ઈઝરાયેલ-હમાસ યુધ્ધની અસર, એક દાયકા જૂની દુશ્મની ભુલાવીને ઈજિપ્ત અને તુર્કી દોસ્ત બનશે
image : Twitter
અંકારા,તા.14 ફેબ્રુઆરી 2024,બુધવાર
દુનિયાના બે કટ્ટર દુશ્મન ઈસ્લામિક દેશો ઈજિપ્ત અને તુર્કી વચ્ચે એક દાયકા બાદ ફરી દોસ્તી થાય તેવા સંજોગો દેખાઈ રહ્યા છે.
ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દુલ ફતેહ અલ સીસીના આમંત્રણ બાદ તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈય્યબ એર્દોગન ઈજિપ્તની મુલાકાત લેવા જઈ રહ્યા છે.
હાલમાં ઈઝરાયેલ અને ગાઝા વચ્ચે છેડાયેલા જંગના કારણે મિડલ ઈસ્ટમાં સર્જાયેલા તણાવ વચ્ચે એર્દોગનની ઈજિપ્ત મુલાકાત બહુ મહત્વની મનાઈ રહી છે. કારણકે આ બંને દેશો વચ્ચે છેલ્લા એક દાયકાથી બાપે માર્યા વેર છે. અલ સીસી અને એર્દોગનને પણ અત્યાર સુધી એક બીજા સાથે બનતુ નહોતુ.
2013માં અલ સીસીએ ઈજિપ્તના અગાઉના રાષ્ટ્રપતિ મહોમ્મદ મુર્સી સામે વિદ્રોહ કરી દીધો હતો અને તે વખતે મુર્સીને એર્દોગનની નિકટના નેતા માનવામાં આવતા હતા. જેના કારણે એર્દોગન બળવો કરીને રાષ્ટ્રપતિ બનનાર અલ સીસી પર ખફા હતા.
જોકે બંને દેશો વચ્ચે પડદા પાછળથી વાટાઘાટોના પ્રયાસો થઈ રહ્યા હતા. જેનુ પરિણામ હવે મળ્યુ છે. 2022માં સીસી અને એર્દોગન કતારમાં એક બીજાને થોડી મિનિટો માટે મળ્યા હતા. એ પછી ગત સપ્તાહે તુર્કીના વિદેશ મંત્રીએ ઈજિપ્તને પોતાના ઘાતક ડ્રોન આપવાની તૈયારી બતાવી હતી.
તુર્કીના વિદેશ મંત્રી ફિદાને ગાઝા સાથે ઈઝરાયેલના જંગ વચ્ચે ઈજિપ્તની ગત ઓક્ટોબર મહિનામાં મુલાકાત લીધી હતી અને તેમણે રાષ્ટ્રપતિ સીસી સાથે પણ મંત્રણા કરી હતી.
આમ બંને દેશો વચ્ચેના સબંધો ફરી મધુર બની રહ્યા હોવાના સંકતો મળી રહ્યા છે. ખાસ કરીને તુર્કી બીજા દેશો સાથે પણ પોતાના વણસેલા સબંધો સુધારવા માટે પ્રયત્નો કરી રહ્યુ છે. જેમ કે ગ્રીસ સાથે તુર્કીએ વાતચીત શરુ કરી છે. આ પહેલા તુર્કીએ સ્વીડનને પણ નાટો સંગઠનમાં પ્રવેશ આપવા માટે લીલી ઝંડી આપી દીધી હતી.