જેલેન્સ્કીને હેન્ડસમ કહેવાનુ રશિયન મહિલાને ભારે પડ્યુ, કોર્ટે ફટકાર્યો 40000નો દંડ
નવી દિલ્હી,તા.21.એપ્રિલ,2023
યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદોમિર જેલેન્સ્કીએ રશિયા સાથે બાથ ભીડવાની હિંમત બતાવી હોવાથી ઘણા લોકો તેમને હીરો માને છે. જેલેન્સ્કીની ચાહક એવી એક મહિલાને જોકે જેલેન્સ્કીના વખાણ કરવાનુ ભારે પડી ગયુ છે.મોસ્કોની એક કોર્ટે મહિલા પર 40000 રુબલ એટલે કે 40000 રુપિયાનો દંડ ફટકાર્યો છે.રશિયાના હ્યુમન રાઈટ સંગઠનનુ કહેવુ છે કે, ઓલ્ગા સ્લેગિનમ નામની મહિલાએ જેલેન્સ્કીને બહુ સરસ રમૂજવૃત્તિ સાથેના હેન્ડસમ વ્યક્તિ ગણાવ્યા હતા.મહિલાને દુશ્મન દેશના રાષ્ટ્રપતિના વખાણ કરવાનો કોઈ અધિકાર નથી. આ ઘટના સામે આવ્યા બાદ મોસ્કોની કોર્ટે ઓલ્ગા પર 40000 રુબલનો દંડ ફટકાર્યો છે.
જણાવી દઈએ કે 70 વર્ષીય મહિલાએ ગત ક્રિસમસ દરમિયાન હેલ્થ સેન્ટરની કેન્ટીનમાં એક વેઈટર સામે ઉપરોક્ત નિવેદન આપ્યુ હતુ.જેના પગલે હવે તે મુસિબતમાં ફસાઈ છે.જોકે ઓલ્ગા આ રીતે મુસિબતમાં પડનાર પહેલી વ્યક્તિ નથી.
ગયા મહિને રશિયા અને યુક્રેન યુધ્ધની મજાક ઉડાવનાર વાસિલી બોલશકોવ નામના વ્યક્તિને 3 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.તેને રશિયન સેનાને બદનામ કરવા માટે દોષી જાહેર કરાયો હતો. વાસિલી મેટ્રો ટ્રેનમાં મુસાફરી દરમિયાન યુધ્ધની મજાક ઉડાવી રહ્યો હતો અને તેની સાથેના એક મુસાફરે આ વાત સાંભળી હતી અને સત્તાધીશોને જાણ કરી હતી.એ પછી કોર્ટે તેને ત્રણ વર્ષ માટે જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. બંને દેશો વચ્ચે છેલ્લા એક વર્ષથી યુધ્ધ ચાલી રહ્યુ છે ત્યારે રશિયામાં યુધ્ધ અંગે એલફેલ બોલનારાઓ સામે સરકાર ભારે કડકાઈ ભર્યુ વલણ અપનાવી રહી છે.