કંગાળ બનેલા ઈજિપ્તે પહેલા એક આખા શહેરનો સોદો કર્યો, હવે 6 ઐતિહાસિક હોટલો વેચવા કાઢી
કેરો, તા. 18 ફેબ્રુઆરી 2024
આર્થિક રીતે નાદારી તરફ આગળ વધી રહેલા ઈજિપ્તની સરકારે પહેલા એક આખુ શહેર વેચવા માટે સોદો કર્યો હતો અને હવે દેશની ઐતહાસિક હોટલો પણ વેચવા કાઢી છે.
ઈજિપ્તની ઈકોનોમી ભારે ખરાબ હાલતમાં છે. દેશ વિદેશી હૂંડિયામણ મેળવવા માટે ઝઝૂમી રહ્યો છે ત્યારે ઈજિપ્તની સરકારે 6 ઐતહાસિક હોટલો વેચવાનુ નક્કી કર્યુ છે. આ રકમનો ઉપયોગ ઈજિપ્તનુ વિદેશી હુંડિયામણ વધારવા માટે કરાશે. હોટલો ખરીદવા માટે યુએઈના દિગ્ગજ ધનિકોએ બોલી લગાવી છે. આ હોટલો રાજધાની કેરો તેમજ બીજા મોટા શહેરોમાં આવેલી છે.
ઈજિપ્તમાં છેલ્લા કેટલાક વર્ષોથી સરકારી સંપત્તિઓ વેચવાનો સિલસિલો શરુ થયો છે. મોટાભાગની પ્રોપર્ટી યુએઈના ધનિકો ખરીદી રહ્યા છે. રાજધાની કેરોમાં આવેલી સરકારની એક ઈમારતને 200 મિલિયન ડોલરમાં વેચવામાં આવી છે.
તાજેતરમા જ સરકારે ઈજિપ્તના દરિયા કિનારા પર આવેલા એક ખૂબસુરત શહેરનો પણ સોદો 22 અબજ ડોલરમાં કર્યો હોવાના અહેવાલો સામે આવ્યા હતા. જેને લઈને દેશમાં ભારે ઉહાપોહ પણ થયો હતો.
ઈજિપ્ત કોઈ પણ સંજોગોમાં પોતાનુ દેવુ ચુકવવા માંગે છે. જેથી દેવાળિયા થવામાંથી બચી શકાય. આર્જેન્ટિના બાદ ઈજિપ્ત જ આઈએમએફનુ સૌથી મોટુ દેવાદાર છે. બીજી તરફ સરકાર આઈએમએફ સાથે બેલઆઉટ પેકેજ માટે પણ વાતચીત કરી રહી છે.