જાપાનમાં જેલમાં જવા વૃદ્ધો જાણી જોઈને તોડે છે કાયદો, સંતાનો સારસંભાળ ન રાખતા હોવાથી પરિસ્થિતિ વણસી
- વૃદ્ધોની વધી રહેલી સંખ્યા, જાપાનમાં ગંભીર સમસ્યા બની છે પુત્ર કે પુત્રીઓ પૂરતું ધ્યાન નહીં આપતા આ સમસ્યા ઘેરી બની છે
ટોક્યો : જાપાનમાં સરેરાશ આયુષ્ય ઘણું વધી ગયું છે, તેથી વૃદ્ધોની સંખ્યા પણ સતત વધતી જાય છે. જાપાનમાં સંયુક્ત કુટુમ્બ જેવું હવે રહ્યું નથી. પુત્રો કે પુત્રીઓ, વૃદ્ધ માતા-પિતાને છોડી બીજે જતાં રહે છે. તેના તે જ શહેરમાં બીજું ઘર રાખી પૈતૃક ઘરમાં વૃદ્ધ માતા કે પિતા કે વૃદ્ધ માતા-પિતા બંનેને છોડી જતાં રહે છે. આવા વૃદ્ધો માટે એકલપણુ અભિશાપરૂપ બને છે. અસંખ્ય ઘટનાઓ તેવી પણ બની છે કે વૃદ્ધ માતા-પિતાને ખાવાનાં સાંસા પડી જાય છે તેથી તેઓ જાણી જોઈને અપરાધો કરે છે. જેથી પોલીસ તેમને પકડી જેલ ભેગાં કરે છે.
૮૧ વર્ષની એક વૃદ્ધાએ તેમ જ કર્યું હતું તેણે જણાવ્યું હતું કે તેને ખાવા-પીવાનાં પણ સાંસાં પડી જતાં તેણે જાણી જોઈને કાનૂન ભંગ કર્યો. જેથી પોલીસે તેમની ધરપકડ કરી. કોર્ટમાં તેણે પોતાની ઉપરનો ચોરીનો આરોપ સ્વીકારી લીધો. સહજ છે કે તેઓને જેલવાસની સજા થઈ.
જાપાનની તોચિગી મહિલા જેલમાં રહેલાં ઓકીયોએ જણાવ્યું હતું કે જેલમાં જવાથી તેઓનાં જીવનમાં સ્થિરતા આવી છે. તેઓએ વધુમાં જણાવ્યું કે તેઓ ૬૦ વર્ષનાં હતા ત્યારે ખાવાનું ચોરવાના આરોપસર તેમને જેલની સજા થઈ હતી. તેમાં મને વધુ સારૂં ભોજન મળ્યું હતું, રહેવાને છત મળી.
તેઓએ વધુમાં કહ્યું કે જાપાની સરકાર વૃદ્ધો માટે પેન્શન સ્કીમ ચલાવે છે. પરંતુ તે રકમ પૂરતી થતી નથી.
સીએનએન જણાવે છે કે, તોચીગી મહિલા જેલમાં ૫૦૦થી વધુ મહિલા કેદીઓ છે. તે પૈકી ચોથા ભાગની તો વૃદ્ધાઓ છે.
ઓકીયોએ કહ્યું કે જો મારી આર્થિક સ્થિતિ સારી હોત તો જેલમાં જવાનું વિચારત પણ નહીં. અહીં માહોલ ઘણો સરસ છે. બધા એકબીજાને મદદ કરે છે, તેથી જેલમાં રહેવું વધુ પસંદ કરૂં છું.