસને નિયંત્રિત કરવા માંગે છે.'
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને શું કહ્યું ?
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલબેનિસે જણાવ્યું હતું કે, ‘આ વર્ષે સોશિયલ મીડિયા પર લઘુત્તમ વયમર્યાદાનો કાયદો લાગુ કરતા પહેલા અમે ઉંમરનું વેરિફિકેશન કરતું ટ્રાયલ રજૂ કરીશું. હાલ, લઘુત્તમ વયમર્યાદા કરવામાં આવી નથી. પરંતુ તે 14થી 16 વર્ષ હોઈ શકે છે. હું બાળકોને તેમના ડિવાઇસ ઑફ કરીને મેદાનમાં રમતા જોવા માગું છું. તેઓ સ્વિમિંગ પુલમાં તરે અને ટેનિસ કોર્ટમાં રમે તેવું ઇચ્છું છું. તેઓ વાસ્તવમાં લોકો સાથે મળે, વાત કરે તે જરૂરી છે, આપણે સૌ જાણીએ છીએ કે, સોશિયલ મીડિયાથી સામાજિક નુકસાન થઈ રહ્યું છે.’
ઓસ્ટ્રેલિયાના આ નિર્ણયથી દિગ્ગજ ટેક કંપનીઓએ શું કહ્યું
મેટાએ નવું ટેબ શરુ કર્યું છે. જેમાં લઘુત્તમ 13 વર્ષના બાળકો પર સોશિયલ મીડિયા વપરાશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. મેટાએ જણાવ્યું હતું કે, વાલીઓ, માતા-પિતાને પોતાના બાળકો માટે સંપૂર્ણપણે એક્સેસ બંધ કરવાના બદલે બાળકોને પ્રોત્સાહિત અને લાભ પ્રદાન કરતાં પ્લેટફૉર્મથી સજ્જ બનવા પ્રયાસ કરી રહ્યું છે. યુટ્યુબના માલિક આલ્ફાબેટ, ટીકટોકે આ મુદ્દે હાલ કોઈ પ્રતિક્રિયા આપી નથી.
ઓસ્ટ્રેલિયામાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારામાં બાળકોની સંખ્યા
ઓસ્ટ્રેલિયામાં 26 મિલિયન લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહી હોવાનું ટેક ઇન્ડસ્ટ્રીએ જણાવ્યું છે. જેમાં ત્રીજા ભાગના બાળકો યુટ્યુબ તથા ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. સમાજ પર સોશિયલ મીડિયાની પડી રહેલી માઠી અસરોને ધ્યાનમાં લેતાં ઓસ્ટ્રેલિયન સરકાર આ નિર્ણય લેવા જઈ રહી છે.
આ લોકોએ કર્યો વિરોધ
ઓસ્ટ્રેલિયાના ઇન્ટરનેટ રેગ્યુલેટરે ધ ઈસેફ્ટી કમિશનરે સરકારને ચેતવ્યા હતા કે, પ્રતિબંધ આધારિત વલણ યુવા લોકોની એક્સેસને મર્યાદિત કરી શકે છે. પ્રતિબંધોની પ્રતિકૂળ અસરો પણ ભોગવવી પડી શકે છે. ગેરકાયદે ચાલતી સર્વિસ વધી શકે છે. બીજી તરફ માનસિક આરોગ્યના નિષ્ણાતો, LGBTQIA+ અને અન્ય હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગે પણ આ પ્રતિબંધ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જેના લીધે બાળકો પોતાને અસુરક્ષિત, અને વિશ્વથી અજાણ બની શકે છે.