'EVM હેક થઇ શકે, તેનો ઉપયોગ બંધ કરો..' દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ મસ્કનો મોટો દાવો
Elon Musk statement on EVM | દુનિયાના ટોચના ધનિકોમાં સામેલ ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) ઈલોન મસ્કે ઈવીએમ અંગે એક મોટો દાવો કરીને આખી દુનિયાને ચોંકાવી હતી. તેમણે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) વિશે કહ્યું કે તે હેક થઈ શકે છે અને તેનો ઉપયોગ જ બંધ કરીને ઈવીએમ ખતમ કરી દેવા જોઈએ.
અમેરિકાની ચૂંટણીમાં ઉપયોગ ટાળવા કર્યું આહ્વાન
આ સાથે તેમણે અમેરિકન ચૂંટણીમાંથી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ને હટાવવાની માંગ કરી હતી. સ્પેસ એક્સના સીઈઓ ઈલોન મસ્કે આ ટિપ્પણી અમેરિકન રાષ્ટ્રપતિ પદ માટે અપક્ષ ઉમેદવાર રોબર્ટ એફ કેનેડી જુનિયર દ્વારા કરવામાં આવેલી એક પોસ્ટ પર જવાબરૂપે કરવામાં આવી હતી.
મસ્કે કોની પોસ્ટનો આપ્યો જવાબ....
ખરેખર તો કેનેડી જુનિયરે તેમની પોસ્ટમાં પ્યુર્ટો રિકોની પ્રાથમિક ચૂંટણીઓમાં EVM સંબંધિત કથિત મતદાનમાં થયેલી ગેરરીતિઓ વિશે ચર્ચા કરી હતી. તેમણે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે પ્યુર્ટો રિકોની પ્રાથમિક ચૂંટણીમાં ઈવીએમ સંબંધિત સેંકડો ગેરરીતિ પકડાઈ. સૌભાગ્યથી ત્યાં એક પેપર ટ્રેલ હતું એટલા માટે સમસ્યા ઓળખી જવાઈ અને મતની ગણતરી યોગ્ય રીતે થઇ. વિચારો એ ક્ષેત્રોમાં શું થતું હશે જ્યાં કોઈ પેપર ટ્રેલ નથી? અમેરિકન નાગરિકોએ એ જાણવું જરૂરી છે કે તેમના દરેક વોટની ગણતરી થઇ છે અને તેમની ચૂંટણી એકદમ પારદર્શક રીતે સંપન્ન થઇ છે.