પાકિસ્તાનની જેમ કંગાળ બની ચુકેલા ઈજિપ્તે પોતાનુ આખુ શહેર જ વેચવા કાઢ્યુ
કૈરો,તા.09 ફેબ્રુઆરી 2024,શુક્રવાર
પાકિસ્તાનની જેમ જ આર્થિક રીતે ખુવાર થઈ રહેલા આરબ દેશ ઈજિપ્તે તો હવે પોતાનુ આખુ શહેર વેચવા કાઢ્યુ છે.
આ શહેરને યુએઈના રોકાણકારોને સોંપી દેવાનો નિર્ણય લેવાયો છે. ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલા કસ્બે રાસ અલ હિકમા નામના શહેરને ઈજિપ્તમાં ધરતી પરનુ સ્વર્ગ ગણવામાં આવે છે પણ ઈજિપ્તની સરકારે 22 અબજ ડોલરમાં તેને યુએઈના હવાલે કરી દેવાનો નિર્ણય લીધો છે.
જેને લઈને ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દુલ ફતેહ અલ સીસી સામે દેશમાં વિરોધ પણ શરુ થઈ ગયો છે. ઈજિપ્તની સ્થિતિ પણ પાકિસ્તાન જેવી છે. તેનો વિદેશી મુદ્રા ભંડાર ખાલી થઈ ગયો છે અને તેને વિદેશી હુંડિયામણની સખ્ત જરુર છે.
ઈજિપ્તની સરકારના એક ટોચના અધિકારીએ કહ્યુ હતુ કે, યુએઈના રોકાણકારો કસ્બે રાસ અલ હિકમાને ખરીદવા જઈ રહ્યા છે. તેઓ આ શહેરને વિકસીત કરવા માટે 22 અબજ ડોલરનો ખર્ચ કરશે. અમને આ શહેરમાં રોકાણ કરવા માટે ઘણી ઓફરો મળી હતી પણ અમે યુએઈ પર પસંદગી ઉતારી છે. આ માટેની ડીલ પરી વાતચીત પૂરી થઈ ગઈ છે. આગામી દિવસોમાં કરાર પર હસ્તાક્ષર થવાની તૈયારી છે.
જોકે આ પહેલા પણ આ શહેરને વેચવા માટે સરકારે પ્રયત્નો કર્યા હતા અને તે વખતે પણ લોકોએ આ નિર્ણયની ટીકા કરી હતી. ટીકાકારોના કહેવા પ્રમાણે આ ડીલ પછી ઈજિપ્ત પોતાના ખૂબસુરત સમુદ્ર કિનારાઓ પરથી નિયંત્રણ ગુમાવી દેશે.
ઈજિપ્તની ઈકોનોમીની વાત કરવામાં આવે તો આઈએમએફ સાથે તેની વાટાઘાટો ચાલી રહી છે. ઈજિપ્ત દ્વારા 10 અબજ ડોલરનુ બેલ આઉટ પેકેજ માંગવામાં આવે તેવી શક્યતા છે.