ભારતના શત્રુ ગણાતા જ્યોર્જ સોરોસને ઈલોન મસ્કે લગાવી ફટકાર, કહ્યું - માનવતાના દુશ્મન છો..
Elon Musk Attacks George Soros: ભારતના શત્રુ ગણાતા અને નરેન્દ્ર મોદી સરકારના નિશાના પર રહેલા અબજોપતિ જ્યોર્જ સોરોસને હવે X ના માલિક અને ઉદ્યોગપતિ ઈલોન મસ્કે પણ ફટકાર લગાવી છે. જ્યોર્જ સોરોસ પર ભારત સહિત ઘણા દેશોમાં ચૂંટાયેલી સરકારોને હટાવવા માટે ફંન્ડિગ કરવાનો આરોપ છે. જ્યોર્જ સોરોસ સાથે સંબંધોનો આરોપ લગાવતા ભાજપે કોંગ્રેસને ઘણી વખત ઘેરી છે. તાજેતરમાં જ સંસદમાં સોનિયા ગાંધીની લિંકને લઈને સોરોસનો મુદ્દો ખૂબ ગૂંજ્યો હતો. હવે જ્યોર્જ સોરોસ ઈલોન મસ્કના નિશાના પર આવી ગયા છે. મસ્કે જ્યોર્જ સોરોસ પર આકરા પ્રહારો કરીને તેમને માનવતાના દુશ્મન ગણાવ્યા છે. ઈલોન મસ્કે X પર લખ્યું કે, 'જ્યોર્જ સોરોસ ઈઝરાયલ સહિત માનવતાનો જ દુશ્મન છે.'
જ્યોર્જ સોરોસે આતંકવાદી જૂથ હમાસને 15 મિલિયન ડોલરની મદદ કરી
હકીકતમાં ઈલોન મસ્કે આ ટિપ્પણી એ ન્યૂઝ રિપોર્ટને લઈને કરી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, જ્યોર્જ સોરોસે આતંકવાદી જૂથ હમાસને 15 મિલિયન ડોલરની મદદ કરી છે. એ જ હમાસ આતંકવાદીઓએ 7 ઓક્ટોબર 2023ના રોજ ઈઝરાયલ પર હુમલો કર્યો હતો અને સેંકડો લોકોને બંધક બનાવી લીધા હતા. આ આતંકવાદીઓએ મહિલાઓ અને બાળકો સહિત 700થી વધુ લોકોની હત્યા કરી નાખી હતી. ઈઝરાયલ હજુ પણ હમાસ સામે યુદ્ધ લડી રહ્યું છે. આ વચ્ચે ઈઝરાયલના સંયુક્ત રાષ્ટ્રમાં રાજદૂત ગિલાડ એર્ડનનું કહેવું છે કે, જ્યોર્જ સોરોસે હમાસને 15 મિલિયન ડોલરનું મોટું ફંડ પૂરું પાડ્યું છે. આની સાથે જ સંબંધિત એક રિપોર્ટ પર ઈલોન મસ્કે પણ આકરી ટિપ્પણી કરી છે.
આ પણ વાંચો: ગૂગલ મેપનું ભોપાળું! આસામ પોલીસને નાગાલૅન્ડ પહોંચાડી, બદમાશ સમજી લોકોએ બંધક બનાવ્યા
જ્યોર્જ સોરોસ પર મસ્કનો હુમલો
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જ્યોર્જ સોરોસે હમાસને સમર્થન આપતી અનેક એનજીઓને 15 મિલિયન ડોલરનું ફંન્ડિગ કર્યું છે, જે ઈઝરાયલની વિરુદ્ધ છે. જ્યોર્જ સોરોસ પર મસ્કનો હુમલો એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે, જો બાઈડેન સરકારમાં તેઓ ખૂબ પ્રતિષ્ઠિત રહ્યા છે. સોરોસને અમેરિકાના સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમથી પણ નવાજવામાં આવ્યા હતા.
મસ્કે સોરોસની તુલના સ્ટાર વોર્સના એક વિલન સાથે કરી હતી
મસ્કે ત્યારે પણ આ નિર્ણયની ખૂબ ટીકા કરી હતી અને કહ્યું હતું કે, આ ખૂબ જ વાંધાજનક છે. એટલું જ નહીં એક વખત મસ્કે એક મીમ પણ શેર કર્યું હતું જેમાં તેમણે જ્યોર્જ સોરોસની તુલના સ્ટાર વોર્સના એક વિલન સાથે કરી હતી. ઉલ્લેખનીય છે કે, જ્યોર્જ સોરોસ પર ભારત ઉપરાંત ઈઝરાયલ અને રશિયા સહિત ઘણા દેશોને ફંન્ડિગ કરવાનો આરોપ છે. ખાસ કરીને દક્ષિણપંથી વિચારધારા વાળી સરકારો વિરુદ્ધ તેમના વલણની ખૂબ ચર્ચા થતી રહી છે.