2024ની ચૂંટણી : કમલા હેરિસ કોણ છે? તેઓની ભારત સાથેનો સંબંધ શો છે ?
- જો બાયડેન ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખપદના ઉમેદવારની રેસમાંથી ખસી ગયા : તેઓએ જ કમલા હેરિસનું નામ તેઓનાં સ્થાને સૂચવ્યું
વોશિંગ્ટન, નવી દિલ્હી : અત્યારે ભારતીયવંશના અમેરિકાના ઉપપ્રમુખપદે રહેલાં કમલા હેરીસનું નામ પ્રમુખ જો બાયડેને જ તેઓના સ્થાને પ્રમુખપદ માટેની સ્પર્ધામાં (ડેમોક્રેટિક પાર્ટી તરફથી) સૂચવ્યું છે. જો બાયડેન હવે તે સ્પર્ધામાંથી 'અંગત કારણોસર' ખસી ગયા છે. તે સર્વવિદિત છે.
જો બાયડેને પોતે જ 'x' ઉપર પોસ્ટ કરી રવિવારે જણાવ્યું હતું કે, તેઓ તે સ્પર્ધામાંથી ખસી જવાના છે. તેઓએ આ પગલું પક્ષના અને દેશનાં હિતમાં લીધું છે, આ સાથે તેઓએ તેમનાં સ્થાને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે કમલા હેરિસનું નામ સૂચવ્યું છે તેથી ભારતીય વંશના કમલા વિષે જાણવાની સૌ કોઈની ઉત્સુકતા હોય તે સહજ છે.
કમલા દેવી તે તેઓનું પુરૃં નામ છે. તેઓનો જન્મ કેલિફોર્નિયામાં માતા શ્યામા ગોપાલનની કૂખે થયો હતો. શ્યામા ગોપાલન એક જીવ વિજ્ઞાાની (બાયોલોજિસ્ટ) હતાં. તેઓના પિતા ડોનાલ્ડ જે હેરિસ એક જમૈયકન અમેરિકન હતા. તેઓ એક પ્રોફેસર હતા.
દુર્ભાગ્યવશ માતા-પિતા વચ્ચે લગ્ન વિચ્છેદ (ડીવોર્સ) થઈ ગયા પછી કમલા અને તેઓનાં ભગીની માતા શ્યામા ગોપાલન સાથે રહેતાં હતાં. કમલા ભણવામાં ઘણાં હોશિંયાર હતા. વિવિધ સ્કૂલોમાં અભ્યાસ કર્યા પછી તેઓએ વિશ્વવિખ્યાત હાવર્ડમાંથી સ્નાતકની ઉપાધી પ્રાપ્ત કરી ત્યારે તેઓનો મુખ્ય વિષય રાજ્યશાસ્ત્ર (પોલિટિકલ સાયન્સ) અને ગૌણ વિષય અર્થશાસ્ત્ર (ઈકોનોમિક્સ) હતો.
હાવર્ડમાંથી ગ્રેજ્યુએટ થયા પછી તેઓએ કાયદાનો અભ્યાસ શરૂ કર્યો. ૧૯૯૦માં તેઓ બાર એસોસિએશનનાં સભ્ય બન્યાં. તે વર્ષે જ તેઓ કેલિફોર્નિયાનાં 'ડેપ્યુટી ડીસ્ટ્રિક્ટ એટર્ની પદે નિયુક્ત થયા.' ૨૦૦૩માં તો તેઓ 'સાન-ફ્રાન્સિસ્કો'ના ડીસ્ટ્રિક્ટ એટર્ની પદે ચૂંટાયાં. તેઓ પછીથી ૨૦૧૦ અને ૨૦૧૪માં બે ટર્મ સુધી કેલિફોર્નિયાના એટર્ની જનરલપદે ચૂંટાયા હતા. ૨૦૧૭માં તેઓ કેલિફોર્નિયા રાજ્યમાંથી જ જુનિયર સેનેટરપદે રહ્યાં. આ પદ ઉપર રહેનારાં તેઓ સૌથી પહેલાં આફ્રિકન ટુ એશિયન હતાં. સેનેટર તરીકેની તેઓની કાર્યવાહી ઘણી ધ્યાનાકર્ષક બની રહી. વિશેષત: ટેક્સ અને આરોગ્ય વિભાગમાં સુધારા કરાવવાથી તેઓ વિખ્યાત બન્યાં.
૨૦૨૦માં તો તેઓએ અમેરિકાના પ્રમુખપદ માટેની ચૂંટણીમાં ઝુંકાવ્યું પરંતુ પછીથી જો બાયડેનની તરફેણમાં ખસી જતાં ડેમોક્રેટિક પાર્ટીએ તેઓને ઉપપ્રમુખપદ માટે નિશ્ચિત કર્યાં. હવે બાયડેન પણ રેસમાંથી ખસી ગયા છે. તેઓએ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખપદ માટેનાં ઉમેદવાર તરીકે તેઓનું નામ સૂચવ્યું છે. તેઓ જીતે કે હારે તે કરતાં વધુ મહત્વની બાબત તો તે છે કે અમેરિકાના સર્વ પ્રથમ પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટનની પાર્ટીના પ્રમુખપદ માટેના ઉમેદવાર તરીકે પસંદ થયું તે જ જીવનની ધન્યતા છે.